Comments

ઝારખંડમાં ચૂંટણી રસપ્રદ બનશે

ઝારખંડમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે. જમ્મુ કાશ્મીર અને હરિયાણાની તારીખો જાહેર થઇ છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની તારીખો જાહેર થશે પણ ચૂંટણી પહેલાં જ ઝારખંડમાં રસપ્રદ ઘટનાઓ બની રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી તો બની ગયા પણ એમની ધરપકડ થઇ અને એ જેલમાં ગયા ત્યારે ચંપઈ સોરેન મુખ્યમંત્રી બન્યા હતા, બનાવ્યા હતા. હેમંત જેલ બહાર આવ્યા અને ચંપઈ સોરેને ગાદી ખાલી કરવી પડી. એનાથી એ બહુ નારાજ છે. અલબત્ત એ વર્તમાન સરકારમાં મંત્રી છે. પણ એ નારાજ છે અને એમણે પહેલાં ભાજપ સાથે જવાની અને હવે નવો પક્ષ રચવાની વાત કરી હેમંત સોરેન અને જેએમએમને ઝાટકો આપ્યો છે.

ચંપઈ સોરેન આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને એમણે ઝારખંડ મુક્તિ માટે સારી એવી લડત આપી અને એ એમના વિસ્તારમાં ટાઈગર તરીકે ઓળખાય છે. એ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના ટેકેદારો બહુ રાજી થયા હતા. પણ જમીન પ્રકરણમાં જામીન મળ્યા હેમંત બહાર આવ્યા અને એમણે ગાદી છોડવી પડી. એનું દુ:ખ એ ભૂલી શક્યા નથી અને હવે એમણે જેએમએમ સાથે છેડો ફાડવાની વાત કરી છે. દિલ્હી ગયા અને એવું જ મનાતું હતું કે, તેઓ ભાજપ સાથે જશે પણ જેએમએમનાં સુપ્રીમો અને હેમંતના પિતા શિબુ સોરેને એમની સાથે વાત કરી પછી ચંપઈ ઢીલા પડ્યા છે અને ભાજપ સાથે જવાનું માંડી વાળ્યું છે. પણ એમણે નવો પક્ષ રચવાની વાત જરૂર કરી છે.

એવું થયું તો જેએમએમ માટે ફરી સત્તા મેળવવાનું મુશ્કેલ બની શકે છે. જેએમએમની ઘણાને ખબર નહિ હોય પણ આ પક્ષની રચના માર્ક્સવાદી એ. કે. રોયે કરી હતી અને એ પછી જેએમએમનાં અનેક વાર વિભાજન થયાં છે. બીનોલ બિહારી, મહાતો, શિબુ સોરેન સુધી આ પક્ષે સંઘર્ષ કર્યો છે અને આ પક્ષના નેતાઓ સામે અવારનવાર ભ્રષ્ટાચારના ગુનાઓ નોંધાયા છે. શિબુ પર તો અનેક પુસ્તકો પણ લખાયાં છે. બિહારમાંથી ઝારખંડ રચના માટે આ પક્ષે વર્ષો સુધી લડત આપી છે. હેમંત પણ ૧૫૦ દિવસ જેલમાં રહી આવ્યા છે અને અત્યારે જામીન પર છે.

આ રાજ્યમાં આદિવાસી અને એસસીની સંખ્યા ઝાઝેરી છે. આદિવાસી મત ૨૬.૩ ટકા અને એસસી ૧૨ ટકા છે અને એના પર જેએમએમની પક્ડ છે પણ ચંપાઈ સોરેનના અલગ થવાથી આ પક્ષને ફટકો પડ્યો છે. ૨૦૧૯માં જેએમએમ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો અને કોન્ગ્રેસના ટેકાથી સત્તા પર આવ્યો. અગાઉ પણ એ સત્તા પર રહી ચૂક્યો છે. જેએમએમને ૨૬ અને કોંગ્રેસને ૧૭ બેઠકો મળી હતી અને ભાજપને ૨૪ બેઠક. ભાજપને સમસ્યા એ છે કે, જેએમએમ જેવા એમની પાસે કોઈ આદિવાસી નેતા નથી અને એટલે ચંપઈ સોરેન પર તેમની નજર છે.

એ માની જાય અથવા તો અલગ પક્ષ રચી અને ચૂંટણી લડે તો જેએમએમ અને કોંગ્રેસને નુક્સાન થાય તો ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો થઇ શકે. લોકસભાની ચૂંટણી થઇ એમાં પણ જેએમએમ અને કોંગ્રેસે મળીને પાંચ બેઠકો જીતી હતી. ભાજપની સીટ ઘટીને ૯ થઇ. એટલે ભાજપને ડર છે કે, ધારાસભામાં વધુ નુકસાન થઇ શકે છે. વળી, હેમંત સોરેન પર કેસ, જેલમાં જવું અને બહાર આવવું એ મુદ્દો જેએમએમ ઉઠાવશે અને એનો ફાયદો લેશે. હવે આવતા થોડા દિવસોમાં આ આદિવાસી રાજ્યમાં કેટલીક રસપ્રદ રાજકીય ઘટના બને એવી પૂરી શક્યતા છે.

જમ્મુ–કાશ્મીર ભાજપ કબજે કરી શકશે? 
જમ્મુ કાશ્મીરમાં આખરે ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. ત્રણ તબક્કામાં ચૂંટણી થશે અને આ ચૂંટણી એટલે રસપ્રદ બનવાની છે કારણ કે, કલમ ૩૭૦ દૂર કરાયા બાદ આ પહેલી ચૂંટણી છે. મહેબુબા મુફ્તી અને અબ્દુલ્લાહની પાર્ટીઓ તો છે જ પણ ભાજપ કેવો દેખાવ કરે છે એના પર બધાની નજર રહેવાની છે. એક રીતે ભાજપ માટે આ ચૂંટણી ટેસ્ટ બનવાની છે. ક. ૩૭૦ના મુદ્દે ચુકાદો પણ ગણાશે અને એટલે જ અહીં ચૂંટણીસુકાન કાશ્મીરના જાણકાર રામ માધવને અપાયું છે. પણ પીડીપી અને એનસી અહીં ઢીલા પડ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પણ બંને પક્ષને ફટકો પડ્યો. આ ઉપરાંત લોન અને આઝાદની પાર્ટી પણ આ ચૂંટણીમાં હશે. ભાજપ એકલા હાથે ચૂંટણી લડે છે કે કેમ? એ પણ મહત્ત્વનું છે અને કોંગ્રેસ, એનસી -પીડીપી સાથે આવી શકે છે કે કેમ? એય જોવાનું છે.

લોકસભાની કાશ્મીરની ત્રણ બેઠકો પર ભાજપે લડવાની હિંમત દેખાડી નહોતી. ભાજપને અંદરખાને ડર હતો કે, ક.૩૭૦ મુદ્દે કાશ્મીરની પ્રજા ભાજપ સામે વોટ કરશે. હવે ધારાસભાની ચૂંટણીમાં ભાજપ મેદાનમાં છે. પણ કેટલીક ઘટનાઓ ભાજપને કાંડે એવી બની છે. કલમ ૩૭૦ દૂર થયા બાદ આતંકી હુમલાનું પ્રમાણ ઘટ્યું હતું. પણ જમ્મુમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ દર્શાવે છે કે, આતંકવાદ નાબૂદ થઈ શક્યો નથી અને આ સમસ્યા હજુ ય ગંભીર છે. વિપક્ષી નેતાઓ ને અલગતાવાદીઓને માત્ર નજરકેદ કરવાથી આ સમસ્યાનો અંત આવવાનો નથી. કાશ્મીરમાં વિકાસ થાય તો જ આતંકવાદ નબળો પડશે. કારણ કે, કાશ્મીરી યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે અને આ રાજ્યમાં વિકાસ થાય અને એનાં ફળ યુવાનો સુધી પહોંચે એ જરૂરી છે.

એક સારી વાત એ બની છે કે, રાજ્યમાં પ્રવાસન ફરી તેજીમાં છે અને ફિલ્મોના શૂટિંગ પણ થવા લાગ્યાં છે. હવે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થાય, માળખાકીય સુવિધાઓ વધે એ આવશ્યક છે. આ સ્થિતિમાં ભાજપ માટે સત્તા મેળવવાનો પડકાર મોટો છે અને એ પડકાર ભાજપ પાર કરી ગયો તો ભાજપ માટે આ એક સિદ્ધિ જણાશે. પીડીપી સાથે સત્તાની ભાગીદારી કરી ભાજપ પસ્તાયો હતો અને એની આબરુને પણ નુકસાન થયું હતું પણ એ પછી ઘણું બધું બદલાયું છે અને હા, અહીં માત્ર નરેન્દ્ર મોદીની ઈમેજ પર જ ભાજપ ચૂંટણી જીતી શકવાનો નથી એ ભાજપે યાદ રાખવું પડશે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top