National

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ભાજપ સમર્થકોની પોલીસ સાથે અથડામણ, ટીયર ગેસ છોડાયો

બસીરહાટ: પશ્ચિમ બંગાળમાં શનિવારે સાતમા તબક્કાના મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ નોંધાઈ છે. બસીરહાટ લોકસભા અંતર્ગત સંદેશખાલી વિસ્તારમાં પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર રેખા પાત્રા વિસ્તાર છોડીને ધમાખાલીમાં રોડ પર આવી ગયા હતા. ભાજપના મહિલા સમર્થકોનો આરોપ છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. જવાબમાં ભાજપને સમર્થન આપતા ગ્રામજનોએ ઇંટો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો.

હિંસા વચ્ચે બંગાળમાં મતદાન ચાલુ રહ્યું હતું. પશ્ચિમ બંગાળના બસીરહાટમાં બપોર સુધીમાં સૌથી વધુ 57 ટકા મતદાન નોંધાયું હતું. કોલકાતા ઉત્તર સીટ પર 45 ટકા, કોલકાતા દક્ષિણમાં 46 ટકા જ્યારે ડાયમંડ હાર્બરમાં 53 ટકા મતદાન થયું હતું. અહીંથી મમતા બેનર્જીનો ભત્રીજો અભિષેક બેનર્જી હેટ્રિક કરવાના પ્રયાસ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 8 રાજ્યોની 57 બેઠકો પર જ્યાં મતદાન થઈ રહ્યું છે તેમાંથી પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જ્યાં મતદાન થઈ રહ્યું છે તે તમામ સીટો પર ટીએમસીનો કબજો છે. બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ચૂંટણી દરમિયાન સતત હિંસા થઈ રહી છે. કેટલીક જગ્યાએ બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી અને કેટલીક જગ્યાએ તોફાનીઓએ ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા. જાદવપુરમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, સંદેશખાલીમાં ભાજપના સમર્થક પર હુમલો થયો હતો અને જયનગરમાં ભાજપ અને ટીએમસીના સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા. કુલતાઈમાં ઈવીએમ મશીન જ તળાવમાં ફેંકાઈ ગયું હતું.

Most Popular

To Top