સુરતઃ સુરત શહેર સ્વચ્છતા, શુદ્ધ હવા અને ઈલેક્ટ્રીક બસ દોડાવવાના મામલે ભલે દેશના અન્ય શહેરો કરતા આગળ હોય પરંતુ દુઃખની વાત એ છે કે શહેરને નંબર 1 બનાવવા માટે જે લોકો મહેનત કરે છે તેમને તેમનું મહેનતાણું પણ મળતું નથી. આ કડવું સત્ય છે. સુરતમાં ઈલેક્ટ્રીક બસ દોડાવનારા ડ્રાઈવરોને છેલ્લાં બે મહિનાથી પગાર મળ્યો નથી, જેના લીધે આજે આ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રીક બસના ડ્રાઇવરો ભેસ્તાન ડેપો પર હડતાલ પર ઉતર્યા છે. ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવર હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી આ ડ્રાઈવરોને પગાર ચૂકવવામાં નથી આવ્યો. જેથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ પર યથાવત રહેવાના પ્રણ સાથે ડ્રાઇવર કામકાજથી અળગા રહ્યા છે. ડ્રાઈવરોની અચાનકની હડતાળના લીધે ઈલેક્ટ્રિક બસના પૈડાં થભી ગયા છે.
બસ ડ્રાઈવરોની હડતાળના લીધે બસમાં મુસાફરી કરતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં અનેક લોકો ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી કરી નોકરી ધંધાર્થે જતા હોય છે. ત્યારે ઈલેક્ટ્રીક બસના ડ્રાઇવરો દ્વારા પાડવામાં આવેલી હડતાલના કારણે શહેરના સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ડ્રાઇવરોએ કહ્યું કે, અમારી પગાર સહિતની માંગણીઓ પેન્ડિંગ છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ જવાથી હડતાલ પર ઉતર્યા છીએ.