SURAT

170 મુસાફરો સાથે સુરતથી દિલ્હી જવા ઉડેલા પ્લેનમાં 30 જ મિનીટમાં આવી ખામી સર્જાઈ, પાયલોટે…

સુરત: દિલ્હીથી સવારે 7 વાગ્યે સુરત આવી સુરતથી 8 વાગ્યે દિલ્હી પરત જતી ઈન્ડિગો એરલાઈન્સની 170 પેસેન્જર ભરેલી ફ્લાઈટ સુરતથી ટેક ઓફ થયા પછી દિલ્હી જવાને બદલે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થઈ રહ્યાંની જાહેરાત થતાં જ પેસેન્જરોનાં જીવ તાળવે ચોંટ્યા હતાં કેમકે ફલાઇટ ટેક ઓફ થયાની 30 મિનિટમાં પાયલટે એન્જીનમાં ટેક્નિકલ ખામીનો ઉલ્લેખ કરી વિમાન ચકાસણી માટે અમદાવાદ એરપોર્ટ લેન્ડ થઈ રહ્યું હોવાની જાહેરાત કરી હતી.

  • ર્બર્ડ હિટ : ઇન્ડિગોની સુરત-દિલ્હી ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
  • સુરત એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થયા પછી પક્ષી અથડાતાં એન્જીનની બ્લેડ ક્રેક થઈ ગઈ હતી
  • અમદાવાદ એરપોર્ટ આવે એ પહેલા પાયલટે ઇમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરતાં યાત્રીઓનાં જીવ તાળવે ચોંટ્યા

જોકે અમદાવાદ એરપોર્ટ સેફ લેન્ડિંગ કર્યા પછી ઇન્ડિગોના પાયલટે સુરત એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે સસ્પેકટેડ બર્ડ હિટની ઘટના બની હોવાની માહિતી એટીસીને આપી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરત એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના એરપોર્ટના રનવે નજીકનાં ઝીંગા તળાવોને લીધે બનતી રહે છે એટલે પાયલટને ફલાઈટ સુરત રિટર્ન લાવવાનું યોગ્ય લાગ્યું નહીં. વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે કોઈ મોટું પક્ષી એન્જીનની આરપાર નીકળી ગયું હોવાથી એન્જીનની બ્લેડ ડેમેજ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં આ વિમાનને ઉડ્ડયન સેવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ઇન્ડિગોએ પેસેન્જરો માટે મુંબઇથી બીજું વિમાન મંગાવવાની ખાતરી આપી ત્રણ કલાક એરપોર્ટ પર બેસાડી રાખ્યાં હતાં.

પાયલટનો ઇમરજન્સી લેન્ડિંગનો મેસેજ મળતાં જ અમદાવાદ એરપોર્ટનો રન-વે ક્લિયર કરાયો
સુરત એરપોર્ટથી સવારે 8:00 વાગે દિલ્હી ફ્લાઈટ ઉપડી હતી. સુરતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E646 અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. VT-IZI એરબસ (A320neo) અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. એન્જીનની બ્લેડ ડેમેજ થઈ હોવાથી ઈન્ડિગો એ ત્રણ કલાક પછી મુસાફરોને દિલ્હી લઈ જવા માટે VT-IAN (A320ceo) એરબસ વિમાનની વ્યવસ્થા કરી હતી. સુરત એરપોર્ટના ડાયરેક્ટર એસ.સી. ભાલશે જણાવ્યું હતું કે, સુરતથી દિલ્હી ઇન્ડિગોની ફ્લાઈટ ડિપાર્ચર થઈ હતી. સવારે 9:05 બર્ડ હિટ થવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ઈન્ડિગોનાં પાયલટે એટીસીને બર્ડ હિટ થઈ હોવાનો મેસેજ આપ્યાં પછી આગળ વધી એક એન્જીનમાં કંઈક ખામી જણાઈ રહી હોવાથી અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગનો એસઓએસ મોકલ્યો હતો. જેના પગલે અમદાવાદ એરપોર્ટનો રનવે ક્લિયર કરાવવામાં આવ્યો હતો. વ્યવસ્થા થતાં પેસેન્જરોને બીજા એરક્રાફ્ટમાં દિલ્હી મોકલી દેવામાં આવ્યાં છે.

