અત્યારે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગતાં લોકોના મનમાં કારના ચાર્જિંગ, બૅટરીના ભાવ તથા કારની કિંમત વગેરે જેવી બાબતોને લઈને ઘણા સવાલો ઊઠી રહ્યા છે. મુંબઈમાં રહેતાં સમીર ઉદેશી ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે. તેમની ઓફિસ મુંબઈના BKC ખાતે છે એટલે તેમણે દરરોજ લગભગ 50 – 60 Km જેટલું ડ્રાઇવ કરવું પડે છે. પેટ્રોલના વધતા ભાવ હવે તેમને પોસાતા નથી એટલે તેઓ ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે પણ તેમને લાગે છે કે કારનું ચાર્જિંગ તેમના માટે મોટી મુશ્કેલી બનશે એટલે તેઓ ઇલેક્ટ્રિક કાર ખરીદતા પહેલાં વિચારી રહ્યા છે કે શું કરવું? સમીરનું કહેવું છે કે, દર 200 – 250 Km. થાય એટલે કારને ચાર્જ કરવી પડશે. ક્યારેક લોનાવલા કે મહાબળેશ્વર લોન્ગ ડ્રાઈવ પર જવું હોય ત્યારે ભય રહે કે જો ચાર્જિંગ કરવાની જરૂર પડી તો ચાર્જિંગ પૉઇન્ટ્સ કે સ્ટેશન રસ્તામાં મળશે કે નહીં?
સમીર જેવા સવાલ આજે કોઈ પણ વ્યક્તિને થઈ રહ્યા છે પણ એક્સપર્ટ સીધો અને સ્પષ્ટ જવાબ આપતા કહે છે, ‘‘ગાડીની બૅટરી માટે AC અને DC એમ બે પ્રકારનાં ચાર્જિંગ ઉપલબ્ધ છે. ડાયરેક્ટ ચાર્જિંગથી ઝડપથી ચાર્જિંગ થાય છે તથા એક કલાકમાં બૅટરી પૂરેપૂરી ચાર્જ થઈ જાય છે. AC ચાર્જિંગમાં 8 કલાકમાં બૅટરી પૂરેપૂરી ચાર્જ થાય છે. સંબંધિત કાર કંપની ઘરે ચાર્જિંગ સિસ્ટમ લગાવી જાય છે, જેના માટે 15 ઍમ્પિયરના પૉઇન્ટની જરૂર રહે છે. DC ચાર્જિંગનો વ્યાપ પણ વધી રહ્યો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક કારમાં બૅટરી કેટલી છે, તેનાં સિગ્નલ મળે છે. તમને જે રીતે પેટ્રોલ કે ડીઝલ કારમાં ટાંકીમાં હજુ કેટલું પેટ્રોલ કે ડીઝલ છે એ દાંડીઓ દ્વારા દેખાડવામાં આવે છે એવી જ રીતે ઇલેક્ટ્રિક કારમાં પણ બેટરી કેટલી છે તે ડિસપ્લે પર સતત જોઈ શકાશે.
ચાર્જિંગનો ખર્ચ કેટલો આવે છે? એ સવાલ આપણને સૌથી પહેલાં થાય! ખરેખર બૅટરીને ચાર્જ કરવા માટે વીજળીનો જે ખર્ચ આવે છે, તે પ્રતિકિલોમીટર એક રૂપિયા જેટલો માંડ છે. તેની સરખામણીએ CNGમાં રૂપિયા 3, ડીઝલમાં 5 તથા પેટ્રોલમાં રૂપિયા 7થી વધુ છે. આ ઉપરાંત મોટાભાગની કારમાં બૅટરીની લાઇફ દોઢ લાખ Km.થી વધુ છે. આટલા Km. ચલાવશો ત્યારે તેને ચાર્જ કરવા પાછળ રૂ.1.65 લાખ કુલ ખર્ચ આવશે. જો આટલું જ અંતર પેટ્રોલ કે ડીઝલ ગાડીમાં કાપ્યું હોત તો રૂ.11 લાખ કરતાં વધુનો ખર્ચ આવ્યો હોત. સ્વાભાવિક છે કે લાંબાગાળે આ કાર સસ્તી પડશે તથા પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે.
