National

260 મોત પાછળ ઈલેક્ટ્રિક ફેલ્યોર? અમેરિકન એજન્સીનો દાવો, વિમાનમાં પહેલાથી જ હતી ખામી

જૂન 2025માં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને લઈને હવે એક નવો અને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત થયા હતા અને તે ભારતના સૌથી ગંભીર હવાઈ અકસ્માતોમાંથી એક ગણાય છે. હવે અમેરિકાની એક એવિએશન સેફ્ટી સંસ્થા દ્વારા કરવામાં આવેલા દાવાઓએ સમગ્ર મામલાને ફરી ચર્ચામાં મૂકી દીધો છે. અમેરિકાની એવિએશન સેફ્ટી ફાઉન્ડેશને આરોપ લગાવ્યો છે કે દુર્ઘટનાની તપાસ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો તપાસ એજન્સીઓ સુધી પહોંચાડવામાં આવ્યા નહોતા. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈડી પિયરસને તપાસકર્તાઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું છે કે તેમના હાથમાં એવા કેટલાક દસ્તાવેજો આવ્યા છે, જે દર્શાવે છે કે આ અકસ્માત પાછળ વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં આવેલી ગંભીર ખામીઓ જવાબદાર હોઈ શકે છે.

પિયરસનના દાવા મુજબ દુર્ઘટનાગ્રસ્ત બોઈંગ 787 ડ્રીમલાઈનર (VT-ANB) વિમાનમાં અકસ્માત પહેલાંથી જ ઈલેક્ટ્રિક સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ નોંધાઈ રહી હતી. વિમાનમાં વારંવાર શોર્ટ સર્કિટ થવું, કેબિન અથવા ટેકનિકલ વિભાગમાંથી ધુમાડો નીકળવાની ઘટના તેમજ વાયરિંગમાં ખામીઓ જેવી સમસ્યાઓ સામે આવી હતી. આ ખામીઓના કારણે વિમાનને અગાઉ પણ ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એટલું જ નહીં, વિમાનની મહત્વપૂર્ણ ગણાતી ‘P100 પાવર પેનલ’ પણ બદલવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પિયરસને વધુમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)અકસ્માત પહેલા લગભગ નવ મહિના દરમિયાન આ સમસ્યાઓ અંગે કોઈ ખાસ ભલામણ કે સાવચેતીભર્યું પગલું સૂચવ્યું નહોતું. પિયરસનના કહેવા મુજબ તપાસ દરમિયાન એવું નેરેટિવ ઉભું કરવામાં આવ્યું કે જેમાં આખી જવાબદારી પાયલટ પર આવી જાય, જ્યારે હકીકતમાં વિમાનને ડિઝાઇનમાં ફેરફાર અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂર હતી.

આ દાવાઓ સામે આવ્યા બાદ ફરી એકવાર ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો ખરેખર વિમાનમાં પહેલાથી જ ટેકનિકલ ખામીઓ હતી અને તે છતાં તેને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી હતી, તો આ દુર્ઘટનામાં થયેલા 260થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તે મુદ્દે હવે નવી ચર્ચા શરૂ થઈ છે. હાલ આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો તપાસમાં આ મુદ્દાઓ સાચા સાબિત થાય તો અમદાવાદની આ દુર્ઘટનાને લઈને સમગ્ર તપાસ અને જવાબદારીના મુદ્દા ફરીથી કેન્દ્રસ્થાને આવી શકે છે.

Most Popular

To Top