Gujarat

સુપ્રિમકોર્ટના ચુકાદાને આવકાર પરંતુ સરકાર ભરતી કરતી નથી : કોગ્રેસ

અમદાવાદ : કેન્દ્ર સરકારમાં લગભગ 70 લાખ કરતાં વધુ નોકરીઓ (Job) ખાલી છે. એક તરફ કેન્દ્ર સરકાર દરેક વિભાગો ડિપાર્ટમેન્ટનું ખાનગીકરણ કરી માનીતા ઉધોગપતિઓને આપી રહ્યા છે. તો પછી આરક્ષણનો લાભ કેવી રીતે મળશે તેવો ગંભીર પ્રશ્ન કોંગ્રેસે (Congress) ઉઠાવ્યો છે. 10 ટકા આર્થિક રીતે અનામત અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આવકાર કરતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ પક્ષ હંમેશાથી ગરીબોને, દલિતોને, શોષીતોને, વંચિતોને, આર્થિક – સામાજિક પછાત વર્ગને મુખ્ય ધારામાં આગળ કઈ રીતે લાવી શકાય તેના માટે સ્વતંત્રતાથી લઈને આજસુધી કાર્ય કરી રહ્યો છે. ભલે તે સંવિધાનની રૂપરેખા હોય અથવા અમારી દરેક સરકારોની નીતિઓ રહેલી હોય. આજે જે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તેને કોઈપણ પ્રકારનો વિલંબ વિના અને કોઈપણ પ્રશ્ન ચિન્હ વિના સ્વાગત કરીએ છીએ. સ્વાગત યોગ્ય નિર્ણય છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર છે આ નિર્ણયનો ફાયદો જનતાને કઈ રીતે મળશે કારણ કે, લગભગ ૭૦ લાખ કરતા વધુ નોકરીઓ કેન્દ્ર સરકારમાં પદ વિનાની રહેલી છે. તેને જો ભરવામાં આવે તો જ ૧૦ ટકા લાભ જનતાને મળશે.

મોદી સરકાર જવાબ આપે કે આરક્ષણનો ફાયદો જનતાને કેવી રીતે મળશે ? આપ દરેક વિભાગ અને ડીપાર્ટમેન્ટને ખાનગીકરણ તરફ લઈ જઈ રહ્યાં છો. સરકારી સંસ્થાઓને વેચી રહ્યાં છો. એર ઈન્ડિયાને વેચી નાંખી, તમામ રેલવે અને લશ્કરની જમીનોને વેચી રહ્યાં છે. તમામ વિભાગોને તમે તમારા માનિતા ઉદ્યોગપતિઓને આપી રહ્યાં છો તો આરક્ષણનો ફાયદો કઈ રીતે મળશે. સુપ્રિમકોર્ટે તો સ્વાગત યોગ્ય નિર્ણય લીધો છે પરંતુ ભાજપ આ બાબતે શું ચિંતન કરશે ? ચાર-પાંચ મહિના પહેલા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવેલ હતી કે, ૮ જુન ૨૦૨૩ સુધીમાં ૧૦ લાખ નોકરીઓ આપવામાં આવશે, આ ૧૦ લાખ નોકરીઓમાંથી કેટલા રોજગાર આપવામાં આવ્યાં તે ભાજપ સરકાર બતાવે ? આજે ગુજરાતમાં અને દેશમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા ભરતી કરવામાં આવે છે તેમાં પણ કોઈપણ પ્રકારની અનામતનો લાભ મળતો નથી. ભાજપ શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે અને નોકરીઓ પણ આપી રહી નથી.

Most Popular

To Top