National

ગૃહમંત્રી અમિત શાહની ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહના વિમાનની બુઘવારની રાત્રે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આકાશમાં વાદળ હોવાના તેમજ વાતાવરણ ખરાબ હોવાના કારણે ફલાઈટનું ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ દેશના ગૃહપ્રધાન અમિત શાહ ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટેના રથયાત્રાનું ઉદ્ઘાટન કરવા માટે નીકળ્યા હતા પરંતુ ખરાબ વાતાવરણના કારણે તેઓએ ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડી હતી. જાણકારી મુજબ અહીં તેઓ હોટલ રેડિસન બ્લૂમાં રોકાશે તેમજ ગુરુવારની સવારે અગરતલા માટે રવાના થશે.

બીજેપી નેતાઓએ કહ્યું હતું કે શાહ રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ 190 કિમી દૂર ઉત્તર ત્રિપુરામાં ધર્મનગરની પ્રથમ મુલાકાત લે તેવી સંભાવના છે, જ્યાં તેઓ પ્રથમ રથયાત્રાને લીલી ઝંડી આપશે. બાદમાં, તેઓ બીજી રથયાત્રાને લીલી ઝંડી આપવા માટે બાંગ્લાદેશ સરહદ નજીક દક્ષિણ ત્રિપુરામાં સબરૂમની મુલાકાત લેશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી ત્રિપુરાથી રવાના થશે.

મુખ્યમંત્રી માણિક સાહા અને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુશાંત ચૌધરી સોમવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ પહેલા પાર્ટીની મેગા રેલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ધર્મનગર અને સબરૂમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે બે રથયાત્રાના ભાગરૂપે અનેક જાહેર સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 12 જાન્યુઆરીએ કાર્યક્રમના સમાપન દિવસે હાજર રહે તેવી શક્યતા છે.

Most Popular

To Top