ભાજપે નવા વર્ષથી વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવાનું શરૂ કરશે. વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર સ્થિત કમલમમાં મહત્વની બેઠક યોજશે. ભાજપમાં ટિકિટ માટે ઉમેદવારોના નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પાલનપુર અને કચ્છના ટોચના નેતાઓ સાથે બેઠક બાદ હવે ચૂંટણીલક્ષી ગતિવિધિ તેજ કરી રહ્યાં છે. કેટલાક વર્તમાન ધારાસભ્યોને પણ તૈયારી અંગેના સંકેત આપી દેવાયા છે. તેવામાં આજે નવા વર્ષે કમલમમાં અમિત શાહ બેઠક યોજશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ નવા વર્ષના વધામણાંની સાથે ચૂંટણીલક્ષી ચર્ચા પણ કરવામાં આવશે.
જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાના 182 મતક્ષેત્રોમાં ઉમેદવારો શોધવા અને ટિકિટવાંચ્છુઓના દાવા સ્વિકારવા ભાજપ નૂતન વર્ષથી લાભ પાંચમ દરમ્યાન નિરીક્ષકોને મેદાને ઉતારશે. ગુજરાત પ્રદેશ ભાજપે નિરીક્ષકોના નામો કે ટીમની જાહેરાત કર્યા વગર જ ગુરૂવારે પદાધિકારી, કાર્યકરોની સેન્સ મેળવવાની પ્રક્રિયા માટે જણાવ્યું છે. 27, 28 અને 29 એમ ત્રણ દિવસ જે તે જિલ્લામાં નેતાઓ નિરીક્ષણ કરશે. જણાવી દઈએ કે ભાજપ દ્વારા 1લી નવેમ્બરે 182 બેઠકોમાં પ્રત્યેક બેઠક માટે એક સ્થળે 20 હજાર કાર્યકરોનુ સ્નેહમિલન યોજશે. ભાજપ આ દિવસોમાં કુલ 40 લાખ કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમો યોજશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.
આ તરફ નવા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ભાજપના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ ભાજપના શહેરનાં તમામ હોદ્દેદારો તેમજ સંગઠનના નેતાઓ પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને મળી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા દિવાળીની આસપાસ કરાશે તેવી અટકળો ચાલતી હતી. જો કે 29 ઓક્ટોબર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં કેટલાક સરકારી કાર્યક્રમોનું આયોજન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 31 ઓક્ટોબરે સરદાર જયંતીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહેશે. તેના કારણે હવે ચૂંટણીની જાહેરાત 1 નવેમ્બર આજુબાજુ થાય તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.