Business

એલોન મસ્ક અવકાશયાત્રા બાબતમાં પણ નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે

દુનિયાના ટોચના શ્રીમંત એલોન મસ્ક રાજકીય રીતે માર ખાઈ રહ્યા છે તેમ આર્થિક રીતે પણ માર ખાઈ રહ્યા છે. એક બાજુ એલોન મસ્કની કંપની ટેસ્લા ઇલેક્ટ્રિક વાહનના ક્ષેત્રમાં ચીની કંપની સામે સ્પર્ધામાં પાછળ પડી ગઈ છે તો બીજી બાજુ તેમની અવકાશ કંપની સ્પેસ એક્સ દુર્ઘટનાઓનો સામનો કરી રહી છે. માર્ચ ૨૦૨૫ માં વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ અમેરિકાના ટેક્સાસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી એવું લાગ્યું કે ૪૦૩ ફીટ લંબાઈના માનવરહિત અવકાશયાનમાં કંઈક સમસ્યા છે. આ પછી તે આગના ગોળાની જેમ ચક્કર ચક્કર ફરવા લાગ્યું હતું અને ધડાકાભેર તૂટી પડ્યું હતું. અવકાશયાનનો સળગતો કાટમાળ દક્ષિણ ફ્લોરિડામાં પડ્યો હતો. ફ્લોરિડામાં તમામ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. સ્પેસએક્સના સ્ટારશિપનું આ આઠમું પરીક્ષણ હતું, પરંતુ તે બીજું સ્ટારશીપ અવકાશયાન હતું જે વિસ્ફોટ પછી તૂટી ગયું હતું. પહેલો અકસ્માત જાન્યુઆરીમાં થયો હતો. ત્રણ જ મહિનામાં બે અવકાશયાનો તૂટી પડવાને કારણે એલોન મસ્કને કરોડો ડોલરનું નુકસાન તો થયું છે, પણ અવકાશયાત્રાની ટેકનોલોજી બાબતમાં તેમની વિશ્વસનીયતા ઘટી ગઈ છે.

સ્પેસએક્સ એક ખાનગી કંપની છે જેની સ્થાપના ૨૩ વર્ષ પહેલાં થઈ હતી. તેના વર્તમાન સીઈઓ એલોન મસ્ક શરૂઆતથી જ કંપનીનો ભાગ છે. સ્પેસએક્સની સ્થાપના ઉપગ્રહો લોન્ચ કરવા માટે કરવામાં આવી હતી અને આ હજુ પણ કંપનીની આવકનો મુખ્ય સ્રોત છે. બધી કંપનીઓની જેમ સ્પેસએક્સનું લક્ષ્ય પૈસા કમાવાનું છે, જે અવકાશ ક્ષેત્રમાં પડકારજનક છે. જ્યારે સ્પેસએક્સ શરૂ થયું ત્યારે આ બજારમાં ઓછી સ્પર્ધા હતી.

અવકાશયાત્રાના ક્ષેત્રમાં બીજી એક જ કંપની બોઇંગ એન્ડ લોકહીડ માર્ટિનની કંપની યુનાઇટેડ લોન્ચ એલાયન્સ હતી. પછી એલોન મસ્કે અવકાશ સંશોધનનો ખર્ચ ઘટાડવાના રસ્તાઓ વિશે વિચાર્યું. સ્પેસએક્સ કંપનીએ લોન્ચ એન્જિનનો ફરીથી ઉપયોગ કરવાની ટેકનોલોજી શોધી કાઢી. આ પ્રક્રિયા એવી હતી કે રોકેટ બૂસ્ટર એન્જિનથી અલગ થયા પછી એન્જિન પૃથ્વી પર પાછું આવે છે. સમારકામ પછી તેનો ઉપયોગ ફરીથી રોકેટ લોન્ચ કરવા માટે થાય છે. સ્પેસ એક્સે તે પહેલી વખત કરી બતાડ્યું હતું.

એલોન મસ્કે રોકેટને ફરીથી વાપરી શકાય તેવું બનાવીને લોન્ચિંગનો ખર્ચ લગભગ અડધો ઘટાડી દીધો છે. મસ્ક આ ટેકનોલોજીનો ઉપયોગ સ્ટારશીપ અવકાશયાનમાં કરવા માંગે છે, જે અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જાય છે. આ ટેકનોલોજીની મદદથી આગામી દસ વર્ષમાં અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઈ જવાનું શક્ય બની શકે છે. ૨૦૧૨ માં સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પુરવઠો પહોંચાડ્યો હતો. આવું કરનાર તે પહેલું ખાનગી અવકાશયાન હતું. આ અવકાશયાનના નવા મોડેલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા સુનિતા વિલિયમ્સ સહિતના નાસાના બે અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની કામગીરી સફળતાપૂર્વક બજાવી છે.

નાસાએ પણ સ્પેસએક્સમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે અને નાસાની મદદ વિના સ્પેસએક્સનું કાર્ય ચાલુ રહી શક્યું ન હોત. મસ્કનું આગામી લક્ષ્ય અવકાશયાત્રીઓને પહેલાં ચંદ્ર અને પછી મંગળ પર લઈ જવાનું છે. અવકાશ સંશોધન સાથે સંકળાયેલી કંપનીઓ એક ખાસ પરંપરાગત રીતે કામ કરી રહી છે પરંતુ સ્પેસએક્સની વ્યવસાય કરવાની અને કામ કરવાની રીત નવી છે. તે નવા સિદ્ધાંતોના આધારે કામ કરે છે. મસ્ક એવા યુવાનોને કંપનીમાં લાવ્યા છે, જેઓ નવી વસ્તુઓનો પ્રયોગ કરવામાં અને જૂના સિદ્ધાંતો તોડવામાં શરમાતા નથી. તેમણે એક નવી વિચારસરણી અપનાવી છે જેનો તેમને ફાયદો થયો છે.

અમેરિકાની વર્જિનિયા ટેક યુનિવર્સિટીમાં એરોસ્પેસ અને ઓશન એન્જિનિયરિંગ વિભાગનાં વડાં ડૉ. એલા એટકિન્સ કહે છે કે તેઓ સ્પેસએક્સ કંપનીના પરીક્ષણ દરમિયાન તેના અવકાશયાનના વિસ્ફોટને નિષ્ફળતા માનતાં નથી. ઘણી કંપનીઓ જે કમ્પ્યુટર સોફ્ટવેર બનાવે છે તે પહેલાં સોફ્ટવેરનું બીટા વર્ઝન બજારમાં લાવે છે અને થોડા સમય માટે તેનો ઉપયોગ કર્યા પછી જ્યારે તેની ખામીઓ શોધાય છે ત્યારે તેઓ તેને સુધારે છે અને અંતિમ વર્ઝન રજૂ કરે છે. સ્પેસએક્સે પણ આ જ ફોર્મ્યુલા અપનાવી છે. તે નિષ્ફળતાના ડર વિના ઝડપથી પરીક્ષણ કરે છે અને નિષ્ફળતા પછી તેમાંથી શીખે છે અને ઝડપથી સુધારવાનો પ્રયાસ કરે છે. તેઓ તેમના રોકેટ ક્રેશમાંથી ઘણું શીખ્યા છે. અન્ય કંપનીઓ વિશ્લેષણ પર ઘણો સમય વિતાવે છે પરંતુ SpaceX નિષ્ફળતાઓમાંથી ઝડપથી પરીક્ષણ અને શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેથી જ તેની ટેકનોલોજી અન્ય કંપનીઓ કરતાં વધુ ઝડપથી વિકસિત થઈ છે.

સ્પેસએક્સ અવકાશયાત્રીઓને લઈ જતાં પહેલાં માનવરહિત અવકાશયાનના અસંખ્ય ઉડાન પરીક્ષણો કરે છે. રોકેટ લોન્ચ કરવું એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે જેમાં અનેક પ્રકારની ભૂલો થઈ શકે છે. જ્યારે અમેરિકાએ અવકાશમાં અવકાશયાન મોકલ્યાં ત્યારે પણ તેઓ ફક્ત ૯૭ થી ૯૮ ટકા વિશ્વસનીય જ હતાં. જો આપણે ૧૦૦% વિશ્વસનીયતાની રાહ જોઈશું, તો કદાચ કોઈ પણ અવકાશયાન ઊડી શકશે નહીં કારણ કે અકસ્માતનું જોખમ હંમેશા રહે છે અને આ પડકાર ફક્ત સ્પેસએક્સ પૂરતો મર્યાદિત નથી.

સ્પેસએક્સ અવકાશ ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે, પરંતુ તેના કેટલાક સ્પર્ધકો પણ છે, જેમાં બ્લુ ઓરિજિન કંપની મુખ્ય છે. તેણે અવકાશ પ્રવાસન માટે પોતાનું અવકાશયાન બનાવ્યું છે. સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, પરંતુ તેઓ અવકાશ પ્રત્યે ઉત્સાહ ધરાવતા એકમાત્ર અબજોપતિ નથી. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે બ્લુ ઓરિજિન કંપનીની સ્થાપના કરી હતી. તે જ સમયે રિચાર્ડ બ્રેન્સને અવકાશ પ્રવાસન માટે વર્જિન ગેલેક્ટિક કંપની ખોલી છે. એક્સિયમ સ્પેસ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકને સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ૨૦૩૧ માં બંધ થઈ જશે. ઘણી કંપનીઓ તેનો એક વિકલ્પ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે.

ઝીરો ટુ ઇન્ફિનિટી, રેડવાયર કોર્પોરેશન પણ આ ઉદ્યોગમાં સામેલ છે. ફાયરફ્લાય કંપનીએ ચંદ્ર પર લેન્ડર ઉતારવાનાં ઘણાં સફળ પરીક્ષણો કર્યાં છે. આ ઉપરાંત, જાપાની ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓ પણ આ ઉદ્યોગમાં પ્રવેશી છે. મિત્સુબિશીએ એક લોન્ચ રોકેટ બનાવ્યું છે અને ટોયોટા પાસે પણ આવી જ યોજનાઓ છે. યુરોપની SES એક મોટી ઉપગ્રહ બનાવતી કંપની છે. હાલમાં વિશ્વમાં અવકાશ ઉદ્યોગમાં લગભગ ૫૦૦ કંપનીઓ છે અને તેમની સંખ્યા વધવાની છે. સ્પેસએક્સે અવકાશ સુધી પહોંચવાનો ખર્ચ ઘટાડીને નવી કંપનીઓ માટે રસ્તો ખોલ્યો છે. નવી કંપનીઓ સ્પેસએક્સની વિચારધારા અપનાવી રહી છે.

જેફ બેઝોસની બ્લુ ઓરિજિન સ્પેસ કંપની ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી તેના ન્યૂ ગ્લેન રોકેટને અવકાશમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂ ગ્લેનનો બૂસ્ટર ભાગ ફરીથી વાપરી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. લોન્ચ પછી યોજના એવી છે કે બૂસ્ટર બાકીના રોકેટથી અલગ થઈ જશે અને બેઝોસની માતાના નામ પરથી જેક્લીન નામના ખાસ જહાજ પર ઊતરશે. આ જહાજ એટલાન્ટિક મહાસાગરમાં રાખવામાં આવ્યું છે. બ્લુ ઓરિજિને તેના ન્યૂ શેપર્ડ રોકેટની ૨૮ ફ્લાઇટ કરી છે, જેમાંથી નવ ફ્લાઇટ્સ મુસાફરોને અવકાશમાં લઈ ગઈ છે. અત્યાર સુધી તેણે અવકાશ ભ્રમણકક્ષામાં કોઈ અવકાશયાન મોકલ્યું નથી.

નાસાએ ચંદ્રનો આર્થિક ઉપયોગ વધારવા માટે ઘણી કંપનીઓને પ્રોત્સાહિત કરવાની યોજના બનાવી છે, જેના હેઠળ નાસાએ નવી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. નાસા હવે અવકાશયાત્રાના ક્ષેત્રમાંથી નીકળી જવા માગે છે. આ કારણે તે સ્પેસ એક્સ જેવી ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે. ભવિષ્યની ચંદ્રયાત્રા અને મંગળયાત્રા પણ આ ખાનગી કંપનીઓ દ્વારા જ હાથ ધરવામાં આવશે. દુનિયામાં ઘણા ધનિકો અવકાશયાત્રા કરવા માટે કરોડો ડોલર ખર્ચવા તૈયાર છે. આ નવી કંપનીઓ તેમને તક આપશે. આ નવી કંપનીઓનો કોઈ લાંબો ઇતિહાસ નથી. તેઓ છેલ્લાં દસ બાર વર્ષમાં જ રચાઈ છે. આ કંપનીઓ સર્જનાત્મક અને નવી રીતે કામ કરવાની પદ્ધતિઓ અપનાવી રહી છે. ભવિષ્યમાં આવી વધુ કંપનીઓ અવકાશ ઉદ્યોગમાં આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top