Comments

પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ્સ બાબતમાં બ્રિટિશ પોલીસની શરમજનક નિષ્ક્રિયતા

કાયદા-કાનૂનો તો ચાર હજાર વરસથી લખાતા અને પળાતા આવ્યા છે. પણ યોગ્ય રીતે ક્રમબધ્ધ, કોલીફાય થયેલા કાયદાઓ અને તેના પાલન માટેની સુચારુ પોલીસ અને ન્યાય વ્યવસ્થા બ્રિટિશરોએ જગતમાં ફેલાવી. બ્રિટિશરો જયાં જયાં જઇને વસ્યા ત્યાં ત્યાં આજે પણ પોલીસ તેમજ કાયદાની વ્યવસ્થા સક્ષમ અને ન્યાયપૂર્ણ ગણાય છે. પરંતુ બ્રિટિશરો જે પ્રદેશમાંથી દુનિયાભરમાં ફેલાયા એ મૂળ યુ.કે.ની પોલીસ અને ન્યાય વ્યવસ્થાને લૂણો લાગી ગયો છે.

આજે લંડન અને યુકેમાં નાનાં બાળકોથી લઇને તમામ વયનાં લોકો સાથે બળાત્કારો, હિંસાઓ, હત્યાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે માનવામાં જ ન આવે કે આ બ્રિટિશ પોલીસ છે. સદીઓ સુધી સુખ, સમૃદ્ધિ અને ઓછી મહેનતે ઝાઝા લીલા લહેરમાં પડી ગયેલી બ્રિટિશ પ્રજા સાવ એદી, આળસુ અને સ્થૂળ બની ગઇ છે. એક સમયે મુંબઇની પોલીસને લંડનની સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ સાથે સરખાવવામાં આવતી હતી. હમણાં થોડા દાયકાઓથી મુંબઇની પોલીસ અંડરવર્લ્ડ, બોલીવૂડ અને શ્રીમંતોની ટોળીઓ સાથે મળી ગઇ છે. આ બધાં દૂષણો સાથે પણ મુંબઇની પોલીસને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ સાથે સરખાવવી તે મુંબઇ પોલીસનું અપમાન છે.

બ્રિટનમાં હમણા ‘ગ્રુમિંગ ગેંગ’નો વિવાદ ખૂબ ચર્ચામાં છે. મુખ્યત્વે આ ગેંગો અથવા તો ટોળકીઓ યુકેમાં જઇને વસેલાં પાકિસ્તાનીઓની બનેલી છે. યુ.કે.ના બ્રિટિશરોને જાતિવાદીઓ, રેસિસ્ટ વગેરે નામો સદીઓથી અપાતાં રહ્યાં છે. હવે તેઓને એ ઉપનામોથી ક્ષોભ થાય છે. રેસિસ્ટ ગણી જવાય એ લાંછનથી દૂર રહેવા હવે તેઓ એ ગેંગોને દક્ષિણ એશિયાઇ લોકોની ગેંગ ગણાવે છે. પાકિસ્તાની મુસ્લિમોની ગેંગો તરીકે ઓળખાવતા નથી. પરંતુ દક્ષિણ એશિયામાં મુખ્યત્વે અને મોટું રાષ્ટ્ર ભારત છે. ભારતનાં કોઇ લોકો આવી ગેંગો ચલાવતાં નથી.

આ કારણથી ભારતીયો આ ઉલ્લેખનો વિરોધ કરે છે. દક્ષિણ એશિયાઇ તરીકેની ઓળખ પણ રેસિઝમનો એક પ્રકાર જ છે. વોક અથવા વોકીઝમના વમળમાં ફસાયેલી, બ્રિટનના ઢગલાના ઢ વડા પ્રધાન કીએર સ્ટારમરની સરકાર આ ગ્રુમિંગ ગેંગો સમક્ષ નતમસ્તક ખડી હોય તેમ કોઇ કામ જ ચલાવવા માગતી નથી. પ્રમુખ અખબારો ‘ધ ટાઇમ્સ’ વગેરે સરકારની ટીકા કરતા હોવા છતાં મજૂર પક્ષના જાડી ત્વચાના વડા પ્રધાનને ગરમી કે ઠંડીનો કશો એહસાસ થતો નથી. ત્યાં સુધી કે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના જોડીદાર ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ વડા પ્રધાનને ચેતવણી આપવી પડી છે કે કંઇક કરો, નહીંતર તમારી ખેર નથી.

