Dakshin Gujarat

VIDEO: એલન મસ્કની સ્પેસ એક્સ સેટેલાઇટ ચીખલીનાં આ ગામના આકાશમાં દેખાઈ

સુરત, ઘેજ : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં મલિયાધરા ગામના આકાશમાં મંગળવારે રાતે 07.49 કલાકે અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતી ઝગમગતી રોકેટ જેવી શૃંખલા દેખાતા ગામવાસીઓમાં કુતૂહલ સર્જાયું હતું. અને તરેહ તરેહની વાતો ફેલાઈ હતી.

  • રાતે 7.49 કલાકે ઉતરથી દક્ષિણ દિશા તરફ જતી ઝગમગતી રોકેટ જેવી શૃંખલા દેખાતા કુતૂહલ સર્જાયું
  • સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના ખગોળ શાસ્ત્રી નરેન્દ્ર ગૌરે કહ્યું, 10 ફેબ્રુઆરીએ છોડાયેલા સેટેલાઇટ ચીખલીનાં મલિયાધરા ગામના લોકોને જોવા મળ્યાં

ચીખલી તાલુકાના મલિયાધરા ગામના યુવાનોએ આ આકાશી ઘટનાને મોબાઈલ કેમેરા ઝૂમ કરી રેકોર્ડ કરી હતી. એક સાથે 25થી 50 રોકેટ આકાશમાં ગતિ કરતા લાઇનબંધ દેખાયા છે. આ આકાશી નજારા અંગે ‘ગુજરાતમિત્ર’એ કચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના ખગોળ શાસ્ત્રી નરેન્દ્રભાઈ ગૌરને વીડિયો પરની પ્રતિક્રિયા મેળવતા તેમણે જણાવ્યું હતું કે, એને ખગોળ શાસ્ત્રની ભાષામાં એને સ્ટાર ટ્રેલ અથવા સ્ટાર ટ્રેન કહે છે.

10 ફેબ્રુઆરીએ અમેરિકાના ઉદ્યોગકાર એલન મસ્કની કંપની સ્ટાર એક્સ દ્વારા એક સાથે 50 સેટેલાઇટ છોડ્યા હતાં. એ ઓર્બિટમાં નિયત જગ્યા મૂકવામાં આવે ત્યારે રોકેટ સેટેલાઇટ લાઇનમાં દેખાય છે. એ પછી એ સેટેલાઇટ અલગ અલગ જગ્યા એ સેટ થઈ જાય છે. એલન મસ્કની સ્પેસ કંપનીનો ટાર્ગેટ આવા 20,000 સેટેલાઇટ છોડવાનો છે.

આ સેટેલાઇટ નેટવર્કથી મોબાઈલ ટાવર ભૂતકાળ બની જશે : નરેન્દ્ર ગૌર
સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના ખગોળ શાસ્ત્રી નરેન્દ્રભાઈ ગૌર કહે છે કે, આજે પણ દુનિયાના ઘણા અંતરિયાળ ડુંગરીયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક મળતું નથી. એલન મસ્કનો ઇરાદો દુનિયાને મોબાઈલ ટાવરથી મુક્તિ અપાવવાનો છે. આ સેટેલાઇટ નેટવર્કથી મોબાઈલ ટાવર ભૂતકાળ બની જશે. મોબાઈલ કનેક્ટિવિટીનો મોટો પ્રશ્ન ઉકેલાઈ જશે. સ્ટાર એક્સ પ્રોજેક્ટ સેટેલાઇટથી મોબાઈલ કનેક્ટિવિટી નેટવર્ક પૂરું પાડવાનો છે.

એલન મસ્કની સ્પેસ એક્સ સ્ટાર લિંક ઉપગ્રહોની ટ્રેનનો નજારો ચીખલીના ગામમાં દેખાયો છે : દિવ્યદર્શન પુરોહિત
વડોદરા સ્થિત ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ વૈજ્ઞાનિક દિવ્યદર્શન પુરોહિત પુરોહિતે ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે, એલન મસ્કની સ્પેસ એક્સ સ્ટાર લિંક ઉપગ્રહોની ટ્રેનનો નજારો ચીખલીના ગામમાં દેખાયો છે.

દુનિયાભરમાં ઈન્ટરનેટ સેવા કવર કરવા માટે અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સએ છોડેલા 25 થી 30 સેટેલાઇટની શૃંખલા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મલિયાધરા ગામના યુવાનોએ નરી આંખે જોઈ એનો વીડિયો પણ બનાવ્યો છે.

મસ્કની કંપનીએ અત્યાર સુધી 4000 સેટેલાઇટ છોડ્યા છે, એમાંથી કેટલાક નિષ્ફળ પણ ગયા છે. 25થી 60 સેટેલાઇટ એક સાથે છોડવામાં આવે છે. સંધ્યા ટાઇમે સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારે સૂર્ય લગભગ 10 ડિગ્રી નીચે હોય ત્યારે એનું પ્રતિબિંબ સોલાર પેનલ પર પડે છે. જે સેટેલાઇટ છૂટ્યા હોય એ સળંગ ખેપમાં હોય, હોરાઈઝન બહુ ઉપર ન જાય, માથા પર ન હોય, એવી સ્થિતિમાં ક્ષિતિજથી 25/30 ડિગ્રી સુધી 300થી 400 કિલોમીટર ઉપર સેટેલાઇટને ગતિ કરતા જોઈ શકાય.

સૂર્યાસ્ત પહેલા અથવા સૂર્યાસ્ત પછી આ સેટેલાઇટ નરી આંખે જોઈ શકાય છે. ચીખલી તાલુકાના મલિયાધરા ગામના લોકો એ જે નજારો આકાશમાં જોયો એ એલન મસ્કની સ્પેસ એક્સ કંપનીના 25/30 સેટેલાઇટની શૃંખલા છે.

Most Popular

To Top