Columns

ઈલોન મસ્ક બહુ દુ:ખી થઈને ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ છોડી રહ્યા છે

ગુજરાતીમાં કહેવત છે કે ‘લાંબા સાથે ટૂંકો જાય; મરે નહીં તો માંદો થાય’. દુનિયાના સૌથી ધનિક માનવીમાં જેની ગણના થઈ રહી છે તે એલોન મસ્ક મોટાં સપનાંઓ લઈને ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં સામેલ થયા હતા. હવે ૧૩૦ દિવસ પછી તેઓ ભારે હતાશા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની છાવણીમાંથી બહાર નીકળી રહ્યા છે. આ ૧૩૦ દિવસ દરમિયાન એલોન મસ્કે કેટલાંક એવાં પગલાંઓ લીધાં હતાં, જેને કારણે તેઓ અમેરિકાની પ્રજામાં અળખામણા થઈ ગયા હતા, એટલું જ નહીં, પણ તેના પ્રત્યાઘાતના રૂપમાં તેમની કંપની ટેસ્લાને અબજો ડોલરનું નુકસાન પણ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ એલોન મસ્ક એક જવાબદારી બની ગયા હતા. હવે એલોન મસ્ક વિદાય લઈ રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનાં નાગરિકો રાહતનો શ્વાસ લેશે.

સ્પેસએક્સ અને ટેસ્લાના વડા અમેરિકન ટેક અબજોપતિ એલોન મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્રના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) થી અલગ થવાની જાહેરાત કરી છે. તેમને વિશેષ સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જે હેઠળ તેમને દર વર્ષે ૧૩૦ દિવસ ફેડરલ રોજગારમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમનો કાર્યકાળ મે મહિનાના અંતમાં સમાપ્ત થવાનો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બજેટ બિલને મોટું અને સુંદર ગણાવ્યું હતું પણ મસ્કે આ બિલની ટીકા કરી હતી.  મસ્ક રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા દાતા રહ્યા છે. ગયા વર્ષે તેમણે લગભગ ૨૫ કરોડ ડોલરનું દાન કર્યું હતું. આટલા મોટા દાન પછી તેમની અને ટ્રમ્પ વચ્ચે નિકટતા વધી હતી. આ સમયગાળા દરમિયાન તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના નફામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ટેસ્લાએ તાજેતરમાં રોકાણકારોને ચેતવણી આપી હતી કે કંપનીની નાણાંકીય મુશ્કેલીઓ ચાલુ રહી શકે છે. કંપનીએ વૃદ્ધિની આગાહી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે લોકોની રાજકીય ભાવનામાં ફેરફાર વાહનોની માંગને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડી શકે છે. એલોન મસ્કે ગયા મહિને રોકાણકારોને કહ્યું હતું કે DOGE ખાતે તેમનો કાર્યભાર નોંધપાત્ર રીતે ઓછો થશે અને તેઓ ટેસ્લાને વધુ સમય આપી શકશે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટમાં મહત્ત્વપૂર્ણ પદ સંભાળતા એલોન મસ્ક ઘણી વખત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા ખૂબ જ ઓછા માર્જિનથી એક બજેટ બિલ રજૂ કર્યું હતું. હવે આ બિલ સેનેટમાં જશે. આ બિલમાં દેવાંની મર્યાદા ચાર ટ્રિલિયન ડોલર વધારવાનો પ્રસ્તાવ છે, જેનો અર્થ એ છે કે સરકાર પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે વધુ લોન લઈ શકે છે. મસ્કે સીબીએસ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ બિલ ફેડરલ ખાધમાં વધારો કરશે. તેમણે કહ્યું કે આ બિલ DOGE ખાતે થઈ રહેલા કાર્યને નબળું પાડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બજેટ બિલને મોટું અને સુંદર ગણાવવા પર મસ્કે કટાક્ષમાં કહ્યું કે શું આ બિલ મોટું કે સુંદર હોઈ શકે છે? મને ખબર નથી કે તે બંને હોઈ શકે છે કે નહીં. તેમના આ નિવેદન પછી એવું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને એલોન મસ્ક વચ્ચેનું અંતર વધી રહ્યું છે.

માર્ચની શરૂઆતમાં સરકારી ખર્ચ અને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાના એલોન મસ્કના પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે કેબિનેટ મંત્રીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદેશ પ્રધાન માર્કો રુબિયોની ટીકા કરતાં મસ્કે કહ્યું કે તેઓ ફક્ત ટી.વી. પર જ સારા દેખાય છે. મસ્કે માર્કો રુબિયો પર વિદેશ વિભાગમાં પૂરતો સ્ટાફ ઘટાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. આ સમયગાળા દરમિયાન એલોન મસ્કે ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફી સાથે પણ ચર્ચા કરી હતી કારણ કે DOGE એ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં ટ્રાફિક નિયંત્રકોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, જે પહેલાંથી જ ઓછી સંખ્યામાં છે. આ ચર્ચા એટલી ઉગ્ર બની કે ડોનાલ્ડ ટ્રમ્પે દરમિયાનગીરી કરીને DOGE ની સત્તાનો ફોડ પાડવો પડ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેઓ હજુ પણ DOGE ને સમર્થન આપે છે, પરંતુ હવેથી નિર્ણય મંત્રીઓ દ્વારા લેવામાં આવશે અને મસ્કની ટીમને ફક્ત સલાહ આપવાનું કામ જ સોંપવામાં આવશે. ટ્રમ્પના હસ્તક્ષેપને એક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો હતો કે રાષ્ટ્રપતિએ એલોન મસ્કને આપવામાં આવેલી વ્યાપક સત્તાઓ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

