Comments

કરોડો ગરીબ સંતાનોનું અગિયાર વરસનું ભણતર માત્ર હજાર જણ ગળી જાય

શાસનની જગ્યા જ્યારે સત્તા લઈ લે ત્યારે ક્રોની કેપીટાલિઝમનો ઉદય થતો હોય છે. જગત આખાનો આ દસ્તૂર છે અને તેનો ઈતિહાસ છે. કોઈક ને કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવું છે અને તેને ટકાવી રાખનારાઓ પણ મળી રહે છે, શરત એ કે સામે ટકાવી રાખવામાં મદદ કરનારને લાભ મળતો હોય. આમાંથી પરસ્પર ધરી રચાય છે અને જે નવી અર્થવ્યવસ્થા રચાય તેને ક્રોની કેપીટાલિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે.

  • મહદ્ અંશે ક્રોની કેપીટાલિઝમનાં આ પાંચ લક્ષણો હોય છે:
  • ૧. સત્તાધારીઓ અનુકૂળ આવે અને ગોપનીયતા જળવાઈ રહે એવા ગણતરીના ઉદ્યોગપતિઓને પસંદ કરે છે.
  • ૨. સરકારની નીતિઓ અને નિર્ણયો એવા હોય જેને કારણે તેમને ફાયદો થાય.
  • ૩. સરકારની માલિકીનાં સંસાધનો પસંદગીના ધોરણે તેમને ઉપલબ્ધ કરી આપવામાં આવે.
  • ૪. સરકારી નાણાંકીય સંસ્થાઓ કાયદેસર કે ગેરકાયદે તેમને મદદ કરે અને કૂણું વલણ અપનાવે.
  • ૫. નાણાંકીય વ્યવહાર પર નજર રાખવાનું કામ રીઝર્વ બેંકનું છે અને તે પારદર્શક છે કે નહીં તેનું ઓડીટ કરવાનું કામ કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલનું છે એટલે એ બન્ને પદ (રીઝર્વ બેન્કના ગવર્નર અને સીએજી) પર કોઈ નમાલાને બેસાડવામાં આવે.

જગત આખામાં લગભગ આવી એક સરખી પેટર્ન જોવા મળશે. આગળ કહ્યું એમ ક્રોની કેપીટાલિઝમ કેટલાક લોકોના સત્તામોહ ખાતર દેશનાં શાસનનો ભોગ લે છે. સત્તા અને શાસન બે જૂદી વસ્તુ છે. જૈનો “જૈનં જયતિ શાસનમ્”કહે છે ત્યારે એમાં સત્તા નથી હોતી, શાસન હોય છે.

‘ધ વાયર’નામના ન્યુઝ પોર્ટલે ગયા જાન્યુઆરી મહિનામાં અહેવાલ આપ્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારનાં પહેલાં સાડા આઠ વરસ દરમ્યાન (૩૧, ડિસેમ્બર ૨૦૨૨ સુધી) બેન્કોએ ૧૨ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગુમાવ્યા છે એટલે માંડી વાળવા પડ્યા છે. જે લોકો લઈ ગયા છે એ પાછા આપતા નથી. એક રીતની લૂંટ. ‘વાયરે’ઉપલબ્ધ સત્તાવાર આંકડાઓ અને વ્યાજ વગેરેની ગણતરી માંડીને આ આંકડો બહાર પાડ્યો હતો અને નાણાં મંત્રાલયને આ બાબતે કેટલાક સવાલો પૂછ્યા હતા. હવે ‘વાયર’ને ભાગવત કરાડ નામના કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાં પ્રધાનનો પત્ર મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીના શાસનના પહેલા સાડા આઠ વરસ દરમ્યાન ભારતની બેન્કોએ ૧૨,૦૯,૬૦૬ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઇટ્સ ઓફિશિયલ.

કદાચ તમે વિચારતા હશો કે સરકાર બેન્કોના પૈસા ડૂબાડનારાઓને નહીં છોડે. આ કોઈ નાની રકમ છે? ૨૦૨૩-૨૦૨૪ના બજેટ મુજબ ભારતની કુલ અંદાજીત વાર્ષિક આવક ૩૫ લાખ કરોડની હશે. અંદાજીત વાર્ષિક આવકનો ત્રીજો ભાગ. દેશના સંરક્ષણ પાછળનો વાર્ષિક ખર્ચ ૫,૫૪,૮૭૫ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે એટલે કે સંરક્ષણ કરતાં અઢી ગણાં. આ અમૃતકાળમાં વિશ્વગુરુ દેશનાં બાળકોનાં શિક્ષણ પાછળ ૧,૧૨,૮૯૯ લાખ કરોડ રૂપિયા ખર્ચવાનું છે, પણ સામે ધૂર્ત લોકો અગિયાર ગણા પૈસા મારી ગયા છે! સરકાર આવા લોકોને છોડે? કદાચ ભક્ત અને ભોળા લોકો આમ વિચારતા હશે!

જુઓ ને! ૮મી જૂને રીઝર્વ બેન્કના ગવર્નરે સર્ક્યુલર બહાર પાડીને બેન્કોના પૈસા ડૂબાડનારાઓને સલાહ આપી છે કે તેઓ પોતપોતાની બેંકોનો સંપર્ક કરે અને બેંકો સાથે સેટલમેન્ટ કરે. માર્ક ધ વર્ડ. પૈસા પાછા આપે એમ નથી કહ્યું, સેટલમેન્ટ કરે. દસ પૈસા ચૂકવીને રૂપિયાની માંડવાળી કરે. વરસોવરસ દેવાંને કેરી ફોરવર્ડ કરતા રહેવાનો શો અર્થ? એના કરતાં માંડવાળી કરીને નવે ખાતે કામકાજ કરવામાં ડહાપણ છે એમ કદાચ તમે વિચારતા હશો. વિચાર તો બરાબર છે, પણ એ ત્યારે બરાબર છે જ્યારે દેશના પૈસા ડુબાડનારાઓને રાષ્ટ્રીય દેવાદાર જાહેર કરવામાં આવે અને તેમની સાથે કોઈ પણ જાતનો નાણાંકીય અને વ્યવસાયિક વહેવાર કરવામાં ન આવે એવી સલાહ આપવામાં આવે. એક એવી કાળી યાદી જેમાં આ મહાનુભાવોનો સમાવેશ થતો હોય. ડૉ રઘુરામ રાજન જ્યારે રીઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે તેમણે આવું સૂચન કર્યું હતું અને પરિણામ તમે જાણો છો. તેમને તગેડી મૂકવામાં આવ્યા. પાટી એટલા માટે સાફ કરવામાં આવી રહી છે કે જેથી ફરી વાર ઉધાર બાજુએ એકડો માંડી શકાય. ફરી વાર મળતિયાઓને ધિરાણ આપી શકાય અને દેશને ડૂબાડી શકાય.

એમ તો ખેડૂતો પણ બેંકોનું ધિરાણ પાછું આપતા નથી અને તેમનું ધિરાણ પણ માફ કરી દેવામાં આવે છે એ વિષે તો તમે કાંઈ બોલતા નથી. ભક્તો કદાચ આવો સવાલ કરે. હા. વાત સાચી છે. ૨૦૧૫-૧૬માં ભારતનાં ખેડૂતો ઉપર ૧૨ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું જે ૨૦૨૦-૨૧માં વધીને ૧૮ લાખ કરોડ રૂપિયા થયું હતું અને અત્યારે કદાચ ૨૦ લાખ કરોડ રૂપિયાનું હશે. પણ એક બીજા આંકડા તરફ પણ નજર કરવી જોઈએ. ૨૦૧૫-૧૬માં બેન્કોના ૧૨ લાખ કરોડ રૂપિયા પાછા નહીં કરનારા ખેડૂતોની કુલ સંખ્યા હતી ૬ કરોડ ૯૦ લાખ. ૨૦૨૦-૨૧માં ૧૮ લાખ કરોડ રૂપિયા પાછા નહીં કરનારા ખેડૂતોની સંખ્યા હતી દસ કરોડ અને અત્યારે વીસ લાખ કરોડ રૂપિયાના કરજદાર ખેડૂતોની સંખ્યા હશે બાર કરોડ.

બાર કરોડ ખેડૂતો ઉપર વીસ લાખ કરોડ રૂપિયાનું દેવું. એક એક ખેડૂતના ભાગે ૧,૬૬,૬૬૬ રૂપિયાનું દેવું થયું. ઘણું કહેવાય નહીં? દેશમાં કેવા કેવા દેશદ્રોહીઓ છે? આની સામે બેન્કોના ૧૨ લાખ કરોડ રૂપિયા ડુબાડનારા દેશપ્રેમી શેઠજીઓની સંખ્યા કેટલી છે? અગેન રીઝર્વ બેન્કના આંકડા મુજબ માત્ર સો શેઠજીઓએ બેન્કોના અડધોઅડધ રૂપિયા ડુબાડ્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના રીઝર્વ બેન્કના આંકડા મુજબ કુલ ૮,૬૪,૮૩૩ કરોડ રૂપિયા બેન્કોના ખોટા થયા હતા જેમાંથી ૪,૪૬,૧૫૮ કરોડ રૂપિયા માત્ર સો દેવાદારો પાસેથી લેવાના નીકળતા હતા. એક એક શેઠજીના ભાગે ત્યારે ૪૪ અબજ રૂપિયા નીકળતા હતા, જે અત્યારે પચાસ ટકાની સરેરાશે વધીને એક એક શેઠજીના ભાગે ૬૦ અબજ રૂપિયા થયા. એક એક શેઠજી સાઈંઠ સાઈંઠ અબજ રૂપિયા મારી ગયા છે. આ બધા ભાઈબંધ શેઠજીઓ છે. કેટલાક તો મીડિયાના માલિકો પણ છે અને તમારી અંદર દેશપ્રેમ જાગૃત કરવાનું મહાન કામ કરી રહ્યા છે.

વળી કોઈ ભક્ત વહારે ધાશે કે એકલા ભારતમાં જ થોડા બેન્કોના પૈસા ખોટા થાય છે! અર્થતંત્રની સ્થિતિ ખરાબ હોય ત્યારે આવું થાય અને બીજા દેશોમાં પણ થાય છે. તેમની વાત બિલકુલ સાચી છે. આંતરરાષ્ટ્રીય નાણાંનિધિના અભ્યાસ મુજબ સુચારુ વહીવટ ધરાવનારા જવાબદાર દેશોમાં કુલ ધિરાણમાંથી સરેરાશ એક ટકો જેટલું ધિરાણ પાછું આવતું નથી. બેન્કોએ પૈસા પીળે પાને ઉધારવા પડ્યા હોય એનું અમેરિકા અને યુરોપના વિકસિત દેશોનું પ્રમાણ ૧ થી ૧.૧૦ ટકા છે. કેનેડાનું પ્રમાણ ૦.૪ ટકા છે. દક્ષિણ કોરિયા ૦.૫ ટકા, સ્વિત્ઝરલેન્ડ ૦.૬ ટકા અને ચીનનું પ્રમાણ ૧.૮ ટકા છે.

જેની ગણના ગામના ઉતાર તરીકે થાય છે એ ક્રોની કેપીટાલિઝમ માટે કુખ્યાત રશિયામાં આનું પ્રમાણ ૮.૩ ટકા છે. અને ભારત? ભારતનું પ્રમાણ કેટલું છે? ડૉ. મનમોહનસિંહની સરકારની મુદત પૂરી થઈ ત્યારે એટલે કે ૩૧મી માર્ચ ૨૦૧૪માં આનું પ્રમાણ ૪.૧ ટકા હતું જે અત્યારે વધીને ૧૨.૧૭ ટકા થયું છે. રીઝર્વ બેંકનો ડિસેમ્બર ૨૦૨૨ના ફાયનાન્શીયલ સ્ટેબીલીટી રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વરસના સપ્ટેમ્બર મહિના સુધીમાં ખોટા થયેલા ધિરાણનું પ્રમાણ ૯.૪ ટકા હશે. આવું શેના આધારે કહ્યું હશે? રીઝર્વ બેન્કના ગવર્નરે તો સર્ક્યુલર કાઢ્યો છે કે આવો અને બેંકો સાથે ફડચો કરી જાવ.

૪.૧ ટકા ધિરાણ ખોટું થાય એ દેશનું કલંક હતું. ૧૨.૧૭ ટકા ધિરાણ ખોટું થાય એને અમૃતકાળ કહેવાય. ભારતનાં કરોડો ગરીબ સંતાનોનું અગિયાર વરસનું ભણતર (૧,૧૨,૮૯૯ લાખ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ શિક્ષણ પાછળ ખર્ચાય છે તો અગિયાર વરસના બાર લાખ કરોડ થયા.) માત્ર હજાર જણ ગળી જાય એ વિશ્વગુરુ કહેવાય અને હા, કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડીટર જનરલનું નામ તમે સાંભળ્યું છે? નથી ખબર ને કોણ છે સીએજી? બિચારો મોઢું ખોલે તો ખબર પડે ને કે એ ભાઈ કોણ છે? પણ પેલા વિનોદ રાય નામના ડૉ. મનમોહનસિંહના વખતના સીએજી અને તેના તોતિંગ આંકડાઓના ભણકારા આજે પણ કાને અથડાતા હશે. આ બધા ક્રોની કેપીટાલિઝમનાં લક્ષણ છે જે પ્રારંભમાં બતાવવામાં આવ્યા છે. જ્યારે સત્તા શાસન ઉપર હાવી થઈ જાય અને શાસનની જગ્યાએ સત્તા કેન્દ્રસ્થાને આવી જાય ત્યારે આવું બનતું હોય છે. (આ લેખ માટે ‘ધ વાયર’માં પ્રકાશિત થયેલ લેખ ‘ધ મોદી ગવર્નમેન્ટ મસ્ટ આન્સર ફોર ઇન્ડિયાઝ હિસ્ટોરીક લોસ ઓફ રૂ. ૧૨ લાખ કરોર’નો આધાર લેવામાં આવ્યો છે.)
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top