નડિયાદ: ગુજરાતમાં આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવાની છે. ૬ મહાનગરોમાં યોજાનાર આ નેશનલ ગેમ્સમાં ૩૬ જેટલી રમતો માટે કુલ ૭૦૦૦ કરતાં વધુ રમતવીરો ભાગ લેવાના છે. આ ગેમ્સનું અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમાં યોજાનાર આ ઉદ્ઘાટન સમારોહમાં ખેડા જિલ્લામાંથી ૮૦૦૦ જેટલાં પ્રેક્ષકોને હાજર રહેશે. આ પ્રેક્ષકોને ૧૫૦ બસ મારફતે અમદાવાદ લઇ જવાના આયોજનના ભાગરૂપે ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાના તમામ સંકલનના અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી.
જેમાં નેશનલ ગેમ્સમાં ખેડા જિલ્લામાંથી ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે પરીવહન, રોકાણ, ભોજન, વાહન વ્યવસ્થાપન અને પાર્કિંગ સહિતની સુચારુ વ્યવસ્થાઓ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસર, મામલતદાર સહિત અન્ય સંકલન અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.