ગાંધીનગર : પીએમ (PM) મોદી પરત દિલ્હી (Delhi) ગયા બાદ મુખ્યમંત્રી (CM) પટેલે ચૂંટણીની (Election) જાહેરાત પહેલા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં જુદાજુદા વિભાગોના આંદોલન ચલાવી રહેલા કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ સિનિયર મંત્રીઓની એક કમિટી બનાવી છે, જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, બ્રિજેશ મેરજા તથા હર્ષ સંઘવીનો સમાવેશ કરાયો છે. જેઓ વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલની દિશામાં કવાયત હાથ ધરશે. કમિટીના આ સભ્યો આંદોલનકારી કર્મચારીઓ સાથે ચર્ચા કરીને આંદોલન સમેટાઈ જાય તેવા પ્રયાસ કરશે. ખાસ કરીને આ પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય તે માટે આ નિર્ણય લેવામાં સીએમ ભૂપેન્દ્ર પટેલને ભલામણ કરશે.
આંદોલનના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે, તેવા રાજકિય સંકેત મળતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્યપ્રધાનના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથનની સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં સરકારની છબી સુધારવા, વહીવટીતંત્ર પર પક્ડ મજબૂત બનાવવા, જરૂર પડ્યે આકરા પગલા લેવા પણ તાકીદ કરી હતી. આ ઉપરાતં સિનિયર સનદી બાબુઓ તથા સિનિયર પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓના મામલે પણ ચર્ચા કરી હતી.