Comments

ઇલોન મસ્ક: દુનિયાનો પ્રથમ એક ટ્રિલીઅન ડોલરનો આસામી

ટેસ્લાના માલિક ઇલોન મસ્કને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો સંબંધ-વિચ્છેદ ફળ્યો છે. સરકારી ફિજુલ ખર્ચી ઘટાડવા અને કાર્યક્ષમતા તેમજ કરકસર વધારવા માટે ઇલોન મસ્કના પ્રયત્નોથી ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી (DOGE)ની શરૂઆત કરવામાં આવી હતી. 130 દિવસ ટ્રમ્પના સિનિયર એડવાઇઝર તરીકે કારભાર સંભાળ્યા બાદ લડીઝગડીને ટ્રમ્પથી જુદા પડ્યા. દુશ્મનાવટ બંધાઇ.

ટ્રમ્પની સાથે હતા ત્યારે મસ્કનાં ઉદ્યોગો પર ખરાબ અસર પડી હતી. એમની ટેસ્લા, સ્પેસએક્સ, સ્ટારલિન્ક વગેરે કંપનીઓની માર્કેટ વેલ્યુ ઘટવા માંડી હતી. કડવાશ સાથે જુદા પડ્યા અને ઇલોન મસ્કએ જાહેર કર્યું કે સગીર બાળાઓને ફસાવીને જાતીય શોષણ કરવાના કેસની ફાઇલમાં એપસ્ટાઈન સાથે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જોડાયેલું છે. ત્યારબાદ દુનિયાએ માની લીધું કે છટકેલી ખોપડીના અમેરિકન પ્રમુખ હવે મસ્કને પાયમાલ કરીને જ ઝંપશે. મસ્કની અસ્કયામતોની કિંમત આવનારા ખરાબ ભવિષ્યને ગણતરીમાં લેવાથી વધુ ઘટી.

પરંતુ બદલો અને બદહાલી લાંબી ચાલી નથી. મસ્કની કંપનીઓની નેટવર્થ એ કારણથી ફરી વધી કે જો મસ્ક ધંધામાં બરાબર ધ્યાન આપે તો અશક્યને આંબી શકે એટલી બુધ્ધિ પ્રતિભા અને સાહસવૃત્તિ ધરાવે છે. એમની કંપનીના શેરહોલ્ડરો હંમેશા એ અપેક્ષા રાખતા હોય છે કે ઇલોન મસ્ક પોતાની તમામ શકિતઓ ધંધાના વિકાસ પાછળ કામે લગાવે. રાજનીતિમાંથી બહાર નીકળી ગયા પછી શેરહોલ્ડરો અને બઝારને એ વિશ્વાસ ફરીથી બંધાયો છે.

ઉપરાંત AI (કૃત્રિમ બુધ્ધિમતા)ની ટેકનોલોજી 2025માં અનેક સુંદર સ્વરૂપોમાં ખીલી ઉઠી છે અને હજી તો શરૂઆત છે. આ ઉપરાંત દુનિયામાં મોટા યુધ્ધના, કહો કે ત્રીજા વિશ્વયુધ્ધનાં સતત ભણકારા વાગી રહ્યા છે. ચીનના શી ઝિનપિંગને દક્ષિણ કોરીયામાં મળીને સ્વદેશ પહોંચ્યા બાદ ટ્રમ્પે અમેરિકામાં અણુ પરીક્ષણોનો અને મિઝાઇલોને સાબદી કરવાનો આદેશ આપ્યો છે.

આ સ્થિતિમાં અમેરિકા પાસે અને અમેરિકા માટે ઇલોન મસ્ક અનિવાર્ય છે. મસ્કની સ્પેસએકસ અને સ્ટારલિન્ક કંપનીઓની મદદ વગર અમેરિકાનો જમીનની સપાટીની નજીક ઊડતી લાંબા અંતરની મિઝાઇલોનો પ્રોજેક્ટ સફળ બની શકે તેમ નથી. મસ્કની કંપનીએ આ દિશામાં યુગપરિવર્તકની ભૂમિકા નિભાવી છે. મસ્કની કંપનીઓની બરાબર સ્પર્ધા કરી શકે એવી જે કોઇ કંપની છે તે ખૂબ દૂર દૂર છે. નાસા અને પેન્ટાગોન માટે ઇલોન મસ્ક એક વ્યૂહાત્મક અને અટુલી અસ્કયામત છે જેને પ્રમુખ ટ્રમ્પને ગમે કે ન ગમે પણ અમેરિકાએ જતનપૂર્વક સાચવવી પડશે.

પ્રથમ ઇલોન મસ્કને કંપનીઓ માટે ધ્યાન આપવાનો સમય મળ્યો. બે કૃત્રિમ બુધ્ધિમતાના ઝળહળતા આગમનથી રોકાણકારોનો એ ભરોસો વધ્યો છે કે મસ્ક એમની ઘણી યોજનાઓને કમ ખર્ચમાં સાકાર કરી શકશે. ત્રીજી વાત એ કે મસ્ક એક અમૂલ્ય સંપત્તિ બની ગયા છે. વિશ્લેષકો આ હિસાબ માંડે છે ત્યારે ઇલોનની કંપનીના શેરોના ભાવ ઊંચકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ ખાર ખાઇ ગયા હોવા છતાં મસ્કના સારા દિવસોને રોકી શક્યા નહીં. નવી પરિસ્થિતિનાં પરિણામો તત્કાળ જોવા મળ્યા.

