નવી દિલ્હી: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) માત્ર સંપત્તિ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા કારણોસર પણ સતત હેડલાઇન્સમાં રહે છે. ટ્વિટરની (Twitter) કમાન પોતાના હાથમાં લઈને તેમજ કર્મચારીઓની (Employee) છટણીની (Layoff) તલવાર ચલાવનાર મસ્કને કદાચ પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો છે. એક અહેવાલ અનુસાર, ટ્વિટરે કેટલાક કર્મચારીઓને નોકરી પર પાછા આવવા વિનંતી કરી છે.
ટ્વિટરના અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા
ટ્વિટર પર પોતાની કમાન હાથમાં આવતાની સાથે જ, એલોન મસ્કે પહેલા ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ ટોચના અધિકારીઓની છટણી કરી અને ત્યાર બાદ એક પછી એક મોટી છટણી કરી હતી. કંપનીના સમગ્ર બોર્ડને હટાવ્યા બાદ તેણે શુક્રવારે લગભગ 3700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આટલી મોટી છટણી બાદ હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને તેણે યુ-ટર્ન લીધો છે.
જેક ડોર્સીએ પણ ચિંતા વ્યક્ત કરી
એક રિપોર્ટ અનુસાર, એલોન મસ્કે ટ્વિટરમાંથી કાઢી મૂકેલા કેટલાક કર્મચારીઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. કંપનીએ બરતરફ કરાયેલા કર્મચારીઓને ‘કૃપા કરીને પાછા આવો’ માટે વિનંતી કરી છે, જો કે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી કે મસ્કે કેટલા કર્મચારીઓને કામ પર પાછા ફરવાનું કહ્યું છે. નોંધનીય છે કે કંપનીના ભૂતપૂર્વ બોસ જેક ડોર્સીએ પણ ટ્વિટર પર આટલી મોટી છટણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ટ્વિટર ડીલ પછી સતત હેડલાઇન્સ
ટ્વિટર ડીલ બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદનાર અબજોપતિ એલોન મસ્ક છેલ્લા ઘણા દિવસોથી નવા નિયમો અને કર્મચારીઓની છટણીને કારણે હેડલાઇન્સમાં છે. ઈલોન મસ્કે તેમના ઓપરેશન ક્લીન હેઠળ ભારતમાં ટ્વિટરની લગભગ આખી ટીમને બહારનો રસ્તો બતાવ્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ આકસ્મિક રીતે કેટલાક કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેમને પાછા આવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
મસ્કે છટણીનું કારણ જણાવ્યું
કર્મચારીઓની જબરદસ્ત છટણી બાદ ટ્વિટરના નવા બોસ એલોન મસ્કે શુક્રવારે ટ્વિટ દ્વારા તેનું મોટું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી ટ્વિટરના કર્મચારીઓમાં ઘટાડાની વાત છે, કંપની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. ટ્વિટર દરરોજ લગભગ $4 મિલિયન ગુમાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને ત્રણ મહિનાનું વિચ્છેદ પેકેજ ઓફર કરવામાં આવ્યું છે, જે કાયદાકીય જવાબદારી કરતાં 50 ટકા વધુ છે.