નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. હરિયાણામાં ભાજપ સતત ત્રીજીવાર સરકાર બનાવે તેવું લાગી રહ્યું છે. ભાજપ બહુમતનો આંકડો પાર કર્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર ભાજપ 50 અને કોંગ્રેસ 34 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જોકે, મતગણતરી વચ્ચે કોંગ્રેસે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચની વેબસાઇટ પર મતગણતરીના આંકડા અપડેટ થઈ રહ્યાં નથી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, અમે મેમોરેન્ડમ સબમિટ કરીને ફરિયાદ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે ECI અમારા પ્રશ્નોના જવાબ આપશે.
કારણ કે 11-12 રાઉન્ડના પરિણામો આવી ગયા છે પરંતુ જે અપડેટ કરવામાં આવ્યું છે તેમાં માત્ર 4થી 5 રાઉન્ડના પરિણામ જ બતાવવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવું થયું હતું. અમે આશા રાખીએ છીએ કે ECI જે બંધારણીય સંસ્થા છે, એક નિષ્પક્ષ સંસ્થા છે, તેણે વહીવટીતંત્ર પર દબાણ ન લાવવું જોઈએ, નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ બધી ‘માઇન્ડ ગેમ’ છે… અમને જનાદેશ મળવાનો છે, કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આવું પ્રથમ વખત થઇ રહ્યુ છે કે ચેનલ પોતાના રિપોર્ટરના આંકડા નહીં પણ ચૂંટણી પંચના આંકડા બતાવી રહ્યાં છે અને ચૂંટણી પંચના આંકડા 4 કે 5માં રાઉન્ડના છે જ્યારે અમારા કંટ્રોલ રૂમમાં 11/12 રાઉન્ડના આંકડા આવી ગયા છે.
4 રાઉન્ડ બાદ વિનેશ ફોગાટને પાછળ બતાવવામાં આવી પરંતુ 9 રાઉન્ડ બાદ તે 5200 મતથી આગળ છે. આંકડામાં આ અંતરને લઇને અમારા મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી ચૂંટણી પંચને પૂછ્યું કે સ્થાનિક તંત્ર પર દબાણ બનાવવાનો આ શું પ્રયાસ છે? અમે ચૂંટણી પંચને તરત કાર્યવાહી કરવા અને શરૂઆતના ટ્રેન્ડને અપડેટ કરવાની માંગ કરી રહ્યાં છીએ.
જયરામ રમેશના નિવેદન પર ભાજપે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, આપણે અંતિમ પરિણામોની રાહ જોવી જોઇએ પરંતુ જ્યારે જયરામ રમેશે એમ કહેવાનું શરૂ કરી દીધું છે અને ચૂંટણી પંચ પર આંગળી ઉઠાવવાનું શરૂ કર્યું છે તો આપણે એમ માની લેવું જોઇએ કે તેમને પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. મને લાગે છે કે અમે નિર્ણાયક જીત તરફ વધી રહ્યાં છીએ અને કોંગ્રેસ પોતાની ભાવી હારની તૈયારીમાં લાગી ગઇ છે.