DOGE ની રચનાની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે એલોન મસ્ક સાથે વિવેક રામાસ્વામીને તેની જવાબદારી સોંપી હતી. DOGE બનાવવામાં રામાસ્વામીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. તેમણે FBI ને બંધ કરવાની પણ હિમાયત કરી હતી. મિડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે ટ્રમ્પ અને વિવેક વચ્ચે H-1B વિઝાને લઈને મતભેદ ઊભો થયો છે. રામાસ્વામી H-1B વિઝા અંગે સોશ્યલ મિડિયા પર રૂઢિચુસ્તો સાથે વાતચીત કરી રહ્યા હતા તે ટ્રમ્પને ગમ્યું ન હતું. રામાસ્વામી  કુશળ કામદારોને H-1B વિઝા આપવાના પક્ષમાં હતા, પરંતુ ટ્રમ્પ-સમર્થકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ટ્રમ્પે વિવેક રામાસ્વામીને દેશભક્ત અમેરિકન ગણાવ્યા હતા, પરંતુ DOGE એ પોતાના વિશે પહેલો નિર્ણય લીધો તેમાં એવું કહેવામાં આવ્યું કે હવે ફક્ત મસ્ક જ DOGE નું ધ્યાન રાખશે અને વિવેક રામાસ્વામી તેમાંથી બહાર નીકળી ગયા હતા.

એલોન મસ્ક અળખામણા થયા તેનું મુખ્ય કારણ તેમણે પેધી ગયેલા સરકારી કર્મચારીઓ ઉપર પ્રહાર કર્યો તે હતું. એલોન મસ્કની ટીમે દેશભરનાં લાખો ફેડરલ કર્મચારીઓને સત્તાવાર સરકારી ખાતાંમાંથી અનેક ઇ-મેઇલ મોકલ્યા હતા. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમના રાજીનામાંના બદલામાં તેમને કેટલાક મહિનાનો પગાર આપવામાં આવશે. આ સાથે કર્મચારીઓને અઠવાડિયા દરમિયાન શું કામ કર્યું તે જણાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. જો તેમણે આમ ન કર્યું તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. કેટલીક એજન્સીઓએ તેમનાં કર્મચારીઓને આ ઇ-મેઇલને અવગણવાનું કહ્યું હતું. DOGE એ ઘણાં નવાં સરકારી કર્મચારીઓને બરતરફ કરવાનો પણ આદેશ આપ્યો હતો, જેઓ પ્રોબેશન પર હતા અને જેમને સંપૂર્ણ સિવિલ સર્વિસ સુરક્ષા મળી ન હતી. આ ઓર્ડર કેટલીક સરકારી એજન્સીઓએ એમ કહીને રદ કર્યો હતો કે તેમને સ્ટાફની જરૂર છે. આમાં પરમાણુ શસ્ત્રોની સુરક્ષા માટે જવાબદાર કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો. શિક્ષણ સંબંધિત કર્મચારીઓએ પણ છટણીનો વિરોધ કર્યો હતો. તેને કારણે મસ્ક સામેનો વિરોધ પ્રબળ બની ગયો હતો.

એલોન મસ્કના સૌથી વિવાદાસ્પદ નિર્ણયોમાં USAID બંધ કરવાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરીમાં ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે તે યુએસ સરકારની મુખ્ય વિદેશી સહાય એજન્સી યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ને બંધ કરશે અને તેને વિદેશ વિભાગમાં એકીકૃત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એજન્સી પર બેફામ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને મસ્કે USAID ને બંધ કરવાની પણ હાકલ કરી હતી.

જાન્યુઆરીના અંતમાં USAID ના બે ટોચના અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા અને એજન્સીની વેબસાઇટ ડાઉન થઈ ગઈ હતી. મસ્કે અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા અને USAID ને એક ગુનાહિત સંગઠન અને કટ્ટરપંથી ડાબેરી રાજકીય મનોવૈજ્ઞાનિક અભિયાન ચલાવતું ગણાવ્યું હતું. લાઈવ સ્ટ્રીમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ અસાધ્ય છે. ઘણાં કર્મચારીઓને ખૂબ ઓછા સમયમાં એજન્સી છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. આ એજન્સી વિશ્વભરમાં અબજો ડોલરની સહાયનું વિતરણ કરે છે, જેમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોનો સમાવેશ થાય છે.

USAID ના ભંડોળ બંધ થયા પછી એવી આશંકા હતી કે તેના દ્વારા ચલાવવામાં આવતા ઘણા આરોગ્ય અને પોષણ સંબંધિત કાર્યક્રમો બંધ થશે. મસ્કના નિવેદન પછી અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું હતું કે USAID ની ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આ રીતે એલોન મસ્ક સરકારમાં ચાલતાં ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને બિનકાર્યક્ષમતા સામે લગાતાર લડતા રહ્યા હતા, જે તેમને ભારે પડી ગયું હતું. ૧૩૦ દિવસના અનુભવ પછી મસ્કને સમજાઈ ગયું છે કે ટેસ્લાને ચલાવવી એક બાબત છે અને સરકાર ચલાવવી બીજી બાબત છે.

Most Popular

To Top