Dakshin Gujarat

નવસારી લોકસભા બેઠક પર 7.73 લાખની વિક્રમી લીડ સાથે સી.આર. પાટીલની ચોથી વખત જીત

નવસારી: (Navsari) નવસારી લોકસભાની મતગણતરી આકરા તાપમાં પણ ભાજપ (BJP) માટે આનંદ આપનારી બની રહી છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપના સીઆર પાટીલે 7.73 લાખની લીડ મેળવી સતત ચોથીવાર જીતની હેટ્રીક મારતા ભાજપી આગેવાનો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે રાજકોટ અગ્નિકાંડની ઘટનાને કારણે નવસારી લોકસભા મતવિસ્તારના ભાજપી કાર્યકર્તાઓ અને આગેવાનો સી.આર. પાટીલની વિક્રમી જીતની ઉજવણી કરી ન હતી.

નવસારી લોકસભા બેઠકની મતગણતરીનો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ભુતસાડ ગામે આવેલી મહાત્મા ગાંધી એન્જિનિયરીંગ કોલેજ ખાતે મંગળવારે સવારે 8 વાગ્યાથી પ્રારંભ થયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી લડાઇમાં પ્રારંભથી જ ભાજપના સી.આર. પાટીલ આગળ રહ્યા હતા. જોકે ચૂંટણી પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈ હાર માની ચુક્યા હતા. જેથી ભાજપના સી.આર. પાટીલે તેમની ગત ટર્મની 6.89 લાખ મતોની લીડના રેકોર્ડને જ તોડી ચુક્યા હતા. સી.આર. પાટીલ સતત ચોથી વખત નવસારી લોકસભા બેઠકના સાંસદ બન્યા છે. ત્યારે હરેક વખતે સી.આર. પાટીલે વધુમાં વધુ મત મેળવી જંગી લીડથી વિરોધ પક્ષને હરાવ્યા છે. ત્યારે આ વખતે પણ સી.આર. પાટીલે મેળવેલી લીડ ઐતિહાસિક બની છે. જે લીડને તોડવી એમના માટે મુશ્કિલ જ નહી, પણ નામુમકીન જણાયુ હતુ.
મત ગણતરીના તમામ રાઉન્ડ પૂર્ણ થતા સી.આર. પાટીલને 10,31,065 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નૈષેધ દેસાઈને 2,57,514 મતો મળ્યા હતા. જેથી સી.આર. પાટીલે 7.73 લાખની લીડથી રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. બીજી તરફ ભાજપને ખોબલે ખોબલે મળેલા મતોને કારણે ભાજપીઓમા અનેરો ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી હતી. પરંતુ ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ રાજકોટ શહેરમાં ગેમઝોન આગ લાગવાની ઘટનાને કારણે નવસારી લોકસભા મતવિસ્તારના ભાજપી આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો સહિતના લોકોએ સી.આર. પાટીલની ઐતિહાસિક જીતની ઉજવણી કરી ન હતી.

નવસારી લોકસભામાં 20,462 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો
નવસારી : નવસારી લોકસભા બેઠક ઉપર 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે ગત 7મી મેના રોજ નવસારી લોકસભામાં નોંધાયેલા 22.23 લાખ મતદારોમાંથી માત્ર 13.26 લાખથી વધુ મતદારોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કરતા 59.66 ટકા મતદાન નોંધાયું હતુ. જેમાં ચૂંટણી પંચ દ્વારા કોઇપણ ઉમેદવાર પસંદ ન હોય તો મતદાર નોટાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઇવીએમમાં ગોઠવી હતી. જેનો નવસારી લોકસભા બેઠક ઉપર 20,462 મતદારોએ લાભ લીધો હતો. તેમજ ભાજપ અને કોંગ્રેસ સહિતના 14 ઉમેદવારોને નાપસંદ કરી પોતાના મતાધિકારનો ઉપયોગ નોટા દ્વારા કર્યો હતો.

સમગ્ર ગુજરાતમાં સી.આર. પાટીલે વધુ માર્જીનથી ચૂંટણી જીતી, અમિત શાહ બીજા નંબરે રહ્યા
નવસારી : ગુજરાતમાં 26 લોકસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલે 7.73 લાખની લીડ મેળવી સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્જિનથી વિરોધ પક્ષને હરાવ્યા હતા. જ્યારે બીજા નંબરે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ રહ્યા હતા.

25-નવસારી લોકસભા સામાન્ય ચૂંટણીનું પરિણામ
નવસારી : 25-નવસારી લોકસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણીના જંગમાં 14 ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતુ. જેનું પરિણામ જાહેર થયુ છે.

  • ક્રમ ઉમેદવારનું નામ પક્ષ મળેલ મત
  • 1 સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટી 10,31,065
  • 2 નૈષેધ દેસાઈ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ 2,57,514
  • 3 મલખાન વર્મા બહુજન સમાજ પાર્ટી 8,133
  • 4 ડો. કનુભાઈ ખડદિયા સોશ્યાલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનીસ્ટ) 1,485
  • 5 કાદિર મેહમુદ સૈયદ સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા 2,538
  • 6 મોહમ્મદ હનીફ શાહ ગરીબ કલ્યાણ પક્ષ 1,097
  • 7 રમઝાન મન્સૂરી લોક પાર્ટી 2,653
  • 8 સુમનબેન કુશવાહા (હંસિકા રાજપૂત) સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી 1,426
  • 9 કાઝી અયાઝ હસનુદ્દીન અપક્ષ 783
  • 10 ચંદનસિંઘ ઠાકુર અપક્ષ 1,087
  • 11 એડવોકેટ નવીનભાઈ પટેલ અપક્ષ 1,095
  • 12 શેખ મોહમ્મદ નિસાર અપક્ષ 1,483
  • 13 રાજુ વરદે અપક્ષ 3,184
  • 14 કિરીટ સુરતી અપક્ષ 4,211
  • વિધાનસભા મુજબ મળેલા મતો
  • વિધાનસભા સી.આર. પાટીલ નૈષેધ દેસાઈ
  • લિંબાયત 1,07,977 57,237
  • ઉધના 1,04,408 28,871
  • મજુરા 1,33,906 16,084
  • ચોર્યાસી 2,68,373 46,442
  • જલાલપોર 1,24,213 27,378
  • નવસારી 1,25,339 34,818
  • ગણદેવી 1,59,150 43,737

Most Popular

To Top