આપણે ત્યાં એવી માન્યતા છે કે, ઇલેક્ટ્રિકથી ચાલતાં કાર-સ્કૂટર પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોની સરખામણીમાં વધુ મોંઘાં છે. ખરેખર સ્થિતિ કંઈક જુદી છે! પહેલી વખત ઇલેક્ટ્રિક કાર ખરીદતી વખતે તે ચોક્કસ મોંઘી પડે છે પરંતુ ત્યાર પછી તેની મૅન્ટેનન્સ કૉસ્ટ પેટ્રોલ અને ડીઝલ તથા CNG વાહનોની સરખામણીમાં ઓછી હોય છે. એટલું જ નહીં, એવરેજની દ્રષ્ટિએ પણ ઇલેક્ટ્રિક કારની કોસ્ટ ઓછી આવે છે. ઓટો એક્સપર્ટનું કહેવું છે કે, ઇલેક્ટ્રિક કારની જાળવણીનો ખર્ચ પરંપરાગત કારની સરખામણીમાં ચોથા ભાગ કરતાં પણ ઓછો છે. અનેક કસ્ટમર ઇલેક્ટ્રિક વાહનો મોંઘાં હોવાથી તેને ખરીદી શકતા નથી, પરંતુ આજકાલ સેલફોનથી લઈને દરેક વસ્તુ હપ્તા ઉપર મળી રહે છે. હવે આપણને સવાલ થાય કે, એક વખત વધારે પૈસા આપીને પણ મોંઘી ઇલેક્ટ્રિક કાર લઈ લઈએ, પણ શું ચાર્જિંગ wwપૉઇન્ટ્સ તથા ચાર્જિંગ સ્ટેશન્સ આપણા દેશમાં અવેલેબલ છે? આ ઇન્ડિયન ઍનર્જી સ્ટોરેજ અલાયન્સના એક રિપોર્ટ મુજબ, આપણા દેશમાં ચાર્જિંગ સ્ટેશન્સનો વ્યાપ વધી રહ્યો છે. આગામી 1-2 વર્ષમાં સમગ્ર દેશમાં દરેક શહેરો અને નાના ટાઉન્સમાં તમને જોવા મળશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા ખાનગી કંપનીઓ પણ તેના માટે ઝડપભેર કામ કરી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે, ચાર્જિંગ પૉઇન્ટ્સ અંગે ચિંતા કરનારાઓએ કારોના પ્રારંભિક સમયનો અભ્યાસ કરવો જોઈએ, એ સમયે આજની જેમ પેટ્રોલપમ્પ ઉપલબ્ધ ન હતા. તેનો વિકાસ ધીમે-ધીમે તથા યોજનાબદ્ધ રીતે થયો હતો.
એક દલીલ એવી પણ થઈ રહી છે કે, આજે પણ આપણે કારમાં પેટ્રોલ જાતે નથી ભરી શકતા, પેટ્રોલપમ્પ જવું પડે છે. ચાહે વાહન પેટ્રોલથી ચાલતું હોય કે CNG દ્વારા, પરંતુ ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરવાના પૉઇન્ટ આપણા ઘરમાં તથા હાઉસિંગ સોસાયટીઓમાં જ હશે, એ વધુ સરળ નહીં હોય!? આ ઉપરાંત કાર પાર્કિંગ, શૉપિંગ મૉલ જેવી પબ્લિક પ્લેસ ઉપર પણ ચાર્જિંગ પૉઇન્ટ ઉપલબ્ધ હશે. હાલમાં દેશમાં જેટલા પેટ્રોલપમ્પ છે, તેનાથી વધુ ચાર્જિંગ પૉઇન્ટ આગામી થોડા સમયમાં ઉપલબ્ધ હશે.
ઇલેક્ટ્રિક કારમાં હાલ એક જ સવાલ થોડો મૂંઝવી રહ્યો છે, અને એ છે કારની બેટરીની લાઈફ! ઇલેક્ટ્રિક કારમાં અમુક વર્ષો પછી કારની બૅટરી બદલવી પડે છે, ત્યારે પેટ્રોલ કાર જ સારી છે એવું લોકોને લાગી રહ્યું છે.
આ વિશે વિશેષજ્ઞોનું કહેવું છે કે, હાલમાં ફૂલ ચાર્જ ગાડી 250 Km. ચાલતી હોય, તો તે અમુક વર્ષ પછી 200 Km. ચાલશે અને ધીમે-ધીમે બેટરી જૂની થશે એટલે માઇલેજ ઘટતું જશે. સામે નવી બૅટરી મોંઘી હોય અને તેની કિંમત રૂ. 6 લાખથી વધુ છે. જો કે, તાતા કંપનીએ તેમની કારની બૅટરી ઉપર 8 વર્ષની ગૅરંટી આપી છે.
હવે વાત આવે છે દુનિયાના અર્થતંત્રની. વિશ્વમાં આખી અર્થવ્યવસ્થાનો એક ઢાંચો ક્રૂડ ઓઇલ પર નિર્ભર છે. આવા સમયે ઇલેક્ટ્રિક વાહનો બધી જગ્યાએ અપનાવી લેવામાં આવશે તો એક નવી દુનિયા જોવા મળશે.જે દેશો અત્યારથી જ ઇલેક્ટ્રિસિટીને ઉત્પન્ન કરવાના વિવિધ તરીકાઓ અપનાવી રહ્યા છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. રિન્યુએબલ એનર્જી ભવિષ્યનું સોનું હશે. આજે મોંઘવારી વધે ત્યારે તેની પાછળનું એક ફેક્ટર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પણ છે. જ્યારે આપણે ત્યાં રોજબરોજની વપરાશની ચીજવસ્તુમાં ભાવવધારો થાય છે તો તેની પાછળ ટ્રાન્સપોર્ટેશનનો મોટો રોલ હોય છે. ઇલેક્ટ્રિક વાહનોથી ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ઘટાડો થશે તો તેની અસર સીધી મોંઘવારી પર નહીં પડે. સમયાંતરે અર્થતંત્રને બૂસ્ટ કરવામાં મદદરૂપ થશે. ભવિષ્યમાં ઇલેક્ટ્રિસિટી માટેના સોર્સ પણ વધવાના છે. અનેક વિકલ્પ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે સામે આવી રહ્યા છે. સોલર અને વિન્ડ એનર્જી ભવિષ્યના સૌથી મોટા સ્ત્રોત સાબિત થવાના છે.