દુનિયાભરમાં બે વર્ષથી ચાલી રહેલો કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો માંડ ધીમો પડી રહ્યો હતો, ત્યાં કોરોનાવાયરસના નવા અને ખૂબ ચેપી કહેવાતા વેરિઅન્ટ ઓમિક્રોને આખા વિશ્વમાં ચિંતાનો માહોલ ઉભો કરી દીધો છે. આ વેરિઅન્ટ હાલની રસીઓને પણ નહીં ગાંઠે એવી ચિંતાઓ આમાં મુખ્ય છે. મહામહેનતે કરેલા વ્યાપક રસીકરણ પર પાણી ફરી વળે તેવી ચિંતાઓ દુનિયાભરના દેશોની સરકારોને થાય તે સ્વાભાવિક છે. જો કે હજી ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ નથી પરંતુ વ્યાપક ચિંતાઓને કારણે છેલ્લા કેટલાક સપ્તાહોમાં તો ઘણુ બધુ બની ગયું છે.
ઓમિક્રોનના ફેલાવાની વાતો બહાર આવી કે દુનિયાભરના શેરબજારો ગગડી ગયા. માંડ શરૂ થઇ રહેલા વૈશ્વિક પ્રવાસો પર ફરીથી નિયંત્રણો આવવા માંડ્યા. ભારતમાં પણ આ ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધવા માંડ્યા છે. આ ઓમિક્રોન વધુ ચેપી છે પણ ઓછો ઘાતક છે એમ પણ કહેવાય છે, આ વેરિઅન્ટને કારણે રસીઓ સુધારવી પડશે, બુસ્ટર ડોઝ મૂકવા પડશે વગેરે વગેરે વાતો વચ્ચે આફ્રિકન દેશ સાઉથ સુદાનમાં કંઇક રહસ્યમય રોગ ફાટ્યો હોવાના અહેવાલ છે. સાઉથ સુદાનમાં ૮૯ વ્યક્તિઓના એક રહસ્યમય રોગથી મોત થયા છે. આ તમામ મોત સાઉથ સુદાનના ઉત્તરીય શહેર ફેંગાકમાં થયા છે જે શહેર જોંગલેઇ રાજ્યમાં આવેલું છે.
આ રીતે થયેલા મૃત્યુઓની તપાસ કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ એક રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલી છે. જે રોગથી આ લોકોના મૃત્યુઓ થયા છે તે રોગમાં કોલેરા જેવા લક્ષણો જણાતા હતા, પણ સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા સેમ્પલોમાં કોલેરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. દેશના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે એક અજાણ્યા રોગને કારણે જોંગલેઇ સ્ટેટના ફેંગાક ટાઉનમાં સંખ્યાબંધ લોકોનાં મોત થયા છે. આ વિસ્તાર તાજેતરમાં ભારે પૂરનો ભોગ બન્યો હતો. હુએ ત્યાં નમૂનાઓ ભેગા કરવા માટે એક રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલી છે એમ બીબીસીએ અહેવાલ આપ્યો છે. કોરોનાવાયરસના રોગચાળાથી જે તબાહી ગયા વર્ષે વીતેલા મહિનાઓમાં મચી હતી તે દુનિયાએ જોયું છે તેથી હવે નવા કોઇ પણ રોગના અહેવાલ લોકોને ગભરાવી રહ્યા છે.
કોરોનાવાયરસનો રોગચાળો ગયા વર્ષની શરૂઆતના મહિનાઓમાં વિશ્વભરના દેશોમાં ફેલાવા માંડ્યો અને લૉકડાઉન જેવા નિયંત્રણો વિશ્વભરમાં મૂકાયા અને તેના પછી ગયા વર્ષના અંતભાગે ઉતાવળે રસીઓ બનાવી કાઢવામાં આવી અને રસીકરણ શરૂ કરવામાં આવ્યું, આ વર્ષના જાન્યુઆરીથી ભારતમાં પણ રસીકરણ શરૂ થયું અને ઘણુ બધુ રસીકરણ થઇ ગયું છે ત્યારે હવે એવી વાતો લોકોમાં ચિંતા અને નિરાશા જ જન્માવે કે રસીઓ બિનઅસરકારક બની શકે છે.
