એક તરફ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓના સુરક્ષિત વાપસી માટે પ્રશંસા મેળવી રહ્યા છે. તો બીજી તરફ તેમની ટેસ્લા કાર પર હુમલા થઈ રહ્યાં છે. અમેરિકામાં તેમની કંપનીની અનેક ટેસ્લા કારને સળગાવવામાં આવી હતી. આ સાથે જ ટેસ્લા ખરીદનારાઓની અંગત માહિતી પણ લીક થઈ રહી છે.
મંગળવારે લાસ વેગાસમાં ટેસ્લાની ઘણી કારમાં આગ લાગી હતી. જોકે આ ઘટનાઓમાં કોઈને ઈજા થઈ નથી. આ કેસની તપાસ કરી રહેલી એફબીઆઈએ આ કલાકોને સંભવિત આતંકવાદી ઘટના ગણાવી છે. એક અધિકારીએ તેને ટેસ્લા પર લક્ષિત હુમલો ગણાવ્યો છે.
અહેવાલો અનુસાર કેન્સાસ સિટીમાં બે ટેસ્લા સાયબરટ્રકમાં આગ લાગી હતી. દક્ષિણ કેરોલિનામાં ટેસ્લા ચાર્જિંગ સ્ટેશનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે વાહનોને આગ લગાડવાના આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને તેને આતંકવાદી ઘટના ગણાવી છે. મસ્કે કહ્યું કે આ પ્રકારની હિંસા પાગલપન અને સંપૂર્ણપણે ખોટી છે. ટેસ્લા ફક્ત ઇલેક્ટ્રિક કાર બનાવે છે અને આ પ્રકારના હુમલા આપણા પર ન થવા જોઈએ.
હેકર્સ મુકી શરત
હેકર્સે ‘ડોજક્વેસ્ટ’ નામની વેબસાઇટ બનાવીને હજારો ટેસ્લા માલિકોની વ્યક્તિગત માહિતી લીક કરી છે. આ વેબસાઇટ પર કાર માલિકોના નામ, સરનામાં અને ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વેબસાઇટમાં એક ઇન્ટરેક્ટિવ નકશો પણ છે, જે ટેસ્લા ડીલરશીપ અને ચાર્જિંગ સ્ટેશનોના સ્થાનોને પ્રકાશિત કરે છે. એવી શક્યતા છે કે આ ડેટા લીક ટેસ્લા માલિકોની સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સે એવી શરત મૂકી છે કે તેઓ ટેસ્લા કાર માલિકોની માહિતી ત્યારે જ ડિલીટ કરશે જ્યારે એ સાબિત થશે કે તે ટેસ્લા માલિકોએ તેમની ઇલેક્ટ્રિક કાર વેચી દીધી છે.