મસ્કની કંપનીઓના શેર્સની કિંમત એટલી વધી ગઇ કે ખુદ મસ્ક પોતે ગયા ઓક્ટોબરમાં 500 અબજ ડોલરના માલિક બની ગયા. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ એ પોણા પાંચસો અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. બીજા ક્રમે, 323 અબજ ડોલર સાથે ઓરેકલના સ્થાપક ચેરમેન લેરી એલીસન છે. મસ્ક વરસોથી પ્રથમ ક્રમે છે. સંપત્તિના નવા નવા માઇલસ્ટોન એમણે પ્રથમ વખત પસાર કર્યા છે. એ ક્રમમાં અરધો ટ્રિલિયન ડોલરના માલિક બનનારા દુનિયાના આજ સુધીના ઇતિહાસમાં એ પ્રથમ વ્યકિત છે. કોઇ શાસકો, સમ્રાટો પાસે પણ આટલી દોલત ન હતી. પરંતુ વાત અહીંથી અટકતી નથી.

દુનિયાની ટેક કંપનીઓ કૂદકેભૂસકે વધુ અને વધુ મોટી બની રહી છે. હુઆંગ જેન્સેનની અમેરિકન સિલિકોન વેલીની ‘એનવિડિયા’ કંપની હમણા દુનિયાની પ્રથમ ત્રણ ટ્રિલીઅન ડોલરની, પ્રથમ ચાર ટ્રિલીઅનની અને પ્રથમ પાંચ ટ્રિલીઅનની કંપની બની. માઇક્રોસોફટ, એપેલ, ગૂગલ વગેરેએ પણ ઝડપ પકડી છે. તે સામે મસ્કની કંપનીઓમાં મસ્કનો જે હિસ્સો છે તે પૂરો એક ટ્રિલીઅન ડોલર પણ નથી. હુઆંગ જેન્સનનો એનડિવિયામાં શેર્સનો હિસ્સો ખૂબ નાનો છે અને તેથી દુનિયાની સૌથી મોટી કંપનીના માલિક હોવા છતાં દુનિયાના ધનાઢ્યોની યાદીમાં એ સાતમા કે આઠમા સ્થાને રહે છે.

તેની સામે ઇલોન મસ્કનો એમની કંપનીઓમાંનો હિસ્સો કંપનીઓ પ્રમાણે સાડાબાર ટકાથી બેંતાલીસ ટકા જેટલો છે. ધ બોરિંગ કંપનીમાં એમનો હિસ્સો નેવુ ટકા છે. મસ્કની તમામ કંપનીઓ ધમધોકાર ધંધાની શક્યતા ધરાવતી કંપની છે. જેની મોટા ભાગની ટેકનોલોજી ખુદ ઇલોન મસ્કએ જાતે રસ લઇને ઇજાદ કરી છે અને ગયા ગુરુવારે ટેસ્લાના શેર હોલ્ડરોએ ઇલોન મસ્કને જાણે કે આખી દુનિયા સોંપી દીધી હોય તેમ એક ટ્રિલીઅન ડોલરનું પગાર પેકેજ આપી દીધું. મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલીઅનેર બનશે. કદાચ 2027-28 સુધીમાં બની પણ જાય.

પાકિસ્તાન એક બે અબજ ડોલર માટે તવંગર દેશો અને આઇએમએફ સમક્ષ વરસોથી નાક લીટી તાણતું રહે છે. એક અબજ પણ આસાનીથી નથી મળતા. મળે તો તેની 24 કરોડની આબાદી માટેની વ્યવસ્થાઓ સુધારી શકાય. એક ટ્રિલિયન એટલે એક હજાર અબજ ડોલર. એક લાખ કરોડ ડોલર. લગભગ અઠ્યાસી લાખ કરોડ ભારતીય રૂપિયા. કેલ્યુલેટર અને મગજ બંને ખોરવાઇ જાય. કોમ્પ્યુટરની જરૂર પડે. દુનિયામાં એવા ઘણા દેશો હશે જેને એક ટ્રિલીઅન ડોલર વડે સમૂળગા ખરીદી શકાય. જો કે રાજકીય કારણોસર એ શક્ય હોતું નથી. પરંતુ આ સ્થિતિ એક ટ્રિલીઅન ડોલરનું કદ સમજાવે છે.

ટેસ્લા કંપની આગામી દસ વરસમાં મસ્કને પગાર પેટે એક ટ્રિલીઅન ડોલર ચૂકવશે પરંતુ તે માટે મસ્કએ અમુક શરતો પૂરી કરવી પડશે. જેમકે ઇલોન મસ્કએ સાડા સાત વરસ સુધી ટેસ્લાના સીઇઓ પદે રહેવું પડશે. ટેસ્લાની નેટવર્થ સાડા આઠ ટ્રિલીઅન ડોલર સુધી ઊંચે લઇ જવી પડશે. પેકેજમાં જે રકમ મળે તેમાંની અમુકનું રોકાણ ટેસ્લાના શેર્સ ખરીદવા પાછળ કરવું પડશે. દરમિયાન ઇલોન મસ્ક એમની અન્ય કંપનીઓ સ્પેસએક્સ, એઆઇ કંપની એક્સએઆઇ, એક્સ (જૂની ટ્વિટર), સ્ટારલિન્ક વગેરેના સીઇઓ તરીકેની જવાબદારી નિભાવી શકશે. આ પે પેકેજની માગણી ઇલોન મસ્કએ ટેસ્લાના શેરહોલ્ડરોની મિટિંગમાં રાખી હતી જેને પંચોતેર ટકાથી વધુ હોલ્ડરોએ મંજૂર રાખી હતી. મસ્કએ મિટિંગમાં સ્ટેજ પર યંત્રમાનવો સાથે નૃત્ય કરી આ સમાચારની ઉજવણી કરી હતી. મુદ્દઇ લાખ બુરા ચાહે તો કયા હોતા હૈ?, વહી હોતા હૈ જો મંજૂરે ખૂદા હોતા હૈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top