સુરતથી નેપાળ જઈ રહેલા પ્રવાસીઓ અટવાયા, દિલ્હીમાં ઉતર્યા પછી હોટેલ લઈ જવાયાં
ઇન્ડિગોની સુરત-દિલ્હી ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ પછી બીજું વિમાન 3 કલાકના વિલંબથી આવતાં પેસેન્જરો એ હોબાળો મચાવ્યો હતો. ત્રણ કલાક પછી બીજું વિમાન અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પહોંચ્યું પણ અહીં કેટલાક પેસેન્જરો નેપાળનાં કાઠમંડુની કનેક્ટિંગ ફ્લાઈટ ચૂકી ગયા પછી કોઈ ઉત્તર નહીં મળતાં પેસેન્જરોએ હંગામો કરતાં તેમને દિલ્હી હોટેલ લઇ જવાયાં હતાં. જ્યાં કાઠમંડુની બીજી ફલાઇટમાં બેસાડવાની ખાતરી આપવામાં આવી હતી.

DGCA દ્વારા તપાસનાં આદેશ અપાયાં
ઈન્ડિગોની સુરત-દિલ્હી ફ્લાઈટ સાથે બનેલી બર્ડ હિટની ઘટના મામલે ડાયરેકટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યાં છે ડીજીસીએની ટીમ અમદાવાદ એરપોર્ટ પર એરક્રાફ્ટનું નિરીક્ષણ કર્યા પછી તપાસ માટે સુરત આવશે. આ મામલામાં પાયલટની પૂછપરછ કરવામાં આવશે.

દેશમાં બર્ડ હિટની ઘટનામાં સુરત એરપોર્ટ પાંચમાં ક્રમે
દેશમાં બર્ડ હિટમાં સુરત એરપોર્ટ પાંચમાં નંબર પર આવ્યું છે. વર્ષ 2018-19માં બર્ડ હિટના 7 કેસ નોંધાયા હતા. જે વધીને વર્ષ 2019-20માં 14 એટલે કે, બમણા થઈ ગયા છે. આરટીઆઈ અરજીમાં એનો ખુલાસો થયો છે. એએઆઇના 60 એરપોર્ટ પર બર્ડ હીટની સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં ટોપ-10માં સુરત એરપોર્ટનો સમાવેશ થાય છે. દેશમાં પ્રથમ નંબરે કોઇમ્બતુર, બીજા નંબરે અમદાવાદ, ત્રીજા નંબરે ચેન્નાઇ, ચોથા નંબરે વારણસી અને પછી સુરતનો ક્રમ બર્ડ હિટની ઘટનામાં આવે છે.

  • છેલ્લા ચાર વર્ષમાં બર્ડ હિટની ઘટનાઓ
  • વર્ષ બર્ડ હિટની સંખ્યા
  • 2016-17 / 4
  • 2017-18 / 6
  • 2018-19 / 7
  • 2019-20 / 14

એર ઇન્ડિયાની દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ
સુરત: સુરતથી દિલ્હી જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બર્ડ હીટને લીધે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એવી જ રીતે આજે બીજી એક ઘટનામાં એર ઇન્ડિયાની દિલ્હીથી મુંબઇ જતી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુંબઇ એરપોર્ટ પર પેરેલલ ટેક્સી વે બંધ હોવાથી વાઈડ બોડી એરક્રાફ્ટ નેરો રન-વે (ટેક્સી-વે)માં લેન્ડિંગ થઇ શકે તેમ ન હોવાથી પાઈલટે ફ્લાઇટને સુરતમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. સુરત એટીસીને સવારે મેસેજ મળતાં સુરત એરપોર્ટનો રન-વે ક્લીયર કરાવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી મુંબઇ એરપોર્ટ એરિયામાં પહોંચી હતી. જ્યાં તેને લેન્ડિંગ ક્લીયરન્સ મળ્યું ન હતું. બપોરે મુંબઇ એરપોર્ટની ઉપર ચકરાવો લીધા પછી ફ્લાઇટને સુરતમાં ડાયવર્ટ કરાઇ હતી. આ ફ્લાઇટે લેન્ડિંગ માટે ખોટો ટેક્સી-વે લીધો હતો. જે 77W ફ્લાઇટ માટે નક્કી ન હતો. જો વ્હાઇટ બોડી ધરાવતી ફ્લાઇટ નેરો ટેક્સિ વે પર લેન્ડિંગ કરવામાં આવે તો એન્જિનમાં સમસ્યા ઊભી થવાની શક્યતાને જોતાં મુંબઇ એટીસીએ ફ્લાઈટ સુરત લઈ જવા જણાવ્યું હતું. સુરત એરપોર્ટ પર 45 મિનિટના રોકાણ પછી આ ફ્લાઈટ મુંબઇ જવા રવાના થઈ હતી.

Most Popular

To Top