પહેલાં તો એ સમજીએ કે આ ગ્રુમિંગ ગેંગ શું છે? ગ્રુમિંગ એટલે પોતાની સભ્યતા અને સંસ્કૃતિ અથવા કુસંસ્કૃતિ પ્રમાણે બાળકનો ઉછેર કરવો. પાકિસ્તાની યુવાનો અને પ્રૌઢો ગોરી પ્રજાની મધ્યમ કે ગરીબ વર્ગની બાળાઓને લલચાવી, ફોસલાવીને, પ્રથમ પ્રેમપૂર્વક પોતાની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ તેઓનું જાતીય અને અમુક કિસ્સામાં આર્થિક શોષણ કરે છે. આ શોષણ વરસો સુધી, બ્લેકમેઇલિંગ દ્વારા ચાલુ રહે છે. બાળાઓ ફસાઇ જાય ત્યાર બાદ ગેંગરેપનો પણ વારંવાર શિકાર બને છે અને ઘણા કિસ્સાઓમાં એ ગોરી કિશોરીઓ, તરુણીઓ કે યુવતીઓની હત્યા પણ કરી નાખવામાં આવે છે.

નરેન્દ્રભાઇ મોદી અને સ્મૃતિ ઇરાની જયાં કિંમતી ચાદર ચડાવીને આનંદ અનુભવે છે તે અજમેરની દરગાહના છોકરાઓએ નગ્ન તસવીરોના આધારે અજમેરની સેંકડો બાળાઓને વાસનાનો શિકાર બનાવી હતી અને કોંગ્રેસની સરકારોએ એ હકીકતની જાણકારી દેશમાં ફેલાવા દીધી ન હતી. બસ એવા જ પ્રકારનું આ ગ્રુમિંગ ગેંગ સ્કેન્ડલ છે. ઇંગ્લેન્ડનું રોધરહામ શહેર ગેંગની પ્રવૃત્તિઓનું એપિસેન્ટર અથવા કેન્દ્ર છે. આ શહેર દુનિયામાં શ્રેષ્ઠ પ્રકારના સ્ટીલના ઉત્પાદન માટે જાણીતું છે. પરંતુ હવે ગ્રુમિંગ ગેંગના નામથી કુખ્યાત બન્યું છે. અહીં લોખંડ ઉદ્યોગના મધ્યમ વર્ગીય તેમજ ગરીબ ગોરા કામદારો મોટી સંખ્યામાં વસે છે. તેઓની બાળાઓને લાલચ કે પ્રલોભનો આપીને ફસાવવાનું પાકિસ્તાની ગેંગો માટે આસાન બની જાય છે.

સવાલ એ છે કે એવડું તો કેટલું મોટું આ કૌભાંડ હશે કે મુસ્લિમ દેશોનાં અખબારો પણ તેની ચર્ચા કરે છે? બ્રિટિશ પોલીસને નવા વોક લોકાએ ભલે સાવ નકામી બનાવી દીધી હોય તો પણ એકસોથી વધુ જણ આ સ્કેન્ડલ માટે તકસીરવાર, ગુનેગાર પુરવાર થઇ ચૂકયા છે. પરંતુ સામાજિક કાર્યકર્તાઓ અને વ્હીસલ બ્લોઅર લોકોનો આંકડો દર્શાવે છે કે એકલા રોધરહામ શહેરમાં 1400 (ચૌદસો) બાળાઓ આ ષડયંત્રનો ભોગ બની છે. આ સ્કેન્ડલ હવે આખા યુ.કે.માં ફેલાયું છે અને તેનો વિસ્તાર ખૂબ જ વ્યાપક છે.

વર્કિંગ કલાસ અને તેમાંય જે કુટુંબ છૂટાછેડા, આર્થિક તંગદિલી વગેરે સમસ્યાથી ત્રસ્ત હોય તેઓની કન્યાઓને લક્ષ્યાંક બનાવાય છે અને મોટા ભાગની વિકિટમ ગોરી કન્યાઓ છે. આજે પૂરા રોધરહામ શહેરમાં લોકો ગુસ્સો અને શરમ અનુભવી રહ્યાં છે. પોલીસ અને સરકાર પાસેથી જવાબો માગી રહ્યાં છે. આખરે ઇલોન મસ્ક તેઓની વહારે આવ્યા. ત્યાર બાદ આ મુદ્દો ફરીથી તાજો થયો છે. અહેવાલો કહે છે કે સો જેટલા જણ ગુનેગાર સાબિત થયા ત્યાર પછી પણ આ ષડયંત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે. વ્હીસલ બ્લોઅર જેન સિનિયરના કહેવા મુજબ યુ.કે.નાં તમામ શહેરોમાં ગ્રુમિંગ ગેંગો સક્રિય છે. વળી આ ષડયંત્રમાં માત્ર કન્યાઓને જ નહીં, કિશોરો અને યુવકોને પણ શિકાર બનાવાય છે. જેન સિનિયરની સંસ્થાએ આજ સુધીમાં બે હજારથી વધુ કન્યાઓ અને કિશોરોને ગ્રુમિંગ ગેંગનો શિકાર બનતાં બચાવ્યાં છે.

