વાપી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે મતગણતરી માટે ગણતરીના કલાકો બાકી છે ત્યારે 1985માં કોંગ્રેસનો ગુજરાતમાં સૌથી સારો દેખાવ કરીને મુખ્યમંત્રી માધવસિંહના સમયમાં 149 બેઠકો મેળવી હતી. તે સમયમાં દક્ષિણ ગુજરાતના ટ્રાઈબલ બેલ્ટમાં જે કોંગ્રેસના જે ધારાસભ્યો જીત્યા હતા. તે પૈકી ડાંગની બેઠક ઉપર ચંદરભાઈ પટેલ જીત્યા હતા. તેમના પુત્ર આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું ભાવિ 8 ડીસેમ્બરે ઇવીએમ મશીનમાં મત ગણતરી બાદ નક્કી થશે. જીત-હાર શું થાય છે તેના પર નજર રહેશે.
- 1985માં પારડીની બેઠક ઉપર કોંગ્રેસના જીતેલા સવિતાની દીકરી જયશ્રી પટેલ 2022માં કોંગ્રેસના ઉમેદવાર
- મોટાપોંઢા બેઠક પર 1985માં જીતેલા માજી ધારાસભ્ય બરજુલભાઈ પટેલના પુત્ર વસંત પટેલના ભાવિનો ફેંસલો થશે
- ડાંગની બેઠક ઉપર જીતેલા ચંદરભાઈ પટેલના પુત્ર આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર
1985માં જ પારડીની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતેલા સવિતાબેન પટેલની દીકરી જયશ્રીબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. પારડીની બેઠક ઉપર તેમની હાર-જીતનો ફેંસલો પણ મતગણતરી બાદ સ્પષ્ટ થશે. ત્રીજી બેઠક કપરાડાની બેઠક જે પહેલા મોટાપોંઢા બેઠક તરીકે ઓળખાતી હતી. તેના ઉપર 1985માં જીતેલા માજી ધારાસભ્ય તેમજ ત્યાર બાદ પણ ચૂંટણી જીતીને મંત્રી પણ બન્યા હતા. તે બરજુલભાઈ નવલાભાઈ પટેલના પુત્ર વસંતભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેમના ભાવિનો ફેંસલો પણ ઈવીએમ મશીનમાં મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે. આ ત્રણ માજી ધારાસભ્યના પુત્રો-પુત્રી પહેલી વખત કોંગ્રેસની ટિકિટ ઉપર વિધાનસભાનું ઇલેક્શન લડી રહ્યા છે. આ પણ ઇલેક્શનની એક રોચક વાત કહી શકાય.