આજના વર્ગખંડોમાં આપણે સ્માર્ટ બોર્ડ તથા ટેકનોલોજીનો ઘણો બધો વપરાશ જોઈ રહ્યા છીએ અને જે વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં આવે છે તે પણ ટેકનોલોજીથી માહિતગાર છે. હવે તેની સાથે સાથે Aiનો વપરાશ ખૂબ જ વધ્યો છે. હવે અન્ય વ્યવસાયો અને શિક્ષકના વ્યવસાયને એનાથી ભય છે ખરું કે? અમુક લોકોનું માનવું છે કે હવે વર્ગખંડોમાં પણ Ai જ કામ કરશે અને વિદ્યાર્થીઓને ભણાવશે. મારું કહેવાનું એમ છે કે Ai શું વિદ્યાર્થીઓના ભાવોને સમજી શકે છે? જે રીતે એક શિક્ષક ભાવત્મક રીતે વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં જોડાય છે તે રીતે AI વિદ્યાર્થીઓ સાથે જોડાઈ શકે છે? કોઈ વિદ્યાર્થીને માનસિક કે શારીરિક ઈજા થાય ત્યારે AI એની પીડા ને સમજી શકે છે? શું AI આજના વિદ્યાર્થીઓની સ્કિલને ઘટાડી નથી રહ્યો? AI ના ઘણા બધા ફાયદાઓ ખરા પણ જે પ્રશ્નો છે તેનું શું? કહેવાનું એટલું જ છે કે ભવિષ્યમાં શિક્ષકના વ્યવસાયને કોઈપણ પ્રકારની આંચ આવશે નહીં.
વિદ્યાર્થી, વી.ટી. ચોકસી, સુરત – ઝેબા પરવીન મોહંમદ ઝમીર શેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગાંધીજીને ક્યાં, સુધી વટાવશો ?
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ગઈ. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવ્યું અને સ્વતંત્ર ભારતનું નિર્માણ થયું. આઝાદી અપાવવામાં ગાંધીજી, સરદાર પટેલ,જવાહર લાલ નહેરુ જેવા અનેક વીરોએ યોગદાન આપ્યું છે પરતું ગાંધીનાં સ્વપનનું ભારત હવે રહ્યું નથી. ગાંધી મૂલ્યો વિસરાતા જાય છે. રાજકીય નેતાઓ ભાષણ બાજી કરે છે પરંતુ તેને અનુસરતા નથી. સત્ય,અહિંસાનો લોપ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર, અરાજકતા, અપરાધીકરણે માઝા મૂકી છે. ગાંધી-સરદાર જયંતી વેળા નેતાઓ-પ્રતિમાને હાર-તોરા કરીને ફોટાઓ પડાવી વિદાય થાય છે. ગાંધીની દારૂબંધી હાસ્યાસ્પદ નીવડી છે. ગાંધીનગરમાં તો જાણે જેટલા ખાતાઓ છે તેમાં લાંચ-રૂસ્વતે હદ વટાવી છે. શેખાદમ આબુવાલાએ લખ્યુ છે – ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
તરસાડા, માંડવી – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.