Charchapatra

અસ્સી મુવી

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર આપણા દેશમાં દરરોજ  લગભગ એંસી (80) જેટલા બળાત્કારના બનાવો નોંધાય છે. નહીં નોંધાતાં કેસોની સંખ્યા કેટલી હશે એ તો અનુમાન કરતાં પણ ધ્રૂજી જવાય એટલી હશે! સમાજમાં બનતી અનેક ઘટનાઓનું  વિવરણ  મુવીમાં થતું હોય છે. કેટલીક ફિલ્મો સમાજની સમસ્યાઓને દર્શાવે છે કે જે સમગ્ર સમાજને વિચારવા  મજબૂર કરી દે છે. સમાજને સાચો મેસેજ આપતી મુવી સમાજમાં હકારાત્મક પરિવર્તન પણ લાવી શકે છે. ફિલ્મમાં સમાજનું પ્રતિબિંબ પણ પડતું હોય છે.

તાજેતરમાં રિલીઝ થયેલી “ અસ્સી “ ફિલ્મનું નામ દરરોજ બળાત્કારના નોંધાતા કેસો પરથી રાખવામાં આવ્યું છે. શું સમાજનાં નૈતિક મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યું છે? માટે આ પ્રકારના બનાવો બની રહ્યા છે? શારીરિક જબરજસ્તીના જઘન્ય ગુનાઓ વધતા જાય છે કે જે કોઈપણ સમાજ માટે ચિંતાપ્રેરક છે. આવી ઘટનાઓ આપણને આઘાત આપી જાય છે. આવા બનાવો નહીં બને તે માટે યુવા પેઢીને કે સમાજને સંવેદનશીલ બનાવવાની આવશ્યકતા છે.અસ્સી  ફિલ્મ જોઈને રૂંવાડાં ઊભાં થઈ જાય છે. બળાત્કાર જેવા સંવેદનશીલ વિષય પર બનેલ ફિલ્મ અસ્સી લોકોને અસહજ કરી દે છે. આપણા દેશમાં  સામુહિક બળાત્કાર કે ગેંગરેપ જેવી ઘટનાઓ પણ અવારનવાર  બને છે એ ખૂબ જ દુઃખદ છે.

દૈનિક અખબારમાં રોજેરોજ બળાત્કારના બનતા બનાવોની દુઃખદ નોંધ લેવાય છે અને લોકો એ વાંચીને ભૂલી પણ જાય છે. છ – સાત વર્ષની નાની બાળકી ઉપર પણ બળાત્કારની દુઃખદ ઘટનાઓ બની રહી છે જે આપણને હચમચાવી નાખે છે. આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક કાયદાઓ હોવા છતાં ગુનેગારોને ઝડપથી સજા મળતી નથી પરિણામે બળાત્કારીઓને કાયદાનો ડર ઓછો લાગવાને પરિણામે આવા બનાવો વધતા જ રહે છે. મહિલાઓના સશક્તિકરણ માટે હજી ઘણું બધું કરવાની આવશ્યકતા જણાય છે. કોઈ પણ દેશની પ્રગતિ ત્યારે જ સાચી ગણાય કે જ્યારે તે દેશમાં રહેતી મહિલાઓ સુરક્ષિત હોય!   સમાજની માનસિકતા બદલાશે તો જ મહિલાઓ સુરક્ષિતતા અનુભવી શકશે. સમાજની કડવી વાસ્તવિકતાને રજૂ કરતી અસ્સી  ફિલ્મ સમય કાઢીને પણ  જોવા માટે ભલામણ છે.
નવસારી  – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top