રાજકીય પક્ષોને તેમ જ નેતાને ચૂંટણી ભંડોળમાં માતબર દાન દીધા પછી તેનો કેવી રીતે જોરદાર લાભ ઉઠાવવો તે ભારતના ઉદ્યોગપતિઓએ એલોન મસ્ક પાસેથી શીખવું પડશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી જીતવાની સાથે જ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક પર પૈસાનો વરસાદ થવા લાગ્યો છે. તેમની નેટવર્થમાં દરરોજ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે એલોન મસ્કની નેટવર્થ ૩૦૦ અબજ ડોલરને પાર કરી ગઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં એલોન મસ્કની સંપત્તિમાં ૧૭.૪ અબજ ડોલર એટલે કે લગભગ ૧.૪૬ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અમેરિકાનાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે એલોન મસ્કની નેટવર્થમાં રૂ. ૨ લાખ કરોડથી વધુનો વધારો જોવા મળ્યો હતો. એલોન મસ્કની નેટવર્થમાં આ ઉછાળા પાછળ સૌથી મોટી ભૂમિકા તેમની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરની હતી, જે ઝડપથી વધી રહ્યો છે. માત્ર પાંચ દિવસમાં ટેસ્લાના શેરોના ભાવમાં ૩૧.૪૬ ટકાનો ઉછાળો આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન એક શેરની કિંમત ૭૬.૮૮ ડોલર અથવા લગભગ રૂ. ૬,૪૮૭ વધી છે. ટેસ્લાનો શેર તેના ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે, જે પ્રતિ શેર ૩૨૮ ડોલર છે.
જાણીને નવાઈ લાગશે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા તેને પગલે ટેસ્લાના શેરનો ભાવ વધવા લાગ્યો તેમાં ચીનની પણ મોટી ભૂમિકા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચીન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં લોકોને હવે આશા છે કે આ વખતે ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઈવિંગ ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ લગાવવા જેવો મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો એલોન મસ્કના ઇલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસમાં તેજી આવી શકે છે. આ સંભાવનાને કારણે અમેરિકાનાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ટેસ્લાના શેરો પર ભારે સટ્ટો લગાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જે વચનો આપ્યાં હતાં તેમાં ચીનનાં ઉત્પાદનો પર ૬૦% સુધીની ભારે આયાત ડ્યૂટી લગાવવાનું વચન પણ સામેલ હતું. આનો ફાયદો એલોન મસ્કને થઈ શકે છે.
ટેસ્લાના સીઈઓ અને સ્પેસ એક્સના માલિક અબજોપતિ એલોન મસ્કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી. આ તિજોરીમાંથી એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે કુલ ૨૦ કરોડ ડોલર (૧૬,૮૮,૦૦,૨૦,૦૦૦ ભારતીય રૂપિયા) ખર્ચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્ક દ્વારા ખર્ચવામાં આવેલી રકમ ઐતિહાસિક છે, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર જીતી શકે તેમ હતું. મસ્કનો જુગાર સફળ થયો છે અને તેમને ખર્ચેલા ડોલરનું અનેકગણું વળતર મળી ગયું છે.
ફોર્બ્સ રિયલ-ટાઇમ બિલિયોનેર્સ રેન્કિંગ અનુસાર વિશ્વના સૌથી ધનિક એલોન મસ્કની સંપત્તિ ૩૨૦.૨ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. બીજા સ્થાને ઓરેકલના લેરી વિલ્સન છે, જેમની સંપત્તિ ૨૩૧.૮ અબજ ડોલર છે. બંનેની સંપત્તિ વચ્ચે લગભગ ૯૦ અબજ ડોલરનું અંતર છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટેસ્લાના શેરમાં ૩૯ ટકાનો ઉછાળો આવ્યો છે અને તેના કારણે કંપનીના માર્કેટ કેપમાં ૧,૦૦૦ અબજ ડોલર વધારો થયો છે. ટેસ્લાના શેરોના ભાવમાં થયેલા વધારાને કારણે માત્ર એક સપ્તાહમાં જ એલોન મસ્કની સંપત્તિમાં ૭૦ અબજ ડોલરનો વધારો થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવામાં મદદ કરવા માટે એલોન મસ્કે જમણેરી વલણ ધરાવતાં મતદારોની નોંધણી કરવા માટે સ્વિંગ સ્ટેટ ઓપરેશન માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. એલોન મસ્કએ તેમના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ Xનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો, જે તેમણે વર્ષ ૨૦૨૨માં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા માટે ખરીદ્યું હતું. હકીકતમાં ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ તેમાં સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ Xનો ફાળો બહુ મોટો હતો. તેણે ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થકોનાં ખાતાં બંધ કરી દીધાં હતાં, જેને કારણે ટ્રમ્પ પોતાની વાત મતદારો સુધી પહોંચાડી નહોતા શક્યા. હવે એલોન મસ્ક ટ્રમ્પની જીત સુનિશ્ચિત કરવા માટે કરેલા રોકાણનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રમાં ઘણાં લોકો મસ્કની પસંદગીના હોઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી ૨૦૨૫માં બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળશે તે પછી માનવામાં આવે છે કે એલોન મસ્કના બિઝનેસ સામ્રાજ્યને મોટો ફાયદો થવાનો છે. મસ્ક સતત અમેરિકન રેગ્યુલેટરી ઓથોરિટીઝની સત્તા ઘટાડવાની વાત કરી રહ્યા છે, જે તેમના માટે તેમના બિઝનેસને આગળ વધારવાનું મુશ્કેલ બનાવી રહી છે. એલોન મસ્કની ઘણી કંપનીઓ તપાસને લગતા કાનૂની વિવાદોમાં ફસાયેલી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને વહીવટી સુધારણા માટેનું ખાતું જ સોંપી દીધું છે, જેનો ઉપયોગ મસ્ક પોતાના લાભ ખાતર કરી શકશે.
