Comments

ચૂંટણી સમયસર જ થવાના વાવડ છે કે વહેલી!

ગુજરાતમાં ગરમીના પારા સાથે રાજકીય પારો પણ ઊંચો ચડતો જાય છે. રાજકીય નેતાઓના રોડ શો લોકશાહીને રોડ પર લાવી દે છે અને મૂલ્યોને સ્થાને માર્કેટીંગની વાહ વાહ શરૂ થઇ છે. પણ લોકશાહી એ બજાર નથી! ગુજરાતમાં ખાલી પડેલી ઊંઝા વિધાનસભાની ચૂંટણી અંગે હજુ જાહેરાત નથી. સાદી સમજણ મુજબ વિધાનસભાની ખાલી પડેલી બેઠક છ માસમાં ભરવાની હોય છે અને હવે ઊંઝા વિધાનસભાને ખાલી પડયાને છ મહિના થવાના છે! વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ પાછી ઠેલાઇ છે અને પોલીસ ખાતામાં બદલીઓનો દોર ચાલ્યો છે. આ મુદ્દાને આગળ કરીને ઘણા ગોળા ગબડાવે છે કે ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાને બદલે ચાર મહિના વહેલી જૂનમાં યોજાઇ શકે છે!

જાડું ગણિત તો ઉપર મુજબનો તર્ક માનવા પ્રેરે છે. પણ, બીજા પણ કેટલાક મુદ્દા છે જે વિચારવા જરૂરી છે. જેમકે મજબૂત પ્રતિસ્પર્ધા વગરના ગુજરાતના રાજકારણમાં સત્તાધારી ભાજપ ચાર-પાંચ મહિના પહેલાં સત્તા શા માટે છોડે? વળી જૂનમાં ચૂંટણી યોજવા માટે મે પહેલાં આ સરકારે સત્તા છોડવી પડે! હવે આ ગરમીમાં ગામડામાં પાણીનો પોકાર હોય, ખેડૂતોને પાણીના પ્રશ્નો હોય ત્યારે ભડકે બળતા પેટ્રોલના ભાવ સાથે ચૂંટણી યોજવી જોખમી બને! જો ચૂંટણી જૂનમાં ન થઇ શકે તો જુલાઇ-ઓગષ્ટના વરસાદના મહિનામાં તે યોજાય જ નહીં અને ગુજરાતમાં તહેવારોનો માહોલ પૂરો થવામાં નવેમ્બર આવે. કુદરતી રીતે જ ડિસેમ્બર એ ઠંડીનો શ્રેષ્ઠ સમય છે. રાજકીય વાતાવરણ બનાવવામાં માહેર ભાજપા સરકાર અત્યારથી ચૂંટણી એકશનમાં છે તે તેની રાજકીય ખૂબી છે! સદંતર જીત નકકી હોય તો પણ તમામ મોરચે લડવું તે તેની વ્યૂહરચનાનો એક ભાગ જ છે!

૧ લી મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવી અને પછી ચૂંટણી માટે તૈયારી કરવી તેવી વ્યૂહરચના પણ ગોઠવાઇ શકે છે. તર્ક કરવા હોય તો કાંઇ પણ થઇ શકે. પરંતુ હાલ રાજય વિધાનસભાની ચૂંટણી યોજવી કોઇ પણ રીતે હિતાવહ નથી. પત્રકારો અને રાજનીતિના તર્ક કરનારાઓ ત્રિરાશી ભલે મૂકે કે કોંગ્રેસને તૈયારીનો મોકો ન મળે, આમ આદમી પાર્ટી વધુ પગ ના પ્રસારે…. અને ભાજપ ચાર રાજયોમાં ચૂંટણી જીત્યું છે તેનો કાર્યકર્તામાં ઉત્સાહ છે જ તો ભાજપ વહેલી ચૂંટણીની વ્યૂહરચના ગોઠવે! પણ ના! લાંબા ગાળાનું ગણિત આમાં બેસતું નથી! અને પ્રજાપક્ષ વિચારીએ તો ગુજરાતમાં હવે ઓગષ્ટના વરસાદ સુધી ભારે ગરમી રહેશે. જે મતદાન પર પણ અસર કરે અને ચૂંટણી પ્રચાર પર પણ. વળી રશિયા-યુક્રેન યુદ્ધ કયારે દિશા બદલશે તે કહેવાય નહીં! ભારતના પાડોશી દેશોની અસ્થિરતા હસી નાખવા જેવી નથી! શ્રીલંકામાંથી અનેક લોકો ભારતમાં આશરો લેવા ધસી શકે છે અને પાકિસ્તાનમાં જો વધારે કટ્ટરવાદી લોકો શાસનમાં આવે છે તો ત્યાં પણ સ્થિતિ સાવચેતીભરી બનશે! જો સરકાર માત્ર ચૂંટણી અને જીતની રાજનીતિમાં જ રચીપચી રહેશે તો પ્રજાના પ્રશ્નો અને આ.રા. પ્રશ્નો નજરઅંદાજ થશે! વિપક્ષને ઊંઘતો ઝડપવાના બીજા ઘણા મોકા છે. વળી ઘણા પક્ષો તો ચૂંટણીના ઢોલ વાગ્યા પછી પણ પૂરા જાગતા નથી! આમ, રાજનીતિના લાભથી ઉપર ઊઠીને વિચારીએ તો નવેમ્બર – ડિસેમ્બર પહેલાં ચૂંટણી યોજવી હિતાવહ નથી. હા, ચૂંટણીલક્ષી માહોલ સર્જાય, રસાકસી થાય, દાવપેચ થાય, યોજનાઓ અમલી બને, ભરતીમેળા થાય, થોડાં પ્રજાકીય કામો થાય અને ચૂંટણીના વર્ષનો અનુભવ થાય એનો વાંધો નથી! બાકી જો મે-જૂનમાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે તો તે પ્રજાની સાથે નેતાઓને પરસેવો પડાવશે! 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top