નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ ઉપરાંત અન્ય ત્રણ આરોપીને રૂ. 500 કરોડના એપ આધારિત કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે. પોલીસને 500 થી વધુ ફરિયાદો મળી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઘણા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સે તેમના પેજ પર HIBOX મોબાઇલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ્લિકેશન દ્વારા રોકાણ કરવા માટે લલચાવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આ કૌભાંડના મુખ્ય આરોપી શિવરામ (30)ની ચેન્નાઈના રહેવાસીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ સૌરવ જોશી, અભિષેક મલ્હાન, પુરવ ઝા, એલ્વિશ યાદવ, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત અને દિલરાજ સિંહ રાવત સહિતના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સે એપ્લિકેશનનો પ્રચાર કર્યો અને લોકોને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IFSO સ્પેશિયલ સેલ) હેમંત તિવારીએ જણાવ્યું હતું કે, HIBOX એ એક મોબાઇલ એપ્લિકેશન છે, જે સુનિયોજિત કૌભાંડનો ભાગ હતી. ડીસીપીએ જણાવ્યું હતું કે આ એપમાં રોકાણ કરી દરરોજ એકથી પાંચ ટકા વળતરની ખાતરી આરોપીઓએ આપી હતી, જે એક મહિનામાં 30 થી 90 ટકા જેટલી છે. આ એપ ફેબ્રુઆરી 2024માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં 30,000 થી વધુ લોકોએ રોકાણ કર્યું હતું. પહેલાં પાંચ મહિનામાં રોકાણકારોને સારું વળતર પણ મળ્યું હતું.
જોકે, જુલાઈથી પેમેન્ટ બંધ થઈ ગયા હતા. એપ્લિકેશને તકનીકી ખામીઓ, કાયદાકીય સમસ્યાઓ, GST સમસ્યાઓ વગેરે બહાના કાઢીને એપ દ્વારા ચૂકવણી બંધ કરી દેવાઈ હતી. ડીસીપી તિવારીએ કહ્યું, કથિત કંપનીઓ ઉત્તર પ્રદેશના નોઈડામાં તેમની ઓફિસ બંધ કર્યા પછી ગાયબ થઈ ગઈ હતી.
હાલ માસ્ટરમાઇન્ડ શિવરામની ધરપકડ કરવામાં આવી છે અને તેના ચાર અલગ-અલગ બેંક ખાતામાંથી 18 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસને ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO)માં HIBOX એપ્લિકેશન વિરુદ્ધ 29 પીડિતો તરફથી ફરિયાદો મળી હતી.
ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓને તેમના રોકાણ પર ઉચ્ચ વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટના રોજ સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને IT એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી હતી.
લોકોએ અલગ-અલગ જગ્યાએથી ફરિયાદો નોંધાવી હતી
સાયબર નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના નવ લોકો દ્વારા HIBOX એપ્લીકેશન સામે પણ આવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની અનેક ફરિયાદો નોંધાઈ છે. આ નવ કેસ IFSO ને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસને પૂર્વોત્તર જિલ્લા, બાહ્ય જિલ્લા, શાહદરા અને NCRP પોર્ટલ પરથી 500 થી વધુ ફરિયાદો મળી છે.
ડીસીપીએ કહ્યું, ‘અમારી ટીમે છેતરપિંડી સાથે સંકળાયેલા પેમેન્ટ ગેટવે અને બેંક એકાઉન્ટની વિગતો એકત્રિત કરી. વ્યવહારોના પૃથ્થકરણથી ટીમને ચાર ખાતાઓ ઓળખવામાં મદદ મળી જેનો ઉપયોગ છેતરપિંડી કરાયેલા ભંડોળને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 127 ફરિયાદો એકસાથે એકત્રિત કરવામાં આવી છે અને EASEBUZZ અને PhonePeની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.