Charchapatra

રાષ્ટ્રિય એકતા પર અસર કરતાં તત્ત્વો

૧૯૩૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૧,૫૫,૫૧૫ બ્રિટિશરો હતા, જેમાં ૧,૧૦,૧૩૭ પુરુષો અને ૪૫૪૧૮ મહિલાઓ હતી, ૧૯૦૧ માં ૧,૧૨,૬૮૭ બ્રિટિશ પુરુષો અને ૪૨,૦૦૪ બ્રિટિશ મહિલાઓ હતી. ૧૯૩૧ માં ભારતની વસ્તી ૨૫ કરોડ છતાં પણ મુઠ્ઠીભર અંગ્રેજો ભારતમાં રાજ કેમ કરી શકયા? ભારતીયોમાં એકતાનો અભાવ! જે રીતે અમેરિકાએ અફઘાનને લાવારિસ છોડી દીધું, તે રીતે અંગ્રેજો જો ૧૯૦૧ માં ભારત છોડી દેત તો ૫૪૬ રાજ, રજવાડાં, નવાબો, ખાનો કઇ રીતે વહીવટ કરત?! ૧૯૦૦ ની સાલથી તો અંગ્રેજો માટે ભારત ખોટ કરતું રાજય હતું.બારડોલીના ખેડૂતોની જમીનના મહેસુલ વધારાનો રિપોર્ટ બનાવનાર અંગ્રેજોના હવાલદાર જેવા ડેપ્યુટી કલેકટર શ્રી એમ.એસ. જયકર ભારતીય હતા.

જલિયાંવાલા બાગમાં ગોળી મારવાનો આદેશ આપનાર જનરલ ડાયર બ્રિટિશર હતો પરંતુ સ્વતંત્ર સેનાનીઓ પર ગોળી મારનાર ભારતીયો હતા. આજે ફરી વાર રાષ્ટ્રીય એકતા પર અસર કરે તેવાં તત્ત્વો ફરી નીકળ્યાં છે. કોઇ મત માટે, કોઇ ટી.આર.પી. માટે તો કોઇ વિદેશના એજન્ટ પણ હોઇ શકે. બદલાતી પરિસ્થિતિમાં સરકારે આવાં તત્ત્વો પર અંકુશ લાવવાની જરૂર છે અને તેમાં કાયદામાં જરૂરી ફેરફાર કરવાની જરૂર છે. ભાગલા પડાવનાર એંકરોના વાર્ષિક પેકેજ પણ કરોડોના હોય છે. આવા પેકેજ ભાગલા માટે મેળવે છે કે ટી.આર.પી. માટે કે કોઇની મહેરબાની છે? ઘણી વાર એન્કર એમ માનતા હોય કે તેઓ દેશ માટે કામ કરે છે, પરંતુ ફાયદો પાડોશી દેશોને થાય છે! તેઓ પાકિસ્તાન અને ચીનનું કામ કરી રહ્યા છે.
અમદાવાદ         – કુમારેશ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top