નવી દિલ્હી: ગુજરાત(Gujarat)માં ચુંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આજે દિલ્હીમાં બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. જેમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. નવેમ્બરના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હિમાચલની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની વહેલી જાહેરાત થાય છે. ગત વખતે 10 ઓક્ટોબરના રોજ હિમાચલની ચૂંટણી જાહેર થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂરો થાય છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બંને રાજ્યોમાં જીત મેળવીને સરકાર બનાવી હતી.
ગુજરાતની ચુંટણીની તારીખો જાહેર થશે?
નોંધનીય છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. બંને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે. જોકે, આવતીકાલે ડેપ્યુટી કમિશન આવવાના છે ત્યારે ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તે શક્યતાઓ નહિવત હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં ભાજોપ કોંગ્રેસ સાથે આપ પાર્ટી પણ ચુંટણીમાં જીત મેળવવા મહેનત કરી રહી છે. ત્યારે આ વર્ષે ચુંટણી ઘણી રસપ્રદ બનશે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં 182 સીટ પર ચુંટણી
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટ છે. તેમાં 40 સીટ આરક્ષિત છે. 13 સીટ અનુસૂચિત જાતિ માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ માટે રિઝર્વ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2017નાં વર્ષમાં 25 ઓક્ટોબરનાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.
ચૂંટણી પંચની અંતિમ મતદાર યાદી જાહેર
ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.