નડિયાદ: નડિયાદમાં એક પરીવારનો લગ્નપ્રસંગ ચાલતો હતો. તે દરમિયાન તંત્રની બેદરકારીના કારણે વીજ પોલ લગ્નના મંડપ અને રસોઈ પર પડ્યો હતો અને પરીણામે પરીવારને ખૂબ મોટુ નુકસાન થયુ હતુ. જે મામલે પરીવારે મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. ઉપરાંત આ અંગે ફરીયાદ નોંધવામાં આનાકાની કરી હોવાનો આક્ષેપ પર સબંધીઓએ કર્યો છે.
નડિયાદના પ્રગતિ નગરમાં ગઈ રાત્રીના સમયે જર્જરીત ફ્લેટનું છજુ વીજ વાયરો ઉપર પડ્યુ હતુ. જેના કારણે રાત્રીના સમયે વિજળી ગુલ થઈ ગઈ હતી. સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલને જાણ કરતા વહેલી સવારે કોન્ટ્રાકટના માણસો વીજ પોલ નાખવાની કામગીરી કરવા આવ્યા હતા.
ત્યા વિજ પોલ નાખવાની કામગીરી દરમિયાન આ પોલ લગ્ન મંડપ ઉપર પડ્યો હતો અને લગ્નસ્થળ પર નાસભાગ મચી હતી. વીજ પોલ પડતા લગ્નમંડપનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને જમણવાર પણ બગડતા મહેમાનોને ભૂખ્યા રહેવાનો વખત આવ્યો હતો. પ્રગતિનગરમાં રહેતા રિદ્ધિબેન પ્રવિણભાઈ સોલંકીના લગ્નની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ એમ.જી.વી.સી.એલે કોન્ટ્રાકટ આપેલો તે ઈમ્પેક્ટ સર્વિસીસ એજન્સીના માણસો સામે નવો વીજ પોલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.
આ મામલે કોન્ટ્રાકટોના માણસો નશાની હાલતમા કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે, તો બીજી બાજુ આ નુકસાનની ભરપાઈ કોણ કરશે તે પ્રશ્ન ઉભો થયો છે. યુવતીના સગા સંબંધીઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા પરીવારજનો નિરાશ થયા છે. આ અંગે ધર્મિષ્ઠાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મારી ભાણીનું લગ્ન હતું. ઘરમાં વિધી ચાલતી હતી. આ દરમિયાન જ પોલ પડ્યો હતો. જેના કારણે ભારે નુકશાન થયું હતું. જેનો વળતર આપવા માંગણી છે.
300 માણસની રસોઈ બગડીઃ સબંધી
ST નગરની સામે પ્રગતિનગરમાં અમારી નજર સામે ઘટના બની છે. જી.ઈ.બી.ના કોન્ટ્રાક્ટરે પીધેલા કર્મચારીઓ મોકલ્યા હતા. તેમણે અહીંયા ખાડો કર્યો, તેના કારણે થાંભલો પડ્યો હતો. મારી ભાણીનું સામે જ લગ્ન હતુ. લગ્નમાં હાજર લોકોને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના જ કામ કરતા હતા. જેથી લોકો બહાર હતા અને અચાનક થાંભલો પડ્યો હતો. જેમાં ખુરશીઓ તુટી ગઈ, લોકોને ઈજા થતા બચી ગયા અને મંડપ તૂટી ગયો ઉપરાંત જમવાના સમયે 300 માણસની રસોઈ બગડી ગઈ હતી. – જગદીશભાઈ વાઘેલા, સબંધી
તૂટેલો થાંભલો મંડપ પર પડ્યોઃ ડે. એન્જી.
ગઈકાલે રાત્રે 3 વાગે ફરીયાદ મળી હતી કે, પ્રગતિનગરમાં ફ્લેટનું છજુ પડ્યુ છે. તપાસ કર્યા બાદ કોઈને કરંટ ન લાગે તે માટે રાત્રે જરૂરી કામગીરી કરી હતી. ત્યારબાદ સવારે કામ કરવા આવ્યા ત્યારે 3 થાંભલા તિરાડ પડેલા અને તુટી જાય તેવી અવસ્થામાં હતા. ખાડા કરીને નવા પોલ ઉભા કરવાની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન તૂટેલો થાંભલો ત્યાં લગ્ન હતુ તેના મંડપ પર પડ્યો અને નુકસાન થયુ છે. અમારે ત્યાં કોઈને નશો કરીને કામ કરવાની મંજૂરી જ નથી. – ભાવેશ પારેખ, ડે. એન્જીનિયર, પશ્ચિમ સબ ડીવીઝન