SURAT

પાંચ જ વર્ષમાં હર્ષ સંઘવીની પત્નીની મિલકતમાં અધધ વઘારો, લાખોમાંથી આંકડો કરોડો પર પહોંચ્યો

સુરત: ગુજરાત (Gujarat) સરકારમાં સૌથી નાની વયે ગૃહ રાજ્યમંત્રી બનેલા સુરત (Surat) મજૂરાના સીટિંગ એમ.એલ.એ. (MLA) અને હાલના ઉમેદવાર હર્ષ સંઘવીએ ઉમેદવારીપત્રની સાથે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે કુલ સંપતિની કિંમત અંદાજે 16 કરોડની થવા જાય છે. હર્ષ સંઘવીની શૈક્ષણિક લાયકાત ફક્ત 9 ચોપડી પાસ છે. હર્ષ સંઘવીએ કુલ 2.21 કરોડ રૂપિયાની લોન લીધી હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કર્યો છે. હર્ષ સંઘવીની 2012માં પોતાના નામે 1.22 કરોડની મિલકત અને પત્નીના નામે 9 લાખની મિલકત હતી. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ હર્ષ સંઘવીની મિલકતમાં બમ્પર ઉછાળો આવ્યો હતો. જેમાં તેમના નામે હાલ 5.49 કરોડ અને પત્નીના નામે 11.63 કરોડની મિલકત છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ગૃહમંત્રી (પત્ની) પાસે 10.91 કરોડના તો શેર જ છે. અને 3 કરોડનો તો ફ્લેટ જ છે.

અલ્પેશ કથીરિયા સામે 13 પોલીસ કેસ અને ફક્ત 11 લાખની સંપતિ ધરાવે છે
સમગ્ર ગુજરાતમાં આપ પાર્ટીની સૌથી વધુ ફેવરીટ સીટ ગણાતી સુરતના વરાછા રોડ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ કથીરિયાએ પોતાના ઉમેદવારીપત્રકની સાથે રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યુ છે કે તેઓ ફક્ત 11 લાખ 14 હજાર 216 રૂપિયાની સંપતિ ધરાવે છે. જે સુરતના તમામ ઉમેદવારોમાં સૌથી ઓછી છે. અલ્પેશ કથીરિયા સામે પાટીદાર આંદોલન અને એ પછી થયેલા તમામ પોલીસ કેસોનો કુલ સરવાળો 13નો છે. તેમણે પોતાની સામે 13 પોલીસ કેસો પેન્ડિંગ હોવાનો નિર્દેશ એફિડેવિટમાં કર્યો છે. અલ્પેશ કથીરિયા બી.કોમ. એલએલ.બી.ની ડિગ્રી ધરાવે છે.

ચોર્યાસીના ઉમેદવાર સંદીપ દેસાઇ 9 કરોડની સંપતિ ધરાવે છે
સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઇએ પોતાની સંપતિ અંગે કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે એકેય પોલીસ કેસ નથી કે તેમના માથે એક પણ રૂપિયાનું દેવું નથી. સંદીપ દેસાઇ પાસે તમામ સંપતિ, સાધનો મળીને કુલ રૂ.9.31 કરોડની સંપતિ છે. શૈક્ષણિક લાયકાતમાં સંદીપ દેસાઇએ એફ.વાય.બી.એ. સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે.તેઓ જિલ્લા ભાજપા પ્રમુખ સહિત સંગઠનમાં પકડ ધરાવે છે. તેઓ સહકારી ક્ષેત્રે પણ યુવા નેતા તરીકે ઉભરી ચૂકયા છે.

ધાર્મિક માલવિયાની સંપતિ ફક્ત 10.65 લાખ
આમ આદમી પાર્ટીના ઓલપાડ બેઠકના ઉમેદવાર ધાર્મિક માલવિયાએ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે સંપતિના નામે તેમની પાસે તમામ સાધનો, સ્ત્રોત મળીને ફક્ત રૂ.10.65 લાખ રૂપિયા છે. તેમની સામે 7 પોલીસ કેસો પેન્ડીંગ છે આ તમામ કેસો પાટીદાર આંદોલન કે એ પછીના સમયમાં થયેલા છે.

Most Popular

To Top