ચૂંટણીમાં કરોડો રૂપિયાનું ફંડ આપનાર કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાય છે: કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ: રાજ્યમાં (Stat) જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બ્રિજ (Bridge) દુર્ઘટનાઓ બનતી હોય છે. આ દુર્ઘટનાઓ અંગે રાજ્યની ભાજપ (BJP) સરકાર મૌન રહે છે અને કોઇ જ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી, કારણ કે ચૂંટણીમાં (Election) કરોડો રૂપિયાનું ફંડ આપનાર કંપનીઓને (Company) બ્રિજ બાંધવાનો કોન્ટ્રાક્ટ રાજ્યની ભાજપ સરકાર આપતી હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસે (Congress) કર્યો હતો.

ગુજરાતમાં સાત જેટલા બ્રિજ અકસ્માત – બાંધકામ તૂટવાની ઘટનાઓમાં થયેલી ગુનાહિત બેદરકારી માટે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે તાત્કાલીક તટસ્થ તપાસ કરવામાં આવે અને નક્કર પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટનાઓમાં ગુનાહિત બેદરકારી આચરનારા જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકારના આશીર્વાદ હોવાને કારણે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ચૂંટણીમાં કરોડો રૂપિયા ફંડ આપનાર મળતિયા કંપનીઓને બ્રિજ બાંધકામ સહિત કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની લ્હાણી કરતી ભાજપ સરકાર બ્રિજ અકસ્માત/દુર્ઘટના મુદ્દે મૌન કેમ છે ? છેલ્લા સાત વર્ષમાં બ્રિજ બાંધકામ – અકસ્માતમાં બે નાગરિકોના મોત અને ૧૪થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્રિજનું બાંધકામ કરનાર માત્ર એક જ કંપનીએ કરોડો રૂપિયા ચૂંટણી ફંડ સત્તાવાર આપ્યું છે. સાથોસાથ અંડરટેબલ લેતી-દેતીની રકમનો અધધ આંકડો જાણવા મળે છે.

અમદાવાદમાં શાંતિપુરામાં બ્રિજ અકસ્માત – બાંધકામ તૂટવાની ગંભીર ઘટનામાં પણ બ્રિજ નિર્માણની કામગીરી બ્લેકલિસ્ટ કંપની કેમ આપવામાં આવી ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ સરકારના ”ભ્રષ્ટાચારી મોડલ”થી ગુજરાતના સામાન્ય નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ, રાજકોટ, મહેસાણા જિલ્લામાં પાંચ જેટલી બ્રિજ અકસ્માતની ઘટનામાં બે નાગરિકોના પોતાનો જીવ ગુમાવ્યો છે. કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લેતી ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોની સલામતીને નેવે મૂકીને માત્ર ચૂંટણી ફંડ મેળવવા માટે રસ હોય તેમ જણાઈ રહ્યું છે.

રાજ્યમાં બ્રિજનું બાંધકામ તૂટવાની ગંભીર ઘટનાઓ
રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૦૨૨ માધાપર ચોકડી. રાજકોટ – માધાપર, ૨૦૨૧ શાંતિપુરા – મુમતપુરા, અમદાવાદ, ૨૦૨૦ ફ્લાય ઓવર (દિવાલ) આજી ડેમ ચોકડી. રાજકોટ, ૨૦૨૦ મહેસાણા બાય પાસે, પોદાર સ્કૂલની બાજુમાં, મહેસાણા, ૨૦૧૯ સટોડાક ગામ, જામનગર – જુનાગઢ રોડ, રાજકોટ, ૨૦૧૬ પીપલોદ ફ્લાય ઓવર ઉધના રોડ, સુરત અને ૨૦૦૭ ઉધના દરવાજા, મજુરા ગેટ અને આઠવા લાઈનને જોડતો બ્રિજ, સુરતમાં અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે.

Most Popular

To Top