National

તેજસ્વી યાદવનું નામ વોટર લિસ્ટમાં નહીં હોવાના આક્ષેપનો ચૂંટણી પંચે આપ્યો જવાબ..

આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવે આજે શનિવારે દાવો કર્યો હતો કે શુક્રવારે બિહાર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ નથી.

પટણામાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેજસ્વીએ કહ્યું, મેં બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ગણતરી ફોર્મ ભર્યા હતા. પરંતુ મારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. હું આગામી વિધાનસભા ચૂંટણી કેવી રીતે લડીશ?

તેજસ્વી યાદવે કહ્યું કે જ્યારે તેમણે ચૂંટણી પંચના પોર્ટલ પર તેમનો ECIP (ઇલેક્ટર્સ ફોટો ઓળખ કાર્ડ) નંબર RAB2916120 દાખલ કરીને શોધ કરી ત્યારે તેમાં કોઈ રેકોર્ડ મળ્યો નથી.

જોકે, ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાની હકીકત તપાસતા કહ્યું કે તેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ છે. ચૂંટણી પંચે મતદાર યાદીનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે, જેમાં તેજસ્વીનું નામ, ઉંમર, પિતાનું નામ, ઘર નંબર અને તેમનો ફોટો શામેલ છે.

આરજેડી નેતાના આરોપો પર ચૂંટણી પંચે તાત્કાલિક ડેટા શેર કર્યો અને કહ્યું, તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો કે તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. અમે યાદી શેર કરી છે અને તેમને તેમનું નામ કાળજીપૂર્વક તપાસવા વિનંતી કરી રહ્યા છીએ.

ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા રેકોર્ડમાં તેજસ્વી યાદવનો ECIP નંબર RAB0456228 હતો. ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેજસ્વી યાદવનું નામ સીરીયલ નંબર 416 પર નોંધાયેલું છે.

મતદારો 1 સપ્ટેમ્બર, 2025 સુધી નામ ઉમેરી શકશે
તેજસ્વી યાદવે પ્રશ્ન કર્યો કે હવે હું ચૂંટણી કેવી રીતે લડીશ? ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બિહારમાં SIR પ્રક્રિયા 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે સમાપ્ત થશે. એટલે કે, કમિશન દ્વારા તેની વેબસાઇટ પર અપલોડ કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદી અંતિમ નથી.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ખાતરી આપી છે કે બિહારના તમામ મતદારો અને રાજકીય પક્ષોને 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી સુધારેલી મતદાર યાદી પર દાવા અને વાંધાઓ આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.

CEC એ જણાવ્યું હતું કે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) અને તમામ 243 વિધાનસભા મતવિસ્તારોના ચૂંટણી નોંધણી અધિકારીઓ (EROs) 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રાજ્યના મતદારો અથવા કોઈપણ માન્ય રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢી નાખવા અને મતદાર માહિતીમાં સુધારા માટે દાવા અને વાંધા રજૂ કરવા માટે આમંત્રિત કરશે. તેજસ્વી યાદવનું નામ ખરેખર મતદાર યાદીમાં ન હોય તો પણ તેને સુધારવા માટે તેમની પાસે હજુ પણ બે મહિનાનો સમય હશે.

Most Popular

To Top