ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપના (BJP) ઉમેદવારોના સમર્થનમાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવાતી પ્રવાસ સાથે પાલનપુર, મોડાસા, દહેગામ અને અમદાવાદ જિલ્લામાં બાવળા ખાતે ચાર સભાઓને સંબોધન કર્યુ હતું. પાલનપુરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ અવસર ચૂંટણીનો છે પરંતુ હું આપની પાસે આશિર્વાદ લેવા આવ્યો છું, કેમ કે વોટ તો તમે આપવાના જ છો. બનાસકાંઠાના લોકોએ જિલ્લાની તમામ બેઠકો પર કમળ ખીલાવવાનું મન બનાવી લીધું છે. બનાસકાંઠાના લોકોએ હવે મન બનાવી લીધું છે કે આપણે કોંગ્રેસના રમકડા બનીને રાજયોના લાભો ગુમાવી દઇએ છીએ એટલે આ વખતે ભુલ નથી કરવી તે નક્કી કર્યુ છે. મારી પાસે ખબર આવી છે પણ 8મીએ ખબર પડશે. આ ચૂંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે તે નક્કી કરશે. આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી છે.
મોડાસામાં પીએમ મોદીએ જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, આ ચૂંટણી આપણા ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટેની છે. આ ચૂંટણી ગુજરાતના આગામી 25 વર્ષના નિર્ણય કરવા માટેની છે. મને ખબર છે કે મારુંગુજરાત ભાજપને ચૂંટણી જીતાડવાના છે પરંતુ હુંતમારા આશિર્વાદ લેવા આવ્યો છું. આ આશિર્વાદ દેશની સેવા કરવા ઉર્જા આપે છે. આ વખતે ઉત્તર ગુજરાત નવા મિજાજમાં છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં 100 ટકા કમળ ખીલવાનું છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને હંમેશા પછાત જ રાખ્યું છે. પરંતુ અમે નક્કી કર્યુ છે કે ગુજરાત અને દેશનું ભલુ અમારે કરવું છે. અરવલ્લી, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમળ ખીલાવવા જુવાનિયાઓ, માતા-બહેનો મેદાને ઉતર્યા છે તે અમારા માટે ગર્વની વાત છે. ભાજપ પર જનતાના આશિર્વાદ છે તેનું કારણ એક જ છે કે વર્ષો સુધી અમારા કામને જોયા છે અને આજના 20 થી 25 વર્ષના જુવાનિયાઓએ અમને જ જોયા છે.
દહેગામમાં પીએમ મોદીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પહેલાનો એક સમય હતો કે ચૂંટણીમાં ભ્રષ્ટાચારની વાતો થાય, જાતિવાદની વાતો થાય, પરિવારવાદની વાતો થાય , રસ્તા-વિજળી-પાણી-આરોગ્યના મુદ્દાની વાતો થાય પરંતુ ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં જે સર્વાંગી વિકાસ કર્યો છે તેના કારણે ગુજરાત આવા સંકટોમાંથી બહાર નિકળી ગયું છે. 20 થી 25 વર્ષ પહેલા ગુજરાતમાં મૂળભૂત સુવિધાના વિકાસ માટે કામ કર્યુ આજે દેશમાં એક અગ્રણી રાજય તરીકે નામના મેળવી છે. ટેન્કરના બદલે ગુજરાતમાં ઘરે ઘરે નળથી પહોચાડવામાં આવ્યુ છે. આજે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ, સુજ્જલામ સુફલામ, ચેકડેમ, ખેતતલાવડી,અમૃત સરોવરનું કામ કરવામાં આવ્યું છે. ગુજરાતના લોકો સ્પીડ,સ્કેલ નો ઉપયોગ કરે છે. દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંઘીનગરમાં ભુપેન્દ્ર હોય અને ડબલ એન્જિન લાગ્યા હોય ત્યારે ગુજરાત વિકાસમાં આગળ જ આવે. કોંગ્રેસના લોકો આ ચૂંટણીમાં આવશે અને કહેશે કે નરેન્દ્રભાઇ તો આવા છે… તેવા છે… પણ કોંગ્રેસને ગતાગમ જ નથી કે ગુજરાતની આવતીકાલ કેવી હોવી જોઇએ.
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે પીએમ મોદીએ સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, આ વખતે જે ગુજરાતનું વાતાવરણ જોઇ રહ્યો છું તે અદભૂત છે. આ વખતે મારી ગુજરાતની જનતા જનાર્દન ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ચારેય ખૂણે થી એક જ નાદ છે કે ફીર એક બાર મોદી સરકાર. આ જિલ્લો ખૂબ ઝડપથી શહેરીકરણ તરફ આગળ વધી રહયો છે. પૂ.મહાત્માં ગાંઘી કહેતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે પણ આ કોંગ્રેસવાળા ગાંધીજીને બધી જ રીતે ભુલી ગયા છે. કોંગ્રેસવાળાએ તો આત્માને જ કચડી નાખ્યો. કોંગ્રેસના શાસનમાં ગામડા પ્રત્યે ઉદાસિનતા જોવા મળતી હતી. જયારે ભાજપાએ ગામડાઓનો સર્વાગી વિકાસ કર્યો છે.