Gujarat

લાભ પાંચમ પછી કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના

અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓની (Election) જાહેરાત 1લી નવેમ્બર પછી ગમે તે ઘડીએ થઈ શકે છે. તેવામાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના મૂળમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ (Congress) પણ આ વખતે આક્રમક મૂળમાં જોવા મળી રહી છે. કોંગ્રેસમાં દર વખતે ટિકિટોનો કકળાટ થતો હોય છે, ત્યારે આ વખતે કોંગ્રેસે ટિકિટોના મુદ્દે ખૂબ સાવચેતી સાથે નામની વહેલી જાહેરાત કરવાનું નક્કી કર્યું છે. લાભ પાંચમ પછી કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે તેવું જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસમાં હંમેશા ઉમેદવારોની પસંદગી અને ટિકિટોને લઈ વિવાદ તેમજ આંતરિક ખેંચતાણ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોંગ્રેસ ખૂબ જ ગંભીરતાથી તમામ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને ઉપરાંત તમામ લોકોને વિશ્વાસમાં લઈ સંગઠનાત્મક રીતે સર્વસ્વીકૃત ઉમેદવાર નક્કી થાય તે દિશામાં કામ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ મેળવવા ઇચ્છનાર ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં લગભગ 900 જેટલી અરજીઓ મળી હતી.

તાજેતરમાં જ દિલ્હી ખાતે હાઈકમાન્ડ અને પ્રદેશ કોગ્રેસના અગ્રણી, સીનિયર નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી. સાથે જ પ્રદેશના સીનિયર નેતાઓની સ્ક્રિનિંગ કમિટી સાથે પણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ પાસાઓની ખૂબ જ લંબાણપૂર્વક ઉમેદવારોના નામને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ 20 થી વધુ ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ જોતા આગામી લાભ પાંચમ પછી તરત જ કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના છે.

ઉમેદવારોને પસંદગીને લઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, જીતી શકે તેવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. ટિકીટ માટે કોઈ પ્રકારનો ક્રાઈટેરિયા રાખવામાં આવ્યો નથી. માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. આ ઉપરાંત સીટિંગ ધારાસભ્યોને પણ ટિકિટ આપવામાં આવશે. એકાદ બે ધારાસભ્ય સિવાય બાકીના બધા જ સીટિંગ ધારાસભ્યોને ફરી રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહે છે.

Most Popular

To Top