બારડોલી: (Bardoli) બારડોલી સહિત સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Election) લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતેથી ચૂંટણી કર્મચારીઓને ઇવીએમ સહિતની સામગ્રીની ફાળવણી કરી મતદાન કેન્દ્ર પર રવાના કરવામાં આવ્યા હતા.સમગ્ર ગુજરાતમાં રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે. સુરત જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપરાંત 9 તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી થવાની છે. મતદાન પૂર્વે શનિવારના રોજ ચૂંટણી પંચ દ્વારા તૈયારીના ભાગ રૂપે તાલુકા મથકોએ બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતેથી કર્મચારીઓને ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. બારડોલીમાં અસ્તાન કન્યા વિદ્યાલય ખાતેથી તાલુકાના 140 મતદાન કેન્દ્ર માટે કર્મચારીઓને ઇવીએમ સાથે રવાના કરવામાં આવ્યા હતા.
જ્યારે બારડોલી નગરપાલિકા માટે બી.એ.બી.એસ. હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલ હોય ત્યાંથી કર્મચારીઓને કુલ 49 બૂથ પર રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના ૯ તાલુકાઓ માટે ચૂંટણી કામગીરી માટે કુલ ૧૧૮૦ મતદાન મથકો માટે ૧૧૮૦ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૨૫ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૧૮૦ આસિ.પ્રિસાઈડિંગ અને ૧૨૭ રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, ૩૨૩૧ પોલિંગ ઓફિસરો, ૨૪૫ રિઝર્વ પોલિંગ ઓફિસરો, ૧૧૮૦ પ્યુન તેમજ ૧૦૧ રિઝર્વ સ્ટાફ ફરજ બજાવશે.
જ્યારે ચાર નગરપાલિકાની ચૂંટણી કામગીરી માટે કુલ ૧૦૫ મતદાન મથકોમાં ૧૦૫ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૩ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૦૫ આસિ.પ્રિસાઈડિંગ અને ૧૩ રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, ૨૨૦ પોલિંગ ઓફિસરો, ૭૭ રિઝર્વ પોલિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ ફરજ બજાવશે. જિલ્લા પંચાયતની ૩૬ પૈકી ૩૪ બેઠક અને તાલુકા પંચાયતની ૧૮૪ પૈકી ૧૭૬ બેઠકની ચૂંટણી યોજાશે. સુરત જિલ્લાના ૯ તાલુકામાં ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં ચૂંટણી યોજાનાર છે. મતગણતરી તા.૨ માર્ચના રોજ થશે. ૯ તાલુકામાં ૪,૯૬,૮૧૩ પુરૂષ, ૪,૮૪,૪૦૬ મહિલા અને ૧૫ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૯,૮૧,૨૩૪ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે.
બારડોલી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, કડોદરા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮, માંડવી નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ અને તરસાડી નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો એમ કુલ ૧૧૬ બેઠકની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદાર મતદાન કરશે. કુલ ૧૦૫ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ ૯૭૧ મતદાર નોંધાયા છે.