નડિયાદ: ખેડામાં આવેલ સરકારી શાળાની બહાર મુખ્ય માર્ગ પર ફેલાયેલાં કાદવ-કિચડમાંથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. જે પાલિકાના આંધળા તંત્રને દેખાતું ન હોવાથી સફાઈ કરવામાં આવતી નથી. પરંતુ જ્યારે શાળાના કાર્યક્રમમાં કોઈ અધિકારી આવવાના હોય ત્યારે પાલિકાતંત્ર દ્વારા રાતોરાત કાદવની સફાઈ કરી દેવામાં આવે છે. ત્યારે પાલિકાની આવી બેવડી નિતી ધરાવતી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યાં છે. ખેડા નગરપાલિકાની બાજુમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટેની બે અલગ-અલગ સરકારી શાળાઓ આવેલી છે. ચોમાસા દરમિયાન આ શાળાની બહાર મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે.
જેની સફાઈ માટે શાળાના પ્રિન્સીપાલ ઉપરાંત વાલીઓ દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ પાલિકાનું નઘરોળ તંત્ર આ કાદવ-કિચડની સફાઈ હાથ ધરતું નથી. જેને પગલે વિદ્યાર્થીઓને જો શાળાએ પહોંચવા માટે ફરજીયાતપણે કાદવ-કિચડમાં થઈને પસાર થવું પડી રહ્યું છે. જોકે, બીજી બાજુ શાળામાં કોઈ કાર્યક્રમ રાખ્યો હોય અને તેમાં કોઈ અધિકારી આવવાના હોય તેવા સમયે પાલિકાતંત્ર દ્વારા રાતોરાત રસ્તા પરના કાદવ-કિચડની સફાઈ કરી દેવામાં આવે છે. ત્યારે ખેડા પાલિકાના સત્તાધીશોની કાર્યશૈલી ઉપર સવાલો ઉઠવા લાગ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ખેડા શહેરમાં વરસાદનું જોર ઘટવા છતાં પાલિકા દ્વારા સફાઇ મામલે આળસ દાખવવામાં આવી રહી છે. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે.
વારંવાર રજુઆત કરવા છતાં પાલિકાતંત્ર સફાઈ બાબતે ધ્યાન આપતું નથી : પ્રિન્સીપાલ
આ મામલે સરકારી શાળાના પ્રિન્સીપાલ જણાવે છે કે, કાદવ-કિચડને પગલે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં પડતી હાલાકીને ધ્યાનમાં રાખી અમે ખેડા પાલિકાના સભ્યો તેમજ ચીફ ઓફિસરને અનેકોવાર મૌખિક રજુઆતો કરી છે. તેમ છતાં તંત્ર સફાઈ બાબતે ધ્યાન આપતું નથી. ખેડા પાલિકાના સભ્યો પ્રવેશોત્સવ વખતે શાળામાં આવ્યાં તે વખતે પણ રજુઆત કરવામાં આવી હતી. તેમછતાં આજદિન સુધી સફાઈ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેને પગલે ખેડા પાલિકાના સત્તાધીશોને નાના બાળકોની કોઈ ચિંતા જ ન હોય તેવું લાગી રહ્યું છે.
સ્વચ્છતા અભિયાન માત્ર મંત્રીઓ અને અધિકારીઓને દેખાડવા પુરતું જ સીમીત….?
ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ નેતાઓએ આ અભિયાનને ફોટા પડાવવા પુરતું જ યોગ્ય ગણ્યું છે. જેને પગલે વિવિધ ગામ-શહેરોમાં ઠેર-ઠેર ગંદકી આજે પણ યથાવત જોવા મળી રહી છે. બીજી બાજુ કોઈ મંત્રી કે અધિકારી જે તે વિસ્તારમાં આવે તે વિસ્તારમાં રાતો-રાત સાફ-સફાઈ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિકતંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન માત્ર મંત્રીઓ અને અધિકારીઓને દેખાડવા પુરતું જ સીમીત રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે.
અનેક વિદ્યાર્થી કાદવમાં લપસ્યાં હોવાના બનાવો બન્યાં છે
ચોમાસા દરમિયાન શાળામાં જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેવાથી સર્જાતાં કાદવ-કિચડને પગલે વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ-કિચડ ખુંદીને પસાર થતી વખતે કેટલાક બાળકો લપસી પણ જતાં હોય છે. તેવા સમયે વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચતી હોય છે. તદુપરાંત યુનિફોર્મ અને ભણવા માટેના નોટબુક-ચોપડીઓ ગંદા થતાં હોય છે.