ભારતીય ચૂંટણીઓ દરમિયાન ઉદ્યોગપતિઓ દ્વારા પાર્ટીઓને ફંડિંગ પડદા પાછળ એકદમ સામાન્ય બાબત છે. ભારતના મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત મોટા ઉદ્યોગપતિઓ પ્રાદેશિક પક્ષોને પણ જંગી ભંડોળ આપે છે. જો કે, ભારતમાં કોઈ પણ ઉદ્યોગપતિ કોઈ પણ પક્ષના સમર્થનમાં પોતાનું નામ સીધું જાહેર કરવાનું ટાળે છે, કારણ કે તે વિપક્ષી પાર્ટીઓના વિરોધી બનવા માંગતા નથી. અમેરિકાની રાજનીતિ ભારત કરતાં ઘણી અલગ છે. અમેરિકામાં રાજકીય પક્ષોને ચેકથી ડોનેશન આપવામાં આવતું હોય છે. ટેસ્લાના CEO અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X અને SpaceX ના માલિક એલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટેના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખભેખભા મિલાવીને ઊભેલા જોવા મળ્યા હતા. ભારતના ઉદ્યોગપતિઓ પડદા પાછળ રહીને રમત રમતા હોય છે. કોઈને પણ ખ્યાલ નહોતો કે અબજોપતિ એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે આ રીતે પોતાની તિજોરી ખોલશે.
એવું કહેવામાં આવ્યું હતું કે આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે એલોન મસ્કના સમગ્ર અભિયાનનું ધ્યાન પ્રથમ વખતનાં મતદારો પર હતું. અમેરિકાની ચૂંટણીનાં પરિણામોના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં કહ્યું હતું કે અમારી પાસે એક નવો સ્ટાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે સીધું એલોન મસ્કનું નામ લીધું અને સ્પષ્ટ કર્યું કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ તેમની સાથે ખભે ખભા મિલાવીને ચૂંટણી લડી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા તે પછી તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી ત્યારે તેમની સાથે બીજી લાઈન પર મસ્ક પણ હતા. હકીકતમાં ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને સરકારમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને તેમણે તે સ્વીકારી પણ લીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક માટે સરકારમાં ખાસ વિભાગની રચના કરી છે. ૨૦૨૮ની ચૂંટણીમાં મસ્ક રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બની જાય તો પણ નવાઈ નહીં લાગે.
જો આપણે મસ્કની કમાણી વિશે વાત કરીએ તો તેમણે એક વર્ષમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની જીવનભરની કમાણી કરતાં વધુ સંપત્તિ એકઠી કરી છે. મસ્કની નેટવર્થ એક વર્ષમાં ૧૦૫ અબજ ડોલર જેટલી વધી છે. આના પરથી સમજી શકાય છે કે આ વર્ષે મસ્કે કેટલી કમાણી કરી છે. ભારતના ઉદ્યોગપતિઓ દાયકાઓથી પડદા પાછળ રહીને પોતાના ધનની તાકાત વડે સરકારનું સંચાલન કરતા રહ્યા છે, પણ તેઓ પડદાની સામે કદી આવતા નથી. એલોન મસ્કે આ પરંપરા તોડી છે. તેઓ હવે રાજકારણમાં જોડાઈ ગયા છે. કોઈ ઉદ્યોગપતિ જ્યારે રાજકારણી પણ બની જાય ત્યારે તેના ઉદ્યોગ પરનું જોખમ વધી જાય છે, કારણ કે જો વિપક્ષની સરકાર સત્તા પર આવે તો તેને ભારે નુકસાન પણ થઈ શકે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.