વેનેઝુએલામાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્કે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક હવે વેનેઝુએલાના લોકોને મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે. આ નિર્ણયથી ત્યાંના નાગરિકોને સંચાર અને માહિતી મેળવવામાં મોટી રાહત મળશે.
સ્ટારલિંક કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે વેનેઝુએલામાં 3 ફેબ્રુઆરી સુધી મફત બ્રોડબેન્ડ સેવા આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને સતત અને અવિરત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે દેશ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.
એલોન મસ્કે પણ આ પોસ્ટને શેર કરીને વેનેઝુએલાના લોકો પ્રત્યે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. તેમણે સંકેત આપ્યો કે મુશ્કેલ પરિસ્થિતિમાં ટેકનોલોજી માનવજાતને જોડવાનું કામ કરી શકે છે.
સ્ટારલિંક એક અદ્યતન સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે. આ સિસ્ટમ પરંપરાગત મોબાઇલ ટાવર કે ફાઇબર કેબલ પર નિર્ભર નથી. તેના બદલે તે પૃથ્વીથી લગભગ 550 કિલોમીટર ઊંચાઈએ ફરતા હજારો નાના ઉપગ્રહો દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. વપરાશકર્તાને એક ખાસ ડીશ જેવા યુઝર ટર્મિનલની જરૂર પડે છે. જે ઘર કે ઓફિસની છત પર સ્થાપિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સ્ટારલિંક વિશ્વના અનેક દેશોમાં પોતાની સેવાઓ આપી રહી છે અને આવનારા સમયમાં ભારતમાં પણ તેની શરૂઆત થવાની શક્યતા છે.
વેનેઝુએલા હાલ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં કેન્દ્રસ્થાને છે. 3 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને અમેરિકન નાગરિકોની સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું હતું. માદુરો સામે ડ્રગ હેરફેર અને આતંકવાદ સંબંધિત ગંભીર આરોપો લાંબા સમયથી ચાલી રહ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સ્ટારલિંકની મફત ઇન્ટરનેટ સેવા વેનેઝુએલાના લોકો માટે મહત્વપૂર્ણ સહાયરૂપ સાબિત થવાની અપેક્ષા છે.