રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરુવારે યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ (Election) અંતર્ગત મતદાનના દિવસે જિલ્લાના નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન (Voting) થાય એ માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો અને તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થાઓ સાથે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બન્યું છે.
- સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો અને તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થાઓ સાથે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બન્યું
- કુલ ૩૧૨૦ જેટલો પોલિંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત રહેશે
નર્મદા જિલ્લામાં મતદાનના દિવસે ૬૨૪ જેટલા મતદાન કેન્દ્ર ખાતે સવારે ૮થી સાંજના ૫ સુધી મતદાન યોજાશે, જેમાં ૬૨૪-પ્રિસાઇડિંગ ઓફિસર, ૬૨૪ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ૬૨૪ પુરુષ પોલિંગ ઓફિસર, ૬૨૪ મહિલા પોલિંગ ઓફિસર અને ૬૨૪ પટાવાળા કર્મચારીઓ સહિત કુલ ૩૧૨૦ જેટલો પોલિંગ સ્ટાફ ફરજ ઉપર તૈનાત રહેશે. જ્યારે ૫૪-પ્રિસાઇડીંગ ઓફિસર, ૫૪-આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ૫૪- પુરુષ પોલિંગ ઓફિસર, ૫૪-મહિલા પોલિંગ ઓફિસર અને ૫૪-પટાવાળા/કર્મચારી સહિત ૨૭૦ જેટલો પોલિંગ સ્ટાફ અનામત રાખવાની સાથે કુલ ૩૩૯૦ જેટલા પોલિંગ સ્ટાફને ફરજ ઉપર તૈનાત કરાશે.
જિલ્લાનાં ૩૧૨ ક્રિટિકલ મતદાન મથકો ખાતે ખાસ વેબકાસ્ટિંગ કેમેરા ગોઠવીને તેની તમામ ગતિવિધિઓ-હિલચાલના જીવંત પ્રસારણની વ્યવસ્થા ગોઠવાઇ છે. નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર બેઠકની ચૂંટણી સ્પર્ધાના કુલ ૦૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં નર્મદા જિલ્લાના સેવા મતદાર અને થર્ડ જેન્ડર મતદારો સહિત કુલ ૪,૫૭,૮૮૦ જેટલા મતદારો મતદાનમાં ભાગ લઇ નાંદોદ વિધાનસભા મત વસ્તારના કુલ ૫ અને ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના કુલ ૪ સહિત ચૂંટણી સ્પર્ધાના કુલ ૯ ઉમેદવારનાં ભાવિ નક્કી કરવા માટેના મતદાનમાં ભાગ લઇ તેમની ભાગીદારી નોંધાવશે.