બારડોલી: બારડોલીની (Bardoli) શાકભાજી માર્કેટમાં (Vegitable Market) જથ્થાબંધ રીંગણ (Eggplant) વેચવા માટે આવેલા ખેડૂતોને (Farmers) એક મણ રીંગણના માત્ર 20 રૂપિયા મળતાં ખેડૂત રોષે ભરાયા હતા અને તમામ રીંગણ રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. દલાલો અને વેપારીઓની મિલીભગતને કારણે ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક સહકારી તેમજ રાજકીય નેતાઓ ખેડૂતોને તેના ઉત્પાદન પોષણક્ષણ ભાવે વેચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે તેવી માંગ ઊઠી છે.
બારડોલીની શાકભાજી માર્કેટમાં મંગળવારે સવારે આજુબાજુનાં ગામડાંના કેટલાક ખેડૂતો તેમના ખેતરમાંથી શાકભાજીનો પાક વેચાણ માટે લઈને આવ્યા હતા. ત્યારે રીંગણ લઈને આવેલા ખેડૂતોને 20 કિલો એટલે કે એક મણ રીંગણના માત્ર 20 રૂપિયા આપવાનું કહેતાં ખેડૂતો ગુસ્સે ભરાયા હતા. ચારથી પાંચ ખેડૂતોએ મહેનતાથી ઉગાડેલા રીંગણનો પાક ભર બજારમાં રસ્તા વચ્ચે ફેંકી દીધો હતો અને આવતા-જતાં લોકોને મફતમાં રીંગણ લઈ જવા માટે અપીલ કરી હતી. લોકો મોટી સંખ્યામાં રીંગણ લઈ જતાં જોવા મળ્યા હતા.
ખેડૂતોનો આરોપ છે કે શાકભાજી માર્કેટમાં દલાલો અને વેપારીઓની મિલીભગતને કારણે ખેડૂતોનો મરો થઈ રહ્યો છે. ખેડૂતોને તદ્દન નીચા ભાવ આપી દલાલો અને વેપારીઓ ગ્રાહકોને ઊંચા ભાવે માલ વેચી ધીકતી કમાણી કરી રહ્યા છે. સવારથી સાંજ સુધી ખેડૂત ખેતરમાં મહેનત કરે, ખાતર, દવા અને મજૂરીના ઊંચા ભાવ ચૂકવી પાક લણે ત્યારે ખેડૂત તેના ખર્ચ પણ કાઢી ન શકે એટલી સામાન્ય રકમ મળતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા દલાલો અને વેપારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે. બીજી તરફ કેટલાક ખેડૂતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બારડોલી દ્વારા પણ ખેડૂતોને યોગ્ય બજાર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
યોગ્ય કિંમતે માલ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી
શાકભાજી માર્કેટમાં ખેડૂતો પાસે શાકભાજીની ખરીદી કરતાં દલાલો ખેડૂતોને નીચા ભાવ ચૂકવવાની સાથે સાથે માલ વેચી આપવા બદલ દસ ટકા કમિશન પણ લે છે. એટલે જો ખેડૂત સો રૂપિયાનો માલ વેચે તો તેને માત્ર 90 રૂપિયા જ મળે છે. પાંચ મણ રીંગણ લઈને દસ કિમી દૂરથી આવતા ખેડૂતને તો મજૂરી, દવા અને મહેનતના પૈસા તો ઠીક પણ ખેતરેથી બજાર સુધી લાવવા માટે પેટ્રોલ ડીઝલના પૈસા પણ છૂટી શકતા નથી. ત્યારે આ બાબતે ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તેમજ ગ્રાહકોને પણ યોગ્ય કિંમતે માલ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની ગઈ છે.