ગુનેગારો સામે સમયસર જરૂરી પગલાં નહીં ભરવા બદલ જેન સિનિયરે પોલીસ સામે પણ એક સફળ ખટલો માંડયો છે. જેને પોલીસને અનેક મજબૂત પુરાવાઓ પણ પૂરા પાડયા હતા. શારીરિક, માનસિક ટોર્ચર ઉપરાંત ભયાનકમાં ભયાનક, બિભત્સમાં બિભત્સ ઘટનાઓના સબૂત પૂરા પાડયા હતા. ગુનેગારોના ફોન નંબરો, કારના રજીસ્ટ્રેશન નંબરો, નામ, જન્મ તારીખો અને બીજાં શારીરિક વર્ણનોની વિગતો પોલીસને આપી હતી. શરૂ શરૂમાં આ ગેંગો પંદર-સોળ વરસની કે તેથી મોટી ઉંમરની કન્યાઓને શિકાર બનાવતી હતી. વરસ 2012 બાદ રિંગ લીડરોએ બાર વરસ કે તેથી વધુ ઉંમરની બાળાઓને તેમજ કિશોરોને શિકાર બનાવવા માંડયાં હતાં.

જેન વારંવાર પોલીસ સ્ટેશને પહોંચીને નિષ્ક્રિય બની બેઠેલા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદો અને ઝઘડા કરતી હતી, છતાં પોલીસ પર તેની કશી અસર થતી ન હતી. બ્રિટનના લોખંડ ઉદ્યોગમાં ઘણા વરસોથી મંદી પ્રવર્તે છે તેથી અનેક કુટુંબો આર્થિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હતાં, તેમાં કોઇ બાળાને કે કિશોરને, જન્મ દિવસ કે બીજા કોઇ વારતહેવારને નિમિત્ત બનાવી એપલનો એક ફોન ભેટમાં આપી દો, કે બીજી કોઇ ભેટ આપો એટલે ગ્રુમિંગ કરવાનો રસ્તો ખૂલી જાય. શરૂ શરૂમાં એ બાળાઓને લાગે કે એમને કોઇ મસિહા, કોઇ સાન્ટા કલોઝ મળી ગયો છે. ધીરે ધીરે દાણા નાખે અને પછી કબૂતરને ફસાવે.

શિકાર બનેલાં અનેક બાળકો માનસિક બિમારીઓના ભોગ બન્યાં છે. તેમનાં મા-બાપોનાં સુખ-ચેન છીનવાઇ ગયાં છે. અમુક કિશોરીઓને મારી નાખવામાં આવી છે જેથી એ સત્ય હકીકત જાહેર ન કરે. પ્રથમ તેઓ બોયફ્રેન્ડ બને અને થાય એટલું શોષણ કરી લે, પછી મર્ડર કરે. ઉદાહરણ તરીકે રોધરહામ શહેરમાં લૌરા નામની કન્યાની એના પાકિસ્તાની બોયફ્રેન્ડે હત્યા કરી નાખી હતી. સારા નામની કન્યા અગિયાર વરસની હતી ત્યારે ગ્રુમિંગ ગેંગ દ્વારા તેને ફોસલાવવામાં અને ભરમાવવામાં આવી હતી અને ત્યાર બાદ એના પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે શા માટે કારગર પગલાં ભર્યાં નહીં તેનો જવાબ હજી કોઇ સંતોષકારક રીતે આપી શકતું નથી. હાલના સમયમાં રાષ્ટ્રીય તપાસ (નેશનલ ઇન્કવાયરી) બેસાડવાની માગણીએ જોર પકડયું છે, પણ સ્ટાર્મર મચક આપતા નથી. કોઇક કારણોસર આ ષડયંત્રને જાજમ નીચે છુપાવી દેવાયું છે.

વરસ 2014માં રોધરહામનાં બાળકોનાં શોષણ બાબતે તપાસ યોજવામાં આવી હતી તેમાં જ બ્રિટિશ શાસકોના અને પોલીસના બેશરમ વર્તનની ખૂબ ટીકા કરવામાં આવી હતી. પૂર્વ વડા પ્રધાન થેરેસા મે દ્વારા આ ઘટનાઓને પૂર્ણપણે પોલીસની લાપરવાહી ગણવામાં આવી હતી. સ્ટાર્મર કહે છે કે અલગ અલગ લોકલ પોલીસ સ્ટેશનો દ્વારા તપાસ યોજાશે. અર્થાત્ પોતાની નિષ્ક્રિયતા બાબતે પોલીસ સ્ટેશન પોતે જ તપાસ કરશે. બ્રિટિશ સામ્રાજયનો સૂર્યાસ્ત કયારનો થઇ ગયો. હવે ન્યાય અને પોલીસ પણ ખાડે ગયા છે. તેથી તો દુનિયાભરના ગુંડાઓ, ગુનેગારો લંડનમાં જઇને શરણ લે છે.            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top