પિથોરાગઢઃ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મુન્સિયારીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે. ખરાબ હવામાનના લીધે હેલિકોપ્ટર ઉતારવાની ફરજ પડી હોવાની વિગતો જાણવા મળી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું હેલિકોપ્ટર મિલમ તરફ જઈ રહ્યું હતું ત્યારે ખરાબ હવામાનના લીધે અડધા રસ્તે જ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના બની ત્યારે તેમની સાથે ઉત્તરાખંડના મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ મુસાફરી કરી રહ્યાં હતાં.
રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો ભાગ છે. તેમણે 15 મે 2022 ના રોજ ચાર્જ સંભાળ્યો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. તમને જણાવી દઈએ કે રાજીવ કુમાર 19 ફેબ્રુઆરી 2025 ના રોજ પોતાનો 65મો જન્મદિવસ ઉજવશે. બંધારણ મુજબ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.
ભારતીય વહીવટી સેવાના 1984 બેચના અધિકારી રાજીવ કુમારે તેમની લાંબી વહીવટી કારકિર્દીમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમણે કેન્દ્રમાં વિવિધ મંત્રાલયોમાં અને બિહાર/ઝારખંડના તેમના રાજ્ય કેડરમાં સેવા આપી છે. B.Sc., L.L.B., PGDM અને M.A. પબ્લિક પોલિસીની શૈક્ષણિક ડિગ્રી ધરાવનાર રાજીવ કુમારને સામાજિક ક્ષેત્ર, પર્યાવરણ અને જંગલો, માનવ સંસાધન, નાણાં અને બેંકિંગ ક્ષેત્રોમાં પણ વ્યાપક કાર્ય અનુભવ છે.