આલિશાન મકાન હોય, બધી જાતની સવલતો હોય તેને બંગલો કહેવાય. જ્યારે બંગલી શબ્દ કોઈ ડિક્શનરીમાં વાંચવામાં નહિ આવે. સુરતમાં ઇલેક્ટ્રીક સબ સ્ટેશનને બંગલી કહેવામાં આવે છે. વર્ષો પહેલાં સુરત ઇલેક્ટ્રીસિટી કંપની દ્વારા સુરતની ચાર-પાંચ શેરી દીઠ એક સબ સ્ટેશન બનાવવામાં આવ્યાં હતાં. તેને સુરતીઓ બંગલી તરીકે ઓળખે છે. આ બંગલી આરસીસીની હોય છે. જેમાં મુખ્ય દરવાજો હોય છે પણ તેમાં બારી લગભગ હોતી નથી. આ બંગલીમાં મુખ્ય પાવર સ્ટેશનથી વીજ પુરવઠો આવે છે, જે અલગ અલગ વિસ્તારમાં પાવર પહોંચે છે.
પહેલાંના સમયમાં સુરતમાં અઠવાડિયામાં એક દિવસ વીજ પુરવઠો બંધ રહેતો હતો ત્યારે બંગલીમાંથી પાવર બંધ કરવામાં આવતો હતો. જ્યારે ઇલેક્ટ્રીસિટી કંપનીનો વાયરમેન બંગલીમાં પાવર ચાલુ કરવા આવે અને પાવર ચાલુ કરે ત્યારે શેરીમાં છોકરાઓ એ પાવર આઇવો…પાવર આઇવો..એવા બરાડા પાડતા. બંગલી એક લેન્ડમાર્ક તરીકે પણ ઓળખાય છે. સલાબતપુરામાં જ્યાં સત્તર કોટડી સબ સ્ટેશન છે તે શેરી ‘બંગલીની ગલી’ તરીકે ઓળખાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.