surat : સુરત મહાપાલિકા ( surat munciple corporation) ની ચૂંટણી ( election) માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. આજે સુરત મનપા માટે બે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતાં. જેમાં એક અપક્ષ તેમજ એક આપ પાર્ટીના ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં હતાં. આજે વધુ 368 ફોર્મનું વિતરણ થતાં અત્યાર સુધીમાં કુલ 1719 ફોર્મ ઉમેદવારી કરવા માટે ઈચ્છુકો લઈ ગયા છે.
સુરત મહાપાલિકા માટે ચૂંટણી પ્રક્રિયા ગત તા.1લી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. જોકે, મુખ્ય પક્ષો પૈકી ભાજપે પોતાના ઉમેદવારોના નામો જાહેર કર્યા નથી. જ્યારે કોંગ્રેસે કેટલાક ઉમેદવારો જ જાહેર કર્યાં છે. બે મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા નહીં હોવાથી હજુ સુધી મોટાપાયે ઉમેદવારીપત્રો ભરાયા નથી. અલબત્ત તા.1લી ફેબ્રુઆરીથી ઉમેદવારી કરવા માટે ઈચ્છુકો દ્વારા ફોર્મ લઈ જવાનું ચાલુ જ છે. કલેકટર તંત્રમાં આજે વધુ 368 ફોર્મ દાવેદારો લઈ ગયા હતાં. જેને પગલે કુલ 1719 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. જ્યારે તેની સામે આજે બે ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં હતાં. જેને પગલે ઉમેદવારીપત્રો ભરવાનું ખાતું ખુલ્યું છે.
જે બે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામાં આવી તેમાં વોર્ડ નં.17માંથી અપક્ષ તરીકે આશિષ કિશોર મોરડીયાએ ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ વોર્ડ નં.3માંથી આપ પાર્ટીમાંથી ધર્મેશ જયંતિ ભંડેરીએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. સંભવત: આવતીકાલે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. ભાજપ સાથે કોંગ્રેસ દ્વારા પણ પોતાના બાકીના ઉમેદવારોના નામો જાહેર થાય તેવી સંભાવના છે. જેને પગલે આગામી બે દિવસ ઉમેદવારી કરનારાઓનો રાફડો ફાટશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યાં હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવીને ઉભી રહી છે. ગુજરાતમાં આગામી 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એકસાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જેની જાહેરાત કરાઈ છે. તો ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 1 માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.ગુજરાત રાજ્યસભાની બંને બેઠકોની એકસાથે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, ત્યારે 1 માર્ચે મતદાન કરાશે. 11 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામા આવશે. ચૂંટણી બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.