SURAT

સુરતમાં ગણેશ વિસર્જન યાત્રા અને ઈદ-એ-મિલાદનું જુલુસ એક દિવસે નહીં નીકળે, આ છે કારણ…

સુરત: 29મીનો ચન્દ્ર જો 27 સપ્ટેમ્બરે થાય તો ઇદે મિલાદ-ઉન-નબીનું જુલુસ પણ 28 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનાં રોજ નીકળે, એવી સ્થિતિ ટાળવા મુંબઈની જેમ સુરતમાં પણ તા. 29 સપ્ટેમ્બરના શુક્રવારે ઇદે મિલાદનું જુલુસ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે શહેર પોલીસ કમિશનર અજય તોમરે સુરત શહેર શાંતિ સમિતિની બેઠક બોલાવી વચગાળાનો રસ્તો કાઢવા માટે ચર્ચા વિચારણા કરી હતી.

ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી પયગમ્બર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

આ પરંપરાને વિવિધ શહેરો સાથે સુરત શહેરમાં પણ સુરત શહેર સિરતુન્નબી કમિટિ, ઝાંપા બજાર, ઉન, લિંબાયતની કમિટિઓએ જાળવી રાખી છે. જો કે આ વખતે પરિસ્થિતિ જુદી હોવાથી મુસ્લિમ સમાજની ચારેય સંસ્થાઓએ હિન્દુ સમાજના ભાઈઓ ગણેશ વિસર્જનનું પર્વ શાંતિ, ભાઈચારા અને એખલાસભર્યા માહોલમાં ઉજવી શકે એ માટે ઇદે મિલાદનું જુલુસ ગણેશ વિસર્જનના બીજા દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરે શુક્રવારે જુમ્માની નમાજ પછી કાઢવાનું નક્કી કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ)નાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બપોરે ૪.૦૦ કલાકે ઝાંપાબજાર મુકામેથી સુરત શહેર સિરતુન્નબી કમિટિના નેતૃત્વમાં પરંપરાગત રીતે જુલુસ કાઢવામાં આવે છે.

આ જુલુસમાં શહેરનાં વિવિધ વિસ્તારો જેવા કે બડેખાં ચકલા, રાંદેર, માનદરવાજા, સલાબતપુરા, ચીમની ટેકરા, સૈયદપુરા, હોડી બંગલા, ગોપીપુરા, મોમનાવાડ, નાનપુરા, બેગમપુરા, શાહપોર, ઉન, ભેસ્તાન તેમજ નવશહીદનો ટેકરો સહિત મુસ્લિમ વિસ્તારોમાંથી નાના-નાના જુલુસો ડી.કે.એમ. હોસ્પિટલની ગલીથી મુલ્લાજી દેવળી થઇ ઝાંપાબજાર ખાતે ભેગા થાય છે અને ત્યાંથી મુખ્ય જુલુસ બની ટાવર થઇ ભાગળ રાજમાર્ગથી લીમડાચોક, લાલગેટ થઇ ભાગાતળાવ થઇ ચોકબજાર ચાર રસ્તાથી ગાંધી પ્રમિતાની સામેથી સાગર હોટેલની ગલીથી બડેખાં ચકલાથી પસાર થઇ હજરત ખ્વાજાદાન (૨.અ) સાહેબની દરગાહ ખાતે પહોંચી સંપન્ન થાય છે.

હિન્દુઓ ઉત્સાહભેર ગણેશ વિસર્જન ઉજવી શકે તે માટે મુસ્લિમ સમાજનો નિર્ણય: કદીર પીરઝાદા
સુરતનાં માજી મેયર અને મોટા મિયા માંગરોળ એકલબારા-પાદરાનાં ગાદીપતિ કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ પોતાના સમાજના મોટાભાઈ જેવા હિન્દુ સમાજના લોકો ઉત્સાહભેર ગણેશ વિસર્જનનો પર્વ ઉજવી શકે એ માટે બીજા દિવસે શુક્રવારે ઇદે મિલાદ-ઉન- નબીનું જુલુસ કાઢવાનો નિર્ણય લીધો છે. સુરતનાં મુસ્લિમ સમાજે પણ આ જ લાગણી સાથે શુક્રવારે ઇદે મિલાદનું જુલુસ કાઢવાનો નિર્ણય લીધો છે. આગલા દિવસે ગણેશ વિસર્જન અને બીજા દિવસે ઇદે મિલાદનું જુલુસ નિકળવાથી પોલીસને પણ બંદોબસ્ત ગોઠવવામાં અને કાયદો, વ્યવસ્થાના પાલનમાં અનુકૂળતા રહેશે.

સુરતે સૂઝબૂઝ દાખવી કોમી શાંતિ જાળવવા મહત્વનો નિર્ણય લીધો છે: સ્વામી અંબરીષાનંદ
સુરત શહેરમાં આગામી 28મી સપ્ટેમ્બરે યોજાનાર ગણેશ વિસર્જન યાત્રા અને 29મી સપ્ટેમ્બરે યોજાનારી ઈદ-એ-મિલાદ સરઘસ શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

જેમાં હિન્દુ મિલન મંદિરના મહંત અંબરીશાનંદજી મહારાજ, શહેરના પૂર્વ મેયર કદીર પીરઝાદા, મહામંડલેશ્વરજી, પારસી સમુદાયના અગ્રણી યઝદી કરંજિયા, તમામ સંયુક્ત પોલીસ કમિશ્નરો, ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ અનિલ બિસ્કીટવાલા, સુરત શહેર સિર્તુન્નનબી સમિતિના સભ્યો, અધ્યક્ષ સૈયદ સિરાજ, સુરત શહેર ઇદ-એ-મિલાદ સમિતિના અબ્બાસ શેખ, તાજીયા સમિતિના અધ્યક્ષ અસદ કલ્યાણી, તમામ નાયબ પોલીસ કમિશનર, એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોએ ભાગ લીધો હતો.

યાત્રા અને ઝુલુસનો સુખદ ઉકેલ શોધી શહેરની શાંતિ, સમૃદ્ધિ, કોમી એખલાસભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટે મહત્વનો નિર્ણય લીધો છે અને સૂઝબૂઝ દાખવી છે, એમ સ્વામી અંબરીશાનંદ મહારાજે જણાવ્યું હતું. તેમણે મુસ્લિમ સમાજની સંસ્થાઓ અને કદીર પીરઝાદાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top