ભારતના કોવિડ ટાસ્ક ફોર્સના વડા વી.કે. પૌલે હાલમાં જણાવ્યું છે કે સંભવિતપણે એવું પરિદ્રશ્ય સર્જાઇ શકે છે કે ઉદભવતી સ્થિતિઓમાં આપણી રસીઓ બિનઅસરકારક બની જઇ શકે. તેમણે રસીઓને જરૂરિયાત મુજબ સુધારવા તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જેનેરિક રસીના ઝડપી વિકાસ પરથી આગળ વધતા આપણે એવી સ્થિતિ તરફ આગળ વધવા તૈયાર રહેવાની જરૂર છે કે જ્યાં આપણે મક્કમપણે એ માટે સક્ષમ બનીએ કે રસીઓ જરૂરિયાત મુજબ સુધારી શકાય. આ દર ત્રણ મહિના કદાચ નહીં બની શકે પણ કદાચ દર વર્ષે બની શકે એમ તેમણે કહ્યું છે.
કોરોનાવાયરસના રોગચાળાએ આપણને શીખવ્યું છે કે રસીઓને હળવાશથી લેવાની જરૂર નથી, અને અભૂતપૂર્વ રીતે ઉદભવતી આરોગ્યની સ્થિતિઓને આપણે હાથ ધરવાની છે એમ તેમણે કહ્યું હતું એમ પૌલ કહે છે. આવા નિષ્ણાતો અને અગ્રણીઓની રસી અંગેની વાતો રસીઓ વિશેની લોકોની શંકાઓમાં પણ વધારો કરી શકે છે. રસીઓથી કોઇ લાભ થતો નથી, પરંતુ રસી ઉત્પાદક કંપનીઓને લાભ કરાવી આપવા માટે અને સરકારોને યશ મળે તે માટે આ રસીકરણના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે એવી પણ જે ચર્ચાઓ થાય છે તેને આવી વાતોથી બળ મળી શકે છે. અમેરિકા અને યુકે જેવા દેશોએ તો બુસ્ટર ડોઝના કાર્યક્રમો શરૂ કરી દીધા છે અને ભારત જેવા દેશોમાં પણ બુસ્ટર ડોઝની, ત્રીજા ડોઝની ચર્ચાઓ શરૂ થઇ છે.
હજી નોંધપાત્ર સંખ્યામાં લોકોએ અહીં બીજો ડોઝ લેવાનો બાકી છે અને બીજા ડોઝ પછી જો બુસ્ટર ડોઝ કે સુધારેલી રસીઓ મૂકાવવાનું આવશે તો ભારતમાં જ નહીં દુનિયાભરમાં લોકોમાં અજંપો અને અકળામણ વધશે એવા સંકેતો હાલ તો દેખાઇ રહ્યા છે. છેલ્લા અનેક દાયકાઓમાં તબીબી વિજ્ઞાનમાં થયેલી અનેક મહત્વની શોધોથી ઘણા બધા રોગો નોંધપાત્ર રીતે કાબૂમાં આવી ગયા હતા. સાર્સ અને મર્સ જેવા રોગો ઉદભવ્યા પણ થોડી ચિંતાઓ જગાડીને વિલીન થઇ ગયા.
પણ હવે નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુથી થતા કોવિડ-૧૯ના રોગચાળાએ દુનિયાભરના લોકોનો વિજ્ઞાન પરથી વિશ્વાસ પણ કંઇક હચમચાવવા માંડ્યો છે. વળી, આમાં કેટલાક નવા અને રહસ્યમય રોગો પણ વચ્ચે વચ્ચે ડોકિયા કરવા માંડ્યા છે. નવા રોગો, ખાસ કરીને વાયરસજન્ય રોગો ગભરાટ સર્જી રહ્યા છે, ગુંચવાડાઓ પણ સર્જાઇ રહ્યા છે અને રસીકરણને લગતી વાતો ગુંચવાડા વધારી રહી છે. નવા ઉદભવી રહેલા રોગો અને રોગચાળાઓ આગામી સમયમાં માનવજાતની આકરી કસોટી કરે તેવી શક્યતા નકારી શકાય નહીં.