National

ઓડિશામાં વિચિત્ર ઘટનાઃ સહપાઠીઓએ ઉંઘતા સ્ટુડન્ટની આંખમાં ફેવિકિક લગાડ્યું, 8ની આંખ ચોંટી ગઈ

ઓડિશાના કંધમાલ જિલ્લાના ફિરિંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ શાળામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં સૂતી વખતે કેટલાક સહપાઠીઓએ 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાંખ્યું. જેના કારણે વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના સેવાશ્રમ શાળાના છાત્રાલયમાંથી જણાવવામાં આવી રહી છે. હાલમાં કલેક્ટરે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ, કંધમાલ જિલ્લાના ફિરિંગિયા બ્લોકના સલાગુડામાં એક સેવાશ્રમ શાળા છે. અહીંના છાત્રાલયમાં વિદ્યાર્થીઓ પણ રહે છે. શુક્રવારે મોડી રાત્રે જ્યારે વિદ્યાર્થીઓ સૂઈ રહ્યા હતા ત્યારે કેટલાક સહપાઠીઓએ 8 વિદ્યાર્થીઓની આંખો પર ફેવિકિક લગાવી દીધી. જેના કારણે વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ.

આંખો ચોંટી જવાને કારણે વિદ્યાર્થીઓ તેમની આંખો ખોલી શક્યા ન હતા. ત્યારબાદ તેમને પહેલા ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં સારી સારવાર માટે ફુલબાની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે અન્ય સાત વિદ્યાર્થી હજુ પણ સારવાર હેઠળ છે.

ડોક્ટરોએ પુષ્ટિ આપી છે કે એડહેસિવથી આંખોને નુકસાન થયું છે. જોકે, સમયસર સારવારથી ગંભીર ઘટના ટાળવામાં મદદ મળી. દરમિયાન આ ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રે શાળાના મુખ્ય શિક્ષક મનોરંજન સાહુને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક કેમ નાખવામાં આવ્યું તે જાણવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્ટેલમાં આ ઘટના કેવી રીતે બની તે જાણવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે કલેક્ટરે આ કેસની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

Most Popular

To Top