Charchapatra

પાંજરાપોળની પાત્રતા

રખડતાં, રઝળતાં જાનવરોને પાંજરાપોળમાં ધકેલી દેવાય છે. સભ્ય સમાજમાં જે લોકો નફરતી ગંદા રાજકારણમાં ડૂબેલા હોય, ભ્રષ્ટ રીતરસમ, બ્લેકમનીના ભંડાર, દ્વારા સત્તાધીશ બની માનવતાને વિસરી જઈ, નાટકીય આચરણ કરતા રહેતા હોય, ભય અને ભ્રષ્ટાચાર પાથરી દીધા હોય, દીન દલિતોનું શોષણ કરી પોતાનું પોષણ કરતા રહે, તેમની ક્રૂર મજાક બને તેવા વૈભવ વિલાસમાં રહેતા હોય અને આદર્શની વાતો કરતા રહે, ખોટી રીતોથી પ્રચાર કરતા રહે, તેવા લોકો પાંજરાપોળમાં ધકેલાયેલાં જનાવરોના સ્તરે પહોંચી ગયા હોય છે.

સભ્ય સમાજમાં તેઓ શોભતા નથી. બલ્કે ન્યૂસન્સ બની રહે છે, જન સાધારણ માટે તેઓ આપત્તિરૂપ પુરવાર થાય છે, અન્યાય અને અત્યાચારનો ક્રમ તેમના દ્વારા ચાલતો રહે છે. અનિચ્છનીય જાનવરો માટે તો પાંજરાપોળની વ્યવસ્થા છે, પણ ત્રાસદાયક શરીફ આતંકીઓને દૂર કરવાનું મુશ્કેલ છે. પાંજરાપોળની દશ હજાર કરોડ રૂપિયાની મૂલ્યવાન જમીન સત્તાધીશોની સાથે સાંઠગાંઠ કરી પચાવી પડાય અનેક પ્રકલ્પોમાં કરોડોનો લાભ ભ્રષ્ટાચારથી મેળવી લેવાય, લોકોનો જાન જોખમાય તેવા માર્ગો, પુલો, મકાનો ગેરરીતિથી બંધાય, અબજો રૂપિયાના સોદા સત્તાના જોર પર ખાયકી સાથે પાર પડાય, મોટા ભાગના વહીવટ ખાડે જાય, આરોગ્ય અને શિક્ષણને ધીકતો ધંધો બનાવી દેવાય, તેની રજૂઆતો પણ ક્યાં કરવી તે યક્ષ પ્રશ્ન બની રહે છે. અરે, રજૂઆત સાંભળનાર પણ સ્વાર્થમય બહેરા બની જાય તે પણ વાસ્તવિકતા છે. સરકારી હોસ્પિટલમાં બહેરાશની સારવાર કરતું ઓડિયોલોજી વિભાગ, તંત્ર જ બહેરું બની જાય તેવો અનુભવ થાય છે. જનસાધારણને દવાને બદલે દર્દ વધુ મળે છે. બળાત્કાર અને આત્મહત્યાના બનાવો હવે વધતા જાય છે. જવાબદાર લોકો સંવેદનશીલતા ગુમાવી બેઠા છે ત્યારે થાય છે કે તેઓ જાનવરો જેવી મૂઢતા આચરી પાંજરાપોળની પાત્રતા કેળવી રહ્યા છે.
સુરત     – યૂસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ઇમોશનલ ફ્રેકચર
આજનો માનવી દરેક ક્ષેત્ર જેવા કે, સંદેશાવ્યવહાર, પરિવહન, વિજ્ઞાન, સાહિત્ય, ટેકનોલોજીમાં બેસુમાર પ્રગતિનાં સોપાન હાંસલ કરી રહ્યો છું. જે વીસમી સદીની ગૌરવગાથા છે. આમ માનવી રિધ્ધિ-સિધ્ધિમાં વિશાળતા પામી રહ્યો છે, છતાં પણ એકબીજા પ્રત્યેની સંવેદના, સહકાર, સંપ ગુમાવી રહ્યો છે. મોબાઇલ, વોટ્સઅપ, યુ.ટયુબ, સંદેશાવ્યવહાર માટે આજે સરળતાથી ઉપલબ્ધ છે અને સમાજના ઉત્કર્ષ માટે ઉત્તમ સાધન પણ ગણાય છે. પણ વ્યકિત આજે ઇમોશનલ ફ્રેકચરથી પીડાઈ રહ્યો છે, તે ટોળામાં પણ એકલતા અનુભવવા લાગ્યો છે, જે શારીરિક અને માનસિક દૃષ્ટિએ, ભવિષ્યમાં હાનિકર્તા નીવડી શકે છે. આ ફ્રેકચરને જોડવા માટે, એકબીજાને પ્રત્યક્ષ મળતા રહો અને બસ, હળવા સ્મિતથી કેમ છો ? પૂછતા રહો, તો બંનેનાં જીવનની ત્રુટિઓ સંધાઈ જશે અને માનવી, ખુશી અને આનંદથી નિરામય જીવી શકશે.
સુરત     – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top