Charchapatra

“અહંકાર છે પતનની પાઇલટ કાર”

 “ગર્વ કિયો સોહિ નર હાર્યો” આ લોકગીત માણસને ગર્વથી બચવાનું સૂચન કરે છે. માણસ ગૌરવથી જીવે તે એક વાત છે પણ ગર્વિષ્ટ બને એ બીજી વાત છે. ગર્વ માણસને પતનની ગર્તામાં ધકેલી મૂકે છે. ગર્વિષ્ઠ માણસ સ્વદોષ અને પરગુણ જોવાની દ્રષ્ટિ જ ગુમાવી બેસે છે. તે પોતાને પરિપૂર્ણ અને બીજાને તુચ્છ માને છે. પોતાની ખામીઓ અને બીજાની ખૂબીઓ ન જાણનારો  સાચો વિકાસ કેવી રીતે સાધી શકે? સંત વિનોબાએ આઠ પ્રકારના અહંકાર ગણાવ્યા છે.

બળ, સત્તા,વિત્ત, રૂપ, જ્ઞાન, કુળ, કીર્તિ અને  નમ્રતા. બળનો અહંકાર નિરર્થક છે. માણસ જેવું કોઈ નિર્બળ પ્રાણી નથી. જે જન્મે ત્યારે અને મરે ત્યારે બીજાના સહારાની જરૂર પડે છે. સત્તાનો અહંકાર આભાસી છે. સત્તાની ખુરશી પર આરૂઢ થયેલાને સૌ સલામ કરે છે પરંતુ એ જ માણસ સત્તાભ્રષ્ટ થાય ત્યારે કોઈ સામે જોતું નથી. વિત્ત એટલે ધન. ‘સમય બળવાન છે નહિ મનુષ્ય બળવાન.’  જગતમાં રંકમાંથી  રાજા અને રાજામાંથી રંક બનતાં વાર લાગતી નથી. તેથી તો સિકંદર ખુલ્લા હાથ રાખીને જનાજામાં ગયો હતો. રૂપનો અહંકાર મિથ્યા છે. રૂપિયાની જેમ રૂપ કોઈનું કાયમ રહેતું  નથી. સાચું સૌંદર્ય તો સ્નેહ અને સેવામાં વસે છે. જ્ઞાનનો અહંકાર નિરર્થક છે. માણસનું જ્ઞાન તો વિશાળ વિદ્યાસાગરના એક બુંદ જેટલું છે. કુળનો અહંકાર પણ એટલો જ ઉપરછલ્લો છે.

ઉચ્ચ કુળમાં જન્મેલો માણસ નીચ કુળમાં જન્મેલા માણસને હલકા સમજે છે.  પણ એવું નથી. કમળ કાદવમાં ઊગે છે તો ય વિષ્ણુના મસ્તકે ચડે છે. કીર્તિ પણ વરાળ જેવી છે. જેનો અહંકાર વ્યર્થ છે. કીર્તિ પ્રાપ્ત કરવાનું ગાંડપણ જેને લાગે તે વિવેક અને વિનય ખોઈ બેસે છે. પ્રસિદ્ધિની લાલસા માણસને ગાંડો બનાવે છે. ‘મને અભિમાન નથી’  એ વાતનું અભિમાન છોડવું બહુ દુષ્કર છે. અહમને પોતાનાથી આઘો  કરે તેના જીવનમાં પ્રભુ વસે. આમ એક પણ પ્રકારનું અભિમાન હૃદયમાં પ્રવેશે એ પછી પતન ચાલુ થઈ જાય છે. માટે સદાય તેનાથી દૂર રહેવું.
– નીરુબેન બી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top