આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાનો વિધિવત આરંભ કરાવ્યો હતો. રથયાત્રા શરૂ થયાના થોડા જ સમયમાં એક હાથી બેકાબુ થતા નાસભાગ મચી ગઈ હતી.
ભવ્ય રથયાત્રા દરમ્યાન અમદાવાદમાં આજે સવારે અચાનક એક ભયાનક ઘટનાને પગલે શ્રદ્ધાનો ઉત્સવ ક્ષણિક રીતે ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં ત્રણ હાથીઓ અચાનક છૂટી જતા ભક્તો વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી ત્યાં લગભગ સવારે 9.33 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો હતો. ત્યાર બાદ ધીમે ધીમે પાછળ બેથી ત્રણ હાથી આવી રહ્યા હતા, જે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા.
રથયાત્રામાં નર હાથી બેકાબૂ થતાં બે માદા હાથીએ એને કાબૂ કર્યો હતો. હાથી બેકાબૂ થવાના કારણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગના અધિકારી આર.કે.સાહુએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે વધુપડતી સિસોટી વાગતાં અને ડીજેના અવાજથી હાથી બેકાબૂ થઈ ગયો હતો.
આ ઘટના દરમિયાન હજારો ભક્તોએ સલામતી માટે દોડધામ શરૂ કરી હતી. રાહતની વાત એ છે કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક પળમાં જયઘોષ ચાલતી હતી અને બીજી પળે હાથીઓ દોડતા હતા.
પોલીસ અને સ્વયંસેવકો દ્વારા તત્કાલ કાર્યવાહી કરીને હાથીઓને કાબૂમાં લેવામાં આવ્યા હતા. વ્હિસલ વગાડવું પણ તાત્કાલિક બંધ કરાયું જેથી પ્રાણીઓ વધુ ઉશ્કેરાઈ ન જાય.
મહત્વપૂર્ણ છે કે યાત્રા અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર પહિંદ વિધિ કરીને યાત્રાને લીલી ઝંડી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં જોડાયા હતા.
આ વર્ષે રથયાત્રામાં 18 હાથી, 101 સાંસ્કૃતિક ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ પાટીઓનો સમાવેશ થયો હતો. હરિદ્વાર, અયોધ્યા, નાસિક સહિત દેશભરના સંતો-સાધુઓએ યાત્રામાં હાજરી આપી હતી.
ઘટનાના સમાચાર મળતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને તબીબી સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, “તે ભયાનક હતું, પણ આજે ચમત્કાર જેવો દિવસ હતો. કોઈ પણ ઇજા વિના હાથીઓ કાબૂમાં આવી ગયા.”
અંતે, મોટી દુર્ઘટનાને ટાળવામાં સત્તાવાળાઓ અને સ્ટાફની તકેદારીના કારણે યાત્રા ફરી શાંતિપૂર્વક આગળ વધી છે.