સુરત: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે, તેમ છતાં સુરત શહેરમાં ચૂંટણી થશે. આ સવાલ સુરત શહેર-જિલ્લાના મતદારોને મૂંઝવી રહ્યો છે. આ સવાલનો જવાબ આજે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘીએ આપ્યો છે.
સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા થયા છે. તેથી સુરત લોકસભા બેઠક પર ચૂંટણી નહીં થાય. 7મીએ સુરત લોકસભા બેઠક વિસ્તારના મતદારોએ મતદાન કરવાનું રહેશે નહીં, પરંતુ સુરત શહેર-જિલ્લામાં સુરત લોકસભા બેઠક ઉપરાંત અન્ય લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અનેક વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં ચૂંટણી થશે તેથી તે વિસ્તારના મતદારોએ મતદાન કરવાનું રહેશે.
ડો. પારઘીએ કહ્યું કે સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા બેઠકોમાં સુરત, બારડોલી અને નવસારી લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. નવસારી સંસદીય બેઠક હેઠળની 25-લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી તેમજ બારડોલી હેઠળની 23-માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બેઠકો પર 7મીએ સવારે 7 થી 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
ક્યાં ચૂંટણી થશે અને ક્યાં નહીં થાય?
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 24- સુરત સંસદીય મતવિસ્તારની બેઠક બિનહરીફ થઈ છે. જેથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે મતદાન થવાનું નથી. પરંતુ સુરત સંસદીય ક્ષેત્રની ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકો પર જ મતદાન થશે નહીં. તે સિવાયની એટલે કે માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકો બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો નવસારી લોકસભા હેઠળ લિંબાયત, ઉધના, લબોરા અને ચોર્યાસી મતવિસ્તાર આવે છે. આ તમામ વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે.
ચૂંટણી માટે કેવી તૈયારીઓ કરાઈ છે?
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નવ એસેમ્બલી માટે 2882 મતદાન મથકો પર EVM અને VVPAT મશીનો ફાળવવામાં આવ્યા છે અને BU માટે 716 રિઝર્વ મશીનો અને VVPAT માટે 1003 રિઝર્વ મશીનો AROsને ફાળવવામાં આવ્યા છે. જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર, મદદનીશ પ્રિન્સિપાલ ઓફિસર, પોલિંગ ઓફિસર, પટવાલા સહિત કુલ 110 ટકા 15251 ચૂંટણી કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આચારસંહિતાના અમલ માટે MCC, SSTની પણ નિમણૂક કરવામાં આવી છે. 1145 વાહનો સહિતની ટીમો ગોઠવવામાં આવી છે.
ભારે ગરમીના લીધે મતદાન મથકો પર પાણી, પંખાની વ્યવસ્થા કરાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં સુરત જિલ્લામાં જ્યાં મતદાન થવાનું છે તે નવ (9) વિધાનસભા મતવિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું હતું કે મતદાન મથકો પર પાણી, પંખા, વ્હીલચેર, વરંડા, શેડ સહિતની અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે.જે.રાઠોડ